(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો મૂડીગત્ બાહ્યપ્રવાહ અને સોના-ચાંદીનાં આયાતકારોની ડૉલરમાં વ્યાપક લેવાલી નીકળતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્રના દરમિયાન જોવા મળેલો 11 પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે 11 પૈસા ગબડીને 89.74ની સપાટીએ બંધ રહ્યો હોવાનું ફોરેક્સટ્રેડરોએ જણાવ્યું હતું. જોકે, રિઝર્વ બૅન્કે અમેરિકી ડૉલર/ભારતીય રૂપિયાના સ્વેપની અને ઓપન માર્કેટ ઓપરેશનની જાહેરાત કરી હોવા છતાં રૂપિયા પર તેની કોઈ અસર નહોતી જોવા મળી, એમ તેમણે ઉમેર્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 89.63ના બંધ સામે સુધારાના અન્ડરટોને 89.56ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 89.51 સુધી મજબૂત થયા બાદ નીચામાં 89.83ની સપાટી સુધી ગબડ્યા બાદ અંતે 11 પૈસાના ઘટાડા સાથે 89.74ના મથાળે બંધ રહ્યો હતો.
આગામી ક્રિસમસની રજાઓના સમયગાળા પૂર્વે ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ અને સોનાચાંદીના આયાતકારોની ડૉલરમાં વ્યાપક લેવાલી રહેતાં આજે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ રૂ. બે લાખ કરોડની સરકારની સિક્યોરિટી ખરીદ કરવાનો અને પ્રવાહિતા માટે 10 અબજ ડૉલરના મૂલ્યના બાય/સેલ ડૉલર રૂપી સ્વેપ ઑક્શનની જાહેરાત કરી હોવાની પણ બજાર પર કોઈ અસર નહોતી જોવા મળી. જોકે, આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં 90.30ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.22 ટકા વધીને બેરલદીઠ 62.52 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 116.14 પૉઈન્ટ અને 35.05 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1794.80 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.13 ટકા ઘટીને 97.81 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, પરંતુ તેની ખાસ અસર નહોતી રહી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.