Mon Dec 08 2025

Logo

White Logo

નર્સરીમાં ભણતા ભારતના : ત્રણ વર્ષના ટેણિયાએ ચેસ જગતમાં સનસનાટી મચાવી

2 days ago
Author: Ajay Motiwala
Video

ઇન્દોરઃ ચેસ (chess)માં ભારતનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે એનું વધુ એક ઉદાહરણ આપણા દેશે ચેસ જગતને આપ્યું છે. તામિલનાડુનો ડી. ગુકેશ ગયા વર્ષે પુરુષોમાં 19 વર્ષની ઉંમરે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બન્યો ત્યાર પછી આ વર્ષે નાગપુરની 19 વર્ષની દિવ્યા દેશમુખ મહિલાઓનો ચેસ વર્લ્ડ કપ જીતનારી યંગેસ્ટ ખેલાડી બની ત્યાર બાદ હવે મધ્ય પ્રદેશના માત્ર ત્રણ વર્ષની ઉંમરના સર્વજ્ઞ સિંહ કુશવાહા (Kushwaha)એ કમાલ કરી છે.

મધ્ય પ્રદેશમાં સાગર વિસ્તારમાં રહેતો સર્વજ્ઞ કુશવાહાની ઉંમર ત્રણ વર્ષ, સાત મહિના અને 20 દિવસની છે. ફેડરેશન ઇન્ટરનૅશનલ ડેસ એકેક્સ (ફિડે) સામાન્ય રીતે ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન અથવા વર્લ્ડ ચેસ ફેડરેશન તરીકે જાણીતું છે અને સર્વજ્ઞ કુશવાહા ફિડે રેટિંગ મેળવનાર ચેસ જગતનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો છે.

સર્વજ્ઞ કુશવાહાએ ભારતના જ અનિશ સરકારનો રેકૉર્ડ તોડ્યો છે. અનિશે ગયા વર્ષે શતરંજમાં સૌથી નાની ઉંમરે ફિડે રેટિંગ મેળવવાનો વિશ્વવિક્રમ કર્યો ત્યારે તે ત્રણ વર્ષ, આઠ મહિના, 19 દિવસની હતી.

સર્વજ્ઞ કુશવાહા હજી નર્સરી સ્કૂલમાં ભણે છે અને તેને ફિડેની 1,572 રૅપિડ રેટિંગ મળ્યું છે. આ એવું રેટિંગ છે જે સંબંધિત ખેલાડીના પર્ફોર્મન્સ પરથી તેની ક્ષમતા દર્શાવે છે. આ રેટિંગ છે જે રૅન્કિંગ તરીકે ન ગણાય. આ રેટિંગ મેળવવા ખેલાડીએ ઓછામાં ઓછા એક આંતરરાષ્ટ્રીય ખેલાડીને હરાવવો પડે છે. સર્વજ્ઞ ત્રણ ઇન્ટરનૅશનલ પ્લેયરને હરાવી ચૂક્યો છે. સર્વજ્ઞના પિતા સિદ્ધાર્થ સિંહે કહ્યું છે કે ` હું મારા દીકરાને ગ્રેન્ડ માસ્ટર બનાવવા માગું છું.'