Thu Jan 01 2026

Logo

White Logo

ચારેકોર વૈભવ સૂર્યવંશીની વાહ-વાહ: : ટીમ ઇન્ડિયામાં એનો પ્રવેશ બહુ દૂર નથી

5 days ago
Author: Ajay Motiwala
Video

  • ટીનેજ વયે ક્રિકેટના મેદાન પર નવા-નવા રેકૉર્ડ કરી રહેલો 14 વર્ષનો સૂર્યવંશી ટૉક ઑફ ધ ટાઉન છે… ભારતીય ટીમમાં એને સમાવી લેવા જોરદાર માગણી થઈ રહી છે
  • દિલ્હીમાં વૈભવ સૂર્યવંશીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
  • વૈભવ સૂર્યવંશી બે વર્ષમાં ડોમેસ્ટિક સ્તરે અને આઇપીએલમાં કુલ 40 મૅચમાં 114 સિક્સર અને 131 ફોર ફટકારી ચૂક્યો છે.

સ્પોર્ટ્સમેન - અજય મોતીવાલા

14 વર્ષના વૈભવ સૂર્યવંશીને શુક્રવારે પાટનગર નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના શુભહસ્તે બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો, પણ ખરું કહીએ તો તેના પરાક્રમો સ્ટાર પ્લેયર અને પીઢ ખેલાડીઓ જેવા છે અને એટલે જ તેને વહેલાસર ભારતની મુખ્ય ક્રિકેટ ટીમમાં સમાવી લેવાની જોરદાર માગણીઓ થવા લાગી છે.

બિહારના ટેણિયા વૈભવે હજી માંડ નવમું ધોરણ પૂરું કર્યું છે. બિહારના તેજપુર વિસ્તારની ડૉ. મુક્તેશ્વર સિંહા મૉડેસ્ટી સ્કૂલમાં ભણતા આ વૈભવે ક્રિકેટમાં ધમાકાભેર કરીઅર શરૂ કરી હોવા છતાં ભણવા પરથી તેણે એકાગ્રતા ગુમાવી નથી. તે ક્રિકેટ મૅચોને કારણે સ્કૂલમાં રાબેતામુજબ જઈ નથી શક્તો એટલે જ તેની સ્કૂલ તેને પૂરો સપોર્ટ કરી રહી છે.

વૈભવ ક્રિકેટના મેદાન પર સરેરાશ દર અઠવાડિયે કંઈકને કંઈક ધમાકા કરે છે. જુઓને, બુધવારે તેણે ડોમેસ્ટિક ક્રિકેટના ઇતિહાસમાં એવું પર્ફોર્મ કર્યું જે દાયકાઓથી દેશના દિગ્ગજો નહોતા કરી શક્યા. તેણે 84 બૉલની ઇનિંગ્સમાં 15 સિક્સર અને 16 ફોરની મદદથી 190 રનનો ઢગલો કરી દીધો જેના થકી જ બિહારની ટીમ ડોમેસ્ટિક ક્રિકેટના લોકપ્રિય લિસ્ટ-એ વન-ડે ફૉર્મેટમાં 6/574નો વર્લ્ડ રેકૉર્ડ ટોટલ નોંધાવી શકી હતી. વૈભવે એમએસ ધોનીના રાંચી શહેરના મેદાન પર સિક્સર-ફોરનો વરસાદ વરસાવ્યો હતો. તેણે 190 રનમાંથી 90 રન છગ્ગામાં અને 64 રન ચોક્કામાં બનાવ્યા હતા. બીજી રીતે કહીએ તો તેણે કુલ મળીને 154 રન બિગ શૉટ્સમાં જ બનાવીને સ્ટેડિયમ ગજાવી નાખ્યું હતું. આ પહેલાં પણ વૈભવે ક્રિકેટના ગ્રાઉન્ડ પર અન્ડર-19 ટીમ વતી અને આઇપીએલમાં ઘણા કારનામા કર્યા છે.

વૈભવની ઉંમર વિશે થોડા વિવાદ થઈ ચૂક્યા છે, પણ આઇપીએલમાં પણ તેણે કેટલાક વિક્રમ પોતાના નામે કર્યા છે. તે આ વર્ષની 19મી એપ્રિલે રાજસ્થાન રૉયલ્સ વતી 14 વર્ષ, 32 દિવસની ઉંમરે રમીને આઇપીએલનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો. આ સિદ્ધિના નવ દિવસ બાદ તેણે બીજો રેકૉર્ડ પોતાના નામે લખાવ્યો હતો. 2025ની 28મી એપ્રિલે તેણે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બૉલમાં સેન્ચુરી પૂરી કરી એ સાથે તેનું નામ ક્રિસ ગેઇલ પછી બીજા નંબરે લખાઈ ગયું હતું. વૈભવ આઇપીએલમાં ભારતનો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બન્યો હતો. એટલું જ નહીં, તે ક્રિકેટ જગતની આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટનો યંગેસ્ટ સદીકર્તા પણ બન્યો હતો.

આ ઉપરાંત બીજા ઘણા નાના-મોટા રેકૉર્ડ સાથે પોતાની વિક્રમ-પોથી વજનદાર બનાવનાર વૈભવની મૂછનો માંડ દોરો ફૂટ્યો છે ત્યાં તેને ભારતની ટીમમાં સમાવી લેવાની ડિમાન્ડ થવા લાગી છે. આગામી કોઈ ટી-20 સિરીઝની ટીમમાં કે ફેબ્રુઆરીના ટી-20 વર્લ્ડ કપની ટીમમાં તેને જોશો તો નવાઈ નહીં પામતા. વાત એવી છે કે સાતમી ફેબ્રુઆરીએ શરૂ થનારા ટી-20 વિશ્વ કપની ટીમ તો જાહેર થઈ ચૂકી છે, પણ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નિયમ અનુસાર ટૂર્નામેન્ટનો કોઈ પણ દેશ પોતાની ટીમમાં હજી ફેરફાર કરી શકે છે. હજી લગભગ એક મહિના દરમ્યાન ભારત સહિત જો કોઈ દેશ પોતાની વર્લ્ડ કપની ટીમના કોઈ ખેલાડીને ઈજા ન થઈ હોય તો પણ તેના સ્થાને અન્ય કોઈ પ્લેયરને ટીમમાં સમાવી શકે છે અને એ માટે આઇસીસીની અગાઉથી પરવાનગી પણ નહીં લેવામાં આવશે તો પણ ચાલશે.

વૈભવ માટે 2025નું વર્ષ બહુ સારું રહ્યું છે. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે સોશ્યલ મીડિયા મારફત બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ને સંદેશ મોકલ્યો છે કે જો 1989માં સચિન તેન્ડુલકર 16 વર્ષની ટીનેજ વયે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો તો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી કેમ સિલેક્ટ ન થઈ શકે? કૉંગ્રેસ પક્ષના નેતા શશી થરૂરે તો વૈભવની તુલના સચિન તેન્ડુલકર ટીનેજ વયે જે પરાક્રમ કરતો હતો

એની સાથે કરી છે અને બીસીસીઆઇને તેમ જ હેડ-કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત આગરકર માટે મીડિયામાં લખ્યું છે કે વૈભવ સૂર્યવંશીને વહેલાસર ભારતીય ટીમમાં સ્થાન આપવામાં જરાય અચકાતા નહીં.

ભારત પાસે મર્યાદિત ઓવર્સની ક્રિકેટમાં ઘણા સારા ઓપનિંગ બૅટ્સમેન છે. એમાંથી અભિષેક શર્મા હાલમાં વર્લ્ડ નંબર-વન છે. શુભમન ગિલ ઈજાગ્રસ્ત છે અને વર્લ્ડ કપની ટીમમાં તેને જગ્યા પણ નથી મળી, પરંતુ સંજુ સૅમસન, ઇશાન કિશન જેવા સ્ટાર ઓપનર્સ ભારતીય ટીમને વર્લ્ડ કપમાં ગૌરવ અપાવવા તૈયાર થઈ રહ્યા છે. જોકે વૈભવની ચારે બાજુએ જે વાહ-વાહ થઈ રહી છે એ જોતાં સિલેક્ટરો પર તેમ જ ગૌતમ ગંભીર પર વૈભવને ટીમમાં સમાવવાનું પ્રેશર વધશે તો નવાઈ નહીં લાગે.

આમેય વૈભવ પાસે હજી ક્રિકેટમાં ઘણી લાંબી કરીઅર બાકી પડી છે. આ વખતે તેને ટીમ ઇન્ડિયામાં જગ્યા નહીં મળે તો 2026ની આઇપીએલમાં (રાજસ્થાન રૉયલ્સ પાસેથી સતત બીજી સીઝનમાં 1.10 કરોડ રૂપિયાની કમાણી કર્યા બાદ) પણ ઝળકીને 2026ના મે-જૂન મહિનાથી ટીમ ઇન્ડિયામાં જોવા મળી શકશે.