વોશિંગટન ડીસી: ડૉનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકામાં ઘણા ફેરફાર થઈ રહ્યા છે. ખાસ કરીને વિઝાના નિયમોમાં મોટા ફેરફાર થયા છે. H1B વિઝાના નિયમમાં ફેરફારને કારણે ભારતીયોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે અમેરિકામાં એન્ટ્રી-એક્ઝિટને લઈને નવા ફેરફાર કરવામાં આવ્યા છે.
અમેરિકામાં TVS સિસ્ટમ લાગુ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પરદેશીઓના એન્ટ્રી-એક્ઝિટના નિયમો કડક બનાવી દીધા છે. અમેરિકા જનારા તથા અમેરિકાથી પાછા આવનાર લોકોની તપાસ માટે 26 ડિસેમ્બરથી ટ્રાવેલર વેરિફિકેશન સર્વિસ (TVS) સિસ્ટમ લાગુ કરી છે. TVS એક એવી સિસ્ટમ છે, જે પરદેશીઓની આઇડેન્ટિટીનું વેરિફિકેશન કરવા માટે બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરે છે. તેમાં ફેશિયલ રિકોગ્નેશન ટેક્નોલોજી હેઠળ ફોટો અને કેટલાક સંજોગોમાં ફિંગરપ્રિંટ પણ આપવી પડશે.
TVS સિસ્ટમથી કોને થશે અસર
અમેરિકાના તમામ એરપોર્ટ્સ, બોર્ડરના ચેક પોઈંટ અને દરિયાઈ પોર્ટ પર TVS સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ટ્રમ્પ સરકારના નવા નિયમ અનુસાર હવેથી ટ્રાવેલર વેરિફિકેશન સર્વિસ (TVS) હેઠળ પહેલીવાર 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોથી લઈને 79 વર્ષથી વધુની ઉંમર ધરાવતા વૃદ્ધોને પણ બાયોમેટ્રિક ચેકિંગમાંથી પસાર થવું પડશે. ડિપ્લોમેટિક પાસપોર્ટ પર અમેરિકા જનારા રાજનેતાને પણ આ નિયમ લાગુ પડશે.
અમેરિકા જવામાં ભારતીયો અગ્રેસર
અમેરિકા જનારા પરદેશીઓમાં ભારતીયો ત્રીજા ક્રમાંકે છે. 2025માં દરરોજ 4 હજાર ભારતીયો અમેરિકા પહોંચ્યા છે. આમ, વર્ષે અંદાજીત 15 લાખ ભારતીયો અમેરિકા પહોંચ્યા છે. 2024માં અમેરિકા જનાર ભારતીયોનો આંકડો 22 લાખ હતો.