Thu Jan 01 2026

Logo

White Logo

એકસ્ટ્રા અફેર : સેંગર પાછો જેલમાં પણ ગમે ત્યારે છૂટી જાય એવું બને

2 days ago
Author: Mumbaisamachar Team
Video

ભરત ભારદ્વાજ


સુપ્રીમ કોર્ટે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરના કેસમાં દિલ્હી હાઈ કોર્ટે કરેલી ભૂલને હાલ પૂરતી સુધારી લીધી. દિલ્હી હાઈ કોર્ટે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને 16 વર્ષની સગીરા પર બળાત્કારના કેસમાં થયેલી જનમટીપની સજાનો અમલ મોકૂફ રાખીને સેંગરને જામીન આપી દીધા હતા. આ ચુકાદા સામે સીબીઆઈ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની વડપણ હેઠળની બેંચે સેંગરની સજાનો અમલ મોકૂફ રાખવાના ચુકાદા સામે સ્ટે આપીને સેંગરને પાછો જેલમાં મોકલવા ફરમાન કર્યું છે. 

સીબીઆઈએ દલીલ કરેલી કે, સેંગરનો અપરાધ અતિ ગંભીર છે અને તેની સામે હજુ હત્યાનો કેસ તો ઊભો જ છે એ જોતાં તેને છોડી જ ના શકાય. આ દલીલ સ્વીકારીને  સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, સેંગરને જામીન મળ્યા છે તો પણ તેને જેલમાંથી નહીં છોડી શકાય. 

ઉન્નાવ બળાત્કાર કેસ યોગી માર્ચ, 2017માં મુખ્યમંત્રી બન્યા તેના ત્રણ મહિના પછી બનેલો.  2017ના જૂન મહિનામાં 16 વરસની છોકરીએ ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેમના સાથીદારો  પર બળાત્કારનો આક્ષેપ કરતી અરજી કરેલી. છોકરીના પરિવારને સેંગર સાથે કોઈ વાતે વાંધો પડ્યો હશે તેમાં આ છોકરીને ઉઠાવી જવાઈ ને તેના શરીરને ચૂંથીને બળાત્કાર ગુજારાયો. છોકરીને રસ્તા પર ફેંકીને હવસખોરો જતા રહેલા. છોકરી ફરિયાદ કરવા પોલીસ પાસે ગઈ તો પોલીસે ફરિયાદ ના લીધી. બીજા દિવસે  છોકરી  ગાયબ થઈ ગઈ. 

છોકરીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી પણ પોલીસને કશું કરવામાં રસ નહોતો તેથી વાત મીડિયા સુધી પહોંચી એટલે  ફરિયાદ નોંધાવ્યાના 9 દિવસ બાદ પીડિતા પાસેના ગામમાંથી મળી. છોકરી સેંગર સામે આક્ષેપો ના કરે એટલે તેના પરિવારને ગોંધી રખાયેલો. તેના કારણે પહેલાં છોકરીએ સેંગરનું નામ નહોતું આપ્યું પણ એક વાર બધાં મુક્ત થયાં પછી સેંગર સામે પરિવારે મોરચો માંડ્યો. સેંગરે છોકરીના પરિવારને ચૂપ રખાવવા તેના ભાઈને મરાવ્યો, તેના પિતાની હત્યા કરાવી ને પરિવારનાં બીજા સભ્યોને પણ મરાવી નાખેલાં એ જોતા તેનો અપરાધ અત્યંત ગંભીર છે તેમાં બેમત નથી. 

સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે હાલ પૂરતું ઘીના ઠામમાં ઘી પડી ગયું છે પણ સેંગર કાંડે આપણા કાયદાઓમાં રહેલી ઊણપોને છતી કરી દીધી છે અને ન્યાયતંત્ર દૂધે ધોયેલું નથી એ સાબિત કરી દીધું છે. સેંગરની સજા સાવ વાહિયાત ટેક્નિકલ કારણોસર મોકૂફ રખાઈ છે અને  જામીન પણ જજની મુનસફીને આધારે આપી દેવાયા છે. 

સેંગરને ઉન્નાવની 16 વર્ષની છોકરી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા થઈ છે. આ ઉપરાંત છોકરીના પિતાની હત્યાનો કેસ પણ ચાલી રહ્યો છે. સેંગરે આજીવન કારાવાસની કેદની સજા સામે અપીલ કરેલી છે. સેંગરની અપીલનો  કેસ બોર્ડ પર આવતો નથી. સેંગરે કેસ ઝડપથી ચાલે એ માટે હાઈ કોર્ટમાં અરજી નાંખેલી. 

સેંગરે પોતાની સજા મોકૂફ રખાવવાની અરજીમાં દલીલ કરી છે કે, પોતાને લોકસેવક ગણીને આકરી સજા કરવામાં આવી છે પણ વાસ્તવમાં ધારાસભ્ય લોકસેવકની વ્યાખ્યામાં આવતા જ નથી. હાઈ કોર્ટના જજે આ બકવાસ દલીલને માન્ય રાખી દીધી અને સજા મોકૂફ રાખી દીધી. સેંગરને જામીન પણ ગળે ના ઉતરે એવા કારણસર આપી દેવાયા. હાઈ કોર્ટે એ આધાર પર ચુકાદો આપ્યો છે કે, સેંગર સાત વર્ષથી જેલમાં છે પણ તેમની સજા સામેની અપીલ પર સુનાવણીમાં બહુ વિલંબ થઈ રહ્યો છે. તેના કારણે સેંગરના અધિકારોને અસર થઈ રહી છે તેથી સેંગરને  જામીન પર મુક્ત થવાનો અધિકાર છે.

હાઈ કોર્ટનો ચુકાદો બે રીતે આઘાતજનક છે. પહેલી વાત એ કે, હાઈ કોર્ટે સેંગરની સજા મોકૂફ રાખવા માટે એ નિર્દોષ છે એવા કોઈ નવા પુરાવા સેંગરની વકીલો દ્વારા રજૂ કરાયા હોય તો તેને ધ્યાનમાં લેવાના હોય. એવા કોઈ પુરાવા રજૂ કરાયા નથી ને માત્ર ને માત્ર 1984ના ચુકાદાને આધારે સેંગર લોકસેવક નથી એવી દલીલ કરાઈ તેને માન્ય રાખી દેવાઈ. 

ભલા માણસ, લોકસેવક હોય કે ના હોય તેનાથી શો ફરક પડે? અપરાધી તો છે ને? જે નરાધમે 16 વર્ષથી પણ ઓછી ઉંમરની છોકરીને હવસનો શિકાર બનાવીને પીંખી નાંખી, પોતાના પાપને છૂપાવવા માટે ધમપછાડા કર્યા અને હત્યાઓ સુધ્ધાં કરાવી ને જેનો અપરાધ કોર્ટમાં સાબિત થયો છે એ માણસની સજા મોકૂફ રાખીને તેને કઈ રીતે છોડી શકાય ? 

બીજું એ કે, હાઈ કોર્ટને સેંગરના કેસની સુનાવણીમાં થઈ રહેલા વિલંબની બહુ ચિંતા થઈ આવી. આ દેશની અદાલતોમાં લાખો કેસ પેન્ડિંગ છે ને તેમાંથી મોટા ભાગના કેસ એવા છે કે જેમની વરસોથી સુનાવણી નથી થતી. સેંગર તો દોષિત ઠરેલો અપરાધી છે પણ માત્ર આરોપી હોય એવા કાચા કામના કેદી હોય એવા હજારો લોકો વરસો સુધી જેલમાં સબડે છે. હાઈ કોર્ટે તેમાંથી કોઈની ચિંતા ના કરી ને સેંગર પર જ હેત કેમ ઊભરાઈ ગયું ? કેમ કે સેંગર પાસે પૈસો છે, પાવર છે ને આ દેશમાં જેની પાસે પૈસો અને પાવર છે એ ધારે એવા ચુકાદા લાવી શકે છે. 

સુપ્રીમ કોર્ટે સેંગરને જેલમાં મોકલવાનો આદેશ આપીને હાઈ કોર્ટના જજના ખોટા ચુકાદા પર હાલ પૂરતો ઢાંકપિછોડો કરી દીધો પણ સુપ્રીમ કોર્ટનું વલણ પણ યોગ્ય નથી. ચીફ જસ્ટિસે ટિપ્પણી કરી છે કે, સેંગરની સજા રદ કરનારા અને જામીન આપનારા હાઈ કોર્ટના જજ સારા માણસ છે અને ભૂલ કોઈનાથી પણ થઈ શકે છે. આ ટીપ્પણી સાંભળીને સુપ્રીમ કોર્ટ ન્યાય તોળવા બેઠી છે કે કેરેક્ટર સર્ટિફિકેટ આપવા બેઠી છે એ જ ખબર પડતી નથી. 

સેંગરની સજા કેમ મોકૂફ રખાઈ કે તેને કેમ જામીન આપી દેવાયા તેની તપાસ કર્યા વિના સુપ્રીમ કોર્ટ હાઈ કોર્ટના જજને સારા માણસ ગણાવે એ વાત જ ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. હાઈ કોર્ટના જજ આ કેસમાં શંકાના દાયરામાં છે ત્યારે ચીફ જસ્ટિસ તેમને કઈ રીતે ક્લીન ચિટ આપી શકે? આપણા ચીફ જસ્ટિસની સારા માણસની વ્યાખ્યા શું હશે એ ખબર નથી પણ અત્યંત ઘૃણાસ્પદ અને અક્ષમ્ય અપરાધમાં દોષિત ઠરેલી વ્યક્તિના કેસમાં ન્યાયનો નહીં પણ દોષિતનો પક્ષ લેનારને કઈ રીતે સારો માણસ ગણાવી શકાય ?

સેંગર હાલ તો પાછો જેલભેગો થયો છે પણ ભવિષ્યમાં શું થશે એ ખબર નથી. 16 વર્ષની છોકરી પર રેપ અને પરિવારની હત્યા કરાવ્યા પછી પણ સેંગર પૂરી સજા ભોગવ્યા વિના છૂટી જાય એવું બની શકે. આ દેશમાં ન્યાયતંત્ર ગમે તે કરી શકે કેમ કે ન્યાયતંત્રનો જવાબ માગનારું કોઈ નથી.