નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ નીતિન નબીનને નવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષની આજે જાહેરાત કરી દીધી છે. 45 વર્ષીય નીતિન નબીન સૌથી નાની ઉંમરના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં છે આ સાથે નીતિન નબીન પહેલા એવા રાષ્ટ્રીય અધ્યક્ષ હશે, જેમનો જન્મ ભાજપના સ્થાપના દિવસ પછી થયો હોય. આ અગાઉ ભાજપના જેટલા પણ રાષ્ટ્રીયઅધ્યક્ષ રહ્યાં છે તેમનો જન્મ ભાજપના સ્થાપના દિવસ પહેલા થયો હતો. એટલે ભાજપના ઇતિહાસમાં આ મોટી બાબત એ છે કે પાર્ટીએ પહેલા સૌથી નાના વયના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યાં છે. બીજી ચોંકાવનારી વાત એ છે કે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિધાનસભ્યના દીકરા છે અને વર્તમાન બિહાર સરકારમાં મંત્રી છે, પણ શૈક્ષણિક લાયકાત બારમું પાસ છે.
પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ વાજપેયી હતા
વિગતે વાત કરીએ તો ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980માં થઈ હતી. જ્યારે નીતિન નબીનનો જન્મ 1 સપ્ટેમ્બર 1980માં થયો હતો. ભાજપના સ્થાપના બાદ પાર્ટીના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ 1980માં અટલ બિહારી વાજપેયી બન્યા હતાં. તેમના પછી 1986માં બીજા રાષ્ટ્રીય અધ્યક્ષ એલકે અડવાણી બન્યા હતાં ત્યાર બાદ 1991માં ત્રીજા અધ્યક્ષ મુરલી મનોહર જોશી બન્યાં હતાં. ચોથા અધ્યક્ષ 1993માં ફરી એલકે અડવાણી બન્યાં, પાંચમાં અધ્યજ્ઞ 1998માં કુશામાઉ ઠાકરે બન્યા, છઠ્ઠા અધ્યક્ષ 2000માં બંગારૂ લક્ષ્મણ બન્યાં હતાં ત્યાર બાદ ક્રમશઃ 2001માં જન કૃષ્ણમૂર્તિ, 2002માં વેકૈયા નાયડૂ, 2004માં ફરી એલકે અડવાણી, 2005માં રાજનાથ સિંહ, 2009માં નીતિન ગડકરી, તે પછી ફરી રાજનાથ સિંહ, ત્યાર બાદ અમિત શાહ અને 14મા નંબરે 2020માં જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં હતાં.
નીતિન નબીન ભાજપના 15માં અધ્યક્ષ
હવે ભાજપે 15માં અધ્યક્ષ તરીકે બિહારી નેતા નીતિન નબીનને જવાબદારી સોંપી છે. ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષને પાર્ટીના મુખ્ય કાર્યકારી હોય છે. તેમનું મુખ્ય કાર્ય પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકોની અધ્યક્ષતા કરવાનું હોય છે. આ સાથે પાર્ટીમાં સહયોગ આપતી યુવા પાંખ, કિશાન પાંખની પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે પહેલા તો 15 વર્ષ સુધી પાર્ટીમાં કામ કરેલું હોવુ્ં જોઈએ. આ પદની પસંદગી પ્રક્રિયામાં પક્ષની રાષ્ટ્રીય અને રાજ્ય પરિષદોની બનેલી ચૂંટણી મંડળ દ્વારા કરવામાં આવે છે, એટલું જ નહીં પરંતુ કોઈ પણ નેતા બેથી વધારે વખત આ પદ પર રહી શકે નહીં.
પિતાના નિધન પછી રાજકારણમાં એક્ટિવ
નીતિન નબીને 12મા ધોરણ સુધી ભણેલા છે. તેમણે 1996માં સીબીએસઈ બોર્ડ હેઠળ સેન્ટ માઈકલ હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ કર્યું હતું. ત્યાર બાદ 1998માં નવી દિલ્હીની સીએસકેએમ પબ્લિક સ્કૂલમાંથી ઇન્ટરમીડિયેટ પૂર્ણ કર્યું હતું. પિતાના અવસાન પછી નીતિન નવીન સક્રિય રીતે ચૂંટણી રાજકારણમાં જોડાઈ ગયાં હતાં.
2006ની પેટાચૂંટણી જીત્યા પછી તેમની વિજય સિલસિલો ચાલુ રહ્યો છે. નીતિન નબીને 2010, 2015, 2020 અને 2025ની વિધાનસભા ચૂંટણીમાં સતત જીત મેળવી છે. આ વર્ષની 2025ની વિધાનસભા ચૂંટણીમાં તેમને 98,299 મતો મેળ્યાં હતાં. જ્યારે સામે આરજેડી ઉમેદવાર રેખા કુમારીને 51,936 મતોના મોટા માર્જિનથી હરાવ્યા હતાં.