થાણે: મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) રાજસ્થાનના ઝુનઝુન ખાતે ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો અને 10 કિલો મેફેડ્રોન ડ્રગ્સ, ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં સાધનો તથા કેમિકલ્સ સહિત 100 કરોડ રૂપિયાની મતા જપ્ત કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
એએનસીના અધિકારીઓએ રવિવારે ફેક્ટરીમાં કાર્યવાહી કરીને અનિલ વિજયપાલ સિહાગ નામના શખસની ધરપકડ કરી હતી. એએનસીની ટીમે 4 ઑક્ટોબરે પેટ્રોલિંગ દરમિયાન શંકાને આધારે છ જણને તાબામાં લીધા હતા, જેમની પાસેથી એક કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ, 1.86 લાખની કિંતમના આઠ મોબાઇલ તેમ જ ચાર મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી હતી. આ પ્રકરણે કાશીગાંવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન એએનસીની ટીમે બીજા ચાર આરોપીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી એક મોટરસાઇકલ, બે કાર અને છ મોબાઇલ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
પૂછપરછમાં ફરાર આરોપી વિશે માહિતી મળ્યા બાદ પોલીસની ટીમને રાજસ્થાન રવાના કરવામાં આવી હતી. પોલીસ ટીમે રાજસ્થાનમાં તપાસ કર્યા બાદ રવિવારે ઝુનઝુન ખાતે ડ્રગ્સની ફેક્ટરીમાં રેઇડ પાડી હતી અને અનિલ સિહાગને તાબામાં લીધો હતો.
પોલીસે ફેક્ટરીમાંથી 10 કિલો મેફેડ્રોન, અમુક કેમિકલ્સ તથા ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં ફ્લાક્સ, મિક્સર, ડ્રાયર મશીન, ફિલ્ટર વિગેરે જપ્ત કર્યાં હતાં. અનિલ સિહાગની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.