Mon Dec 08 2025

Logo

White Logo

દેવામાં ડૂબેલા દુકાનદારનું અગ્નિસ્નાન : બચાવવા જતાં પત્ની-ભત્રીજો દાઝ્યાં

15 hours ago
Author: Yogesh C Patel
Video

પાલઘર: વિરારમાં દેવામાં ડૂબેલા દુકાનદારે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી રેડી આગ ચાંપી હતી. તેને બચાવવાના પ્રયાસમાં પત્ની અને ભત્રીજો પણ દાઝ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વિરાર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર એલ. એમ. તુરેએ જણાવ્યું હતું કે ઘટના શનિવારની મધરાત બાદ 12.40 વાગ્યાની આસપાસ વિરારના ફૂલપાડા વિસ્તારમાં બની હતી. મૃતકની ઓળખ અખિલેશ વિશ્ર્વકર્મા (35) તરીકે થઈ હતી.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે વિશ્ર્વકર્મા ઘર નજીક જ વેલ્ડિંગની દુકાન ચલાવતો હતો. આર્થિક તાણ અને માથે દેવું વધી જવાને કારણે તે છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો.માનસિક તાણમાં વિશ્ર્વકર્માએ અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. તેણે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી રેડી આગ ચાંપી હતી. આગ ઓલવીને વિશ્ર્વકર્માને બચાવવા તેની પત્ની અને ભત્રીજો દોડી આવ્યાં હતાં, જેમાં બન્ને દાઝ્યાં હતાં. પત્નીને નજીવી ઇજા થઈ હતી, જ્યારે ભત્રીજો ગંભીર રીતે દાઝ્યો હોવાથી સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

દરમિયાન બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ ઓલવીને વિશ્ર્વકર્માને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)