Mon Dec 22 2025

Logo

White Logo

ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકાર 8,000ના ટેકાના ભાવે કરશે : તુવેરની 100 ટકા ખરીદી

5 days ago
Author: Mumbai Samachar Team
Video

ગાંધીનગરઃ પાટનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના જગતના તાત માટે એક ખુશખબર આપવામાં આવી છે. રાજ્ય સરકાર ખેડૂતોને તેમની મહેનતનું પૂરતું વળતર મળે તેના માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં આગળ વધતા બેઠકમાં તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો અને બજારના ભાવના ઉતાર-ચઢાવ સામે રક્ષણ આપવાનો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે ચાલુ વર્ષે તુવેર પકવતા ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે. ભારત સરકાર દ્વારા આ વર્ષે તુવેર માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 8,000નો ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. બજારભાવની સરખામણીએ ટેકાના ભાવ વધુ હોવાથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે રાજ્યમાં તુવેરનું ઉત્પાદન પણ સારા પ્રમાણમાં થયું છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે ઉત્પાદિત થયેલા કુલ જથ્થાની 100 ટકા ખરીદી કરવાનું આયોજન કર્યું છે.

જે ખેડૂત મિત્રો પોતાની તુવેર સરકારને ટેકાના ભાવે વેચવા માંગતા હોય, તેમણે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત છે. આ માટે આગામી 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી, 2026 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો પર જઈને નોંધણી કરાવવાની રહેશે. આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે આધાર ઓથેન્ટિકેશન અથવા ફેસ ઓથેન્ટિકેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે, જેથી સાચા લાભાર્થી સુધી જ આ લાભ પહોંચી શકે.

સમગ્ર નોંધણી પ્રક્રિયા ઈ-સમૃદ્ધિ પોર્ટલના માધ્યમથી વીસીઈ (VCE) મારફત કરવામાં આવશે. સરકાર દ્વારા કરવામાં આવેલા આ આયોજનનો વધુમાં વધુ ખેડૂતો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે ખરીદી થવાથી વચેટિયાઓની ભૂમિકા ખતમ થશે અને સીધા નાણાં ખેડૂતોના ખાતામાં જમા થશે. આ પગલું આગામી સમયમાં કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ લાવવામાં અને ખેડૂતોને વાવેતર માટે પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ સાબિત થશે.