Thu Dec 11 2025

Logo

White Logo

ખેડૂતોએ MLAનું માથું ફોડ્યું : રાજસ્થાનમાં તંગદિલી, ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત

2 hours ago
Author: Tejas Rajpara
Video

હનુમાનગઢ: રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં એક ઇથેનોલ ફેક્ટરીના નિર્માણ વિરુદ્ધ ખેડૂતોનો વિરોધ આખરે હિંસક રૂપ લીધું છે. ટિબ્બી વિસ્તારના રાઠીખેડા ગામમાં બની રહેલા ડ્યૂન ઇથેનોલ પ્રાઈવેટ લિમિટેડ પ્લાન્ટને લઈને લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલન બુધવારે હિંસામાં પર્વતિત થઈ ચૂક્યું હતું.

ખેડૂતોના ટોળાએ ફેક્ટરીની દિવાલ તોડી પાડ્યા બાદ પરિસ્થિતિ એટલી હદે વણસી કે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે જોરદાર પથ્થરમારો અને આગચંપી થઈ. આ હિંસક ઝપાઝપીમાં કોંગ્રેસના ધારાસભ્ય અભિમન્યુ પૂનિયા સહિત 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, અને ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ 14 જેટલા વાહનોને આગ ચાંપી દીધી હતી.

સૂત્રોની જાણકારી પ્રમાણે બુધવારે સાંજે જ્યારે સેંકડો ખેડૂતો ટ્રેક્ટર પર સવાર થઈને અચાનક ફેક્ટરી સાઇટ પર પહોંચ્યા અને દિવાલ તોડી પાડી, ત્યારે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારો શરૂ થતાં પોલીસે જવાબમાં લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસના ગોળા છોડવા પડ્યા.

આ ભીષણ અથડામણમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટિબ્બી કસ્બા અને આસપાસના ગામોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને શાળાઓ-કોલેજો બંધ રાખવામાં આવ્યા છે. વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

રાઠીખેડામાં 40 મેગાવોટનો અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે, જેનું નિર્માણ ચંદીગઢ સ્થિત ડ્યૂન ઇથેનોલ પ્રાઈવેટ લિમિટેડ કંપની કરી રહી છે. કંપનીનો દાવો છે કે આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) કાર્યક્રમને ટેકો આપશે. જોકે, વિવાદનું મૂળ એ છે કે આ પ્લાન્ટની પર્યાવરણ મંજૂરી (Environment Clearance - EC) માટેની અરજી વર્ષ 2022થી પેન્ડિંગ છે.

ખેડૂતો અને ગ્રામજનોનો મુખ્ય આરોપ છે કે પર્યાવરણીય મંજૂરી વિના જ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેઓ પર્યાવરણીય અસર, પ્રદૂષણ અને ભૂગર્ભ જળ પર પડનારા નકારાત્મક પ્રભાવને લઈને ચિંતિત છે અને તેમની આ ચિંતાઓને વહીવટીતંત્ર દ્વારા અવગણવામાં આવી રહી હોવાનું તેમનું કહેવું છે.

ખેડૂતોએ બુધવારે બપોરે ટિબ્બી SDM ઓફિસ બહાર એક સભા યોજી હતી અને પ્લાન્ટનંા કામ રોકવા માટે વહીવટીતંત્ર પાસેથી લેખિત બાંયધરીની માંગ કરી હતી. કોંગ્રેસ નેતા શબનમ ગોદારાએ જિલ્લા પ્રશાસન પર આરોપ લગાવ્યો છે કે તેમની ગંભીરતાના અભાવે જ સ્થિતિ વણસી છે, અને માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

બીજી તરફ, વહીવટીતંત્રનું કહેવું છે કે ટિબ્બીના SDM સત્યનારાયણ સુથારે મહાપંચાયતમાં જાહેર મંચ પરથી કામ રોકવાની અને લેખિતમાં આપવાની સંમતિ આપી દીધી હતી, તેમ છતાં ટોળું પરવાનગી વિના ફેક્ટરી તરફ ધસી ગયું અને હિંસા થઈ. ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે પર્યાવરણ મંજૂરી અને સ્થાનિક લોકોની સહમતિ વિના ફેક્ટરી બનવા દેવામાં આવશે નહીં. હાલમાં સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.