Mon Dec 08 2025

Logo

White Logo

વ્લાદિમીર પુતિનને રાષ્ટ્રપતિ ભવનમાં શું પીરસાયું? : ડિનર મેનૂ થયું વાયરલ

1 day ago
Author: Himanshu Chavada
Video

નવી દિલ્હી:  ભારતના પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે રાષ્ટ્રપતિ ભવનમાં ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક ભારતીય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં વ્લાદિમીર પુતિનને શું પીરસાયું હશે? એવો સવાલ ઘણા લોકોના મનમાં થઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા રાખવામાં આવેલા ડિનરનું મેનૂ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.

પુતિનને પીરસાયા શાકાહારી વ્યંજનો

5 ડિસેમ્બર 2025ની રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્લાદિમીર પુતિનને પારંપરિક થાળીમાં શુદ્ધ શાકાહારી વ્યંજન પીરસવામાં આવ્યા હતા. જેનું મેનૂ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. 

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેનૂ અનુસાર, પુતિનને બંગાળી મીઠાઈ 'ગુડ સંદેશ' અને દક્ષિણ ભારતીય નાસ્તો'મુરુક્કુ' સહિતના વ્યંજનો પીરસાયા હતા. અન્ય મિષ્ટાન્નમાં કેસર-પિસ્તા કુલ્ફી, તાજા ફળો જેવા પારંપરિક વ્યંજન તથા અથાણા અને સલાડનો પણ સમાવેશ થાય છે. પુતિનને દાડમ, સંતરા, ગાજર અને આદુનો જ્યુસ જેવા સ્વાસ્થ્યવર્ધક પીણા પણ પીવા માટે આપવામાં આવ્યા હતા. 

મશરૂમ અને કાશ્મીરી અખરોટની ચટણીથી બનેલે ગુચ્ચી દૂન ચેતિન, અચારી બેંગન અને પીળી દાળ તડકા જેવા વ્યંજન પીરસાયા હતા. આ સાથે મુખ્ય વ્યંજનમાં કઢી સાથે સૂકા મેવા અને કેસરવાળો પુલાવ, લચ્છા પરાઠા અને મગજ નાન જેવી રોટલી પણ પીરસવામાં આવી હતી. શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને ગરમાવો મેળવવા માટે ડિનરના અંતે બદામનો હલવો પણ પીરસવામાં આવ્યો હતો.

ડિનરમાં ગૂંજ્યું 'ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની' ગીત

રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર દરમિયાન નૌસેના બેન્ડ અને શાસ્ત્રીય વાદ્યો દ્વારા કલાકારોએ ભારતીય શાસ્ત્રીય સંગીત, બોલીવૂડના ગીત અને રશિયાની કેટલીક રચનાઓ પણ રજૂ કરી હતી. નૌસેનાની બેંડે શાહરૂખ ખાનની ફિલ્મનું 'ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની' ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ  સિવાય રશિયન લોકધુન પણ વગાડવામાં આવી હતી. શાસ્ત્રીય કલાકારોએ સરોદ, સારંગી અને તબલા જેવા પારંપરિક વાદ્યયંત્રો પર પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. સાથોસાથ રશિયન સંગીતકાર પ્યોત્ર ઇલિચ ત્ચૈકોવસ્કીના સમ્માનમાં 'ધ નટક્રૈકર સુઈટ'ની રજૂઆત પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલું ડિનર પુતિનના ભારત પ્રવાસનો છેલ્લો કાર્યક્રમ હતો. ડિનર બાદ પુતિન મોસ્કો જવા માટે રવાના થયા હતા.