(અમારા પ્રતિનિધિ તરફથી)
રાપરઃ સરહદી જિલ્લા કચ્છના સીમાવર્તી રાપરમાં બે વર્ષ અગાઉના જીવલેણ હુમલા સાથે લૂંટનાં જે-તે સમયે ભારે ચર્ચાસ્પદ બનેલાં પ્રકરણમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી પૈકી એક યુવક તથા તેના પરિવારને ગેરકાયેદેસર બંધક બનાવી, ઢોરમાર મારી, પોલીસ વિરુદ્ધ ફરિયાદ ન નોંધાવવા માટે લાંચ આપવા, સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ, સ્ટેશન ડાયરી નોંધ રજૂ ન કરવા જેવા મુદ્દે નામદાર અદાલત સમક્ષ પીડિતો દ્વારા ફરિયાદ કરાયા બાદ રાપરની અદાલતે તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર, અન્ય પોલીસકર્મીઓ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર વિરુદ્ધ જુદી-જુદી કલમો તળે કાર્યવાહી ચલાવવાનો હુકમ આપવામાં આવતાં રાજ્યભરના પોલીસ બેડાંમાં ચકચાર પ્રસરી જવા પામી છે.
શું છે મામલો
પ્રાપ્ત વિગતો મુજબ, રાપરમાં ગત વર્ષ ૨૦૨૩માં એક પેટ્રોલ પંપના બે કર્મચારીઓ ઉપર સરાજાહેર જીવલેણ હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગુણ સંદર્ભે ખોડા દલા ભલાણી, દિવાળીબેન, જયશ્રીબેન ભલાણી, હંસાબેન તથા નીતિન ભલાણીને પોલીસ મથકે કથિત રીતે ગેરકાયદે ગોંધી રાખી ઢોર માર મારવા અંગે ખીમીબેન ખોડા ભલાણીએ નામદાર અદાલત સમક્ષ અરજી કરી હતી.
ખીમીબેન અદાલતની નોટિસ બજવણી કરવા રૂબરૂ જતાં તેમના ભાઇ નીતિનને પેટ્રોલ પમ્પ લૂંટનાં પ્રકરણમાં આરોપી બનાવીને તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કથિત રીતે પોલીસ દ્વારા ઢોરમાર મરાયો હતો. તેને અદાલત સમક્ષ રજૂ કરાતાં મેડિકલ રિપોર્ટમાં ઇજા ન હોવાનું જણાવાયું હતું, પરંતુ નીતિનનું નિવેદન રૂબરૂ લેવામાં આવ્યું હતું. બાદમાં અદાલતના હુકમ બાદ મેડિકલ રિપોર્ટ કરાવાતાં તેને શરીરે ઇજાઓ હોવાનું મેડિકલ તપાસના રિપોર્ટમાં ફલિત થયું હતું તેમજ સી.સી.ટી.વી. ફૂટેજ અને ડાયરી નોંધ કરવા પોલીસને જણાવ્યું હોવા છતાં તે રજૂ કરાયા નહોતા તથા નીતિન પોલીસ સામે ફરિયાદ ન કરે તે માટે ૫૦૦-૫૦૦ના દરની ભારતીય ચલણની બે નોટ તેને લાંચ સ્વરૂપે આપવામાં આવી હતી તેમજ અગાઉ મેડિકલ ઓફિસરે પણ ખોટો મેડિકલ રિપોર્ટ અદાલતમાં રજૂ કર્યો હતો.
આ તમામ ચોંકાવનારી હકીકતો, નિવેદનોનો અભ્યાસ કર્યા બાદ પ્રથમ દર્શનીય રીતે આ ફરિયાદીની આરોપીઓ સામેની ફરિયાદમાં તથ્ય જણાતું હોવાનું અને આરોપીઓએ ગુનો આચર્યો હોવાનું હાલના તબક્કે માનવાનું થતું હોવાના ઉલ્લેખ સાથે તત્કાલીન પી.આઇ. વી.કે. ગઢવી, પોલીસકર્મીઓ મુકેશ ઠાકોર, કમલેશ ચાવડા, પી.એસ.ઓ. અશોકકુમાર પ્રેમસિંઘ યાદવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની જુદી-જુદી કલમ તળે ગુનો નોંધીને કાર્યવાહી ચલાવવાનો અદાલત દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.