Thu Jan 01 2026

Logo

White Logo

પાસપોર્ટ માટે ફોટો ક્લિક કરાવતી વખતે કેમ સ્માઈલ કરવાની મનાઈ કરે છે ફોટોગ્રાફર? : 99 ટકા લોકોને નથી ખબર સાચું કારણ...

5 days ago
Author: Darshana Visaria
Video

આપણામાંથી મોટાભાગના લોકોના ચહેરા પર કેમેરા જોતા જ સ્માઈલ આવી જાય છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સ્માઈલને કારણે આપણો ચહેરો વધારે સુંદર લાગે છે. પરંતુ જો તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે પાસપોર્ટ માટે ફોટો ક્લિક કરાવવા જઈએ છીએ ત્યારે આપણને ફોટોગ્રાફર હસવાની કેમ મનાઈ કરે છે. હસવાથી તો આપણા ફોટો વધારે સારો આવે છે તો કેમે એવું?  ડોન્ટ વરી આજે આપણે આ વિશે જ અહીં વાત કરીશું. 

પાસપોર્ટ સાઈઝ ફોટો પડાવતી વખતે આપણે ગમે તેટલા ખુશ હોઈએ, પણ કેમેરામેન હંમેશા એક જ સૂચના આપે છે: હસતા નહીં, ચહેરો એકદમ સ્થિર રાખો વગેરે વગેરે. આપણને કદાચ એવું લાગે કે હસતા ચહેરાવાળો ફોટો વધુ સારો દેખાશે, પરંતુ પાસપોર્ટના કિસ્સામાં સુંદરતા કરતાં 'સુરક્ષા' વધુ મહત્વની છે.

પાસપોર્ટ ફોટામાં હસવાની મનાઈ પાછળના વૈજ્ઞાનિક અને ટેકનિકલ કારણો વિશે આજે આપણે અહીં વિગતવાર વાત કરીશું. દુનિયાના મોટાભાગના દેશોમાં પાસપોર્ટ માટે ન્યુટ્રલ ફેસિયલ એક્સપ્રેશન ફરજિયાત છે. આ નિયમ પાછળ કોઈ પરંપરા નથી, પરંતુ એડવાન્સ ટેકનોલોજી અને ઈન્ટરનેશનલ સિક્યોરિટી જેવા કારણો જવાબદાર છે.

બાયોમેટ્રિક ટેકનોલોજી અને ફેશિયલ રેકગ્નિશન
આજના સમયમાં એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ માટે ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોફ્ટવેર તમારા ચહેરાને ફોટા સાથે સરખાવવા માટે અમુક ચોક્કસ 'બાયોમેટ્રિક માર્કર્સ'નો ઉપયોગ કરે છે, જેમ કે બે આંખો વચ્ચેનું અંતર, નાક અને હોઠ વચ્ચેનું અંતર, મોઢાની પહોળાઈ અને જડબાની લંબાઈ, નાકની ટોચથી રામણી (Chin) સુધીનું અંતર.

હસવાથી ચહેરાની ભૂમિતિ બદલાઈ જાય છે
જ્યારે આપણે હસીએ છીએ, ત્યારે આપણા ચહેરાના સ્નાયુઓ ખેંચાય છે. હસતી વખતે ગાલ ફૂલે છે, આંખો થોડી નાની થઈ જાય છે અને હોઠની રેખા બદલાઈ જાય છે. આ ફેરફારને કારણે ચહેરાના જે કુદરતી માપ (Biometric points) હોય છે તે બદલાઈ જાય છે. જો તમે ફોટામાં હસતા હોવ અને એરપોર્ટ પર ગંભીર ઉભા હોવ, તો કમ્પ્યુટર સોફ્ટવેર તમારા ચહેરાને ઓળખવામાં ભૂલ કરી શકે છે અથવા તેને રિજેક્ટ કરી શકે છે.

'ન્યુટ્રલ' એક્સપ્રેશન એટલે શું?
આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના ધોરણો મુજબ, પાસપોર્ટ ફોટામાં વ્યક્તિએ મોં બંધ રાખવું જોઈએ. આંખો સીધી કેમેરામાં અને ખુલ્લી હોવી જોઈએ. ચહેરા પર કોઈ પણ પ્રકારનું સ્માઈલ, એન્ગર કે કોઈ પણ ભાવ ન હોવો જોઈએ. જ્યારે ચહેરો સ્થિર હોય છે, ત્યારે સોફ્ટવેર માટે ચહેરાનું સચોટ 'મેપિંગ' કરવું સરળ બને છે.

સુરક્ષા અને ગુનાખોરી પર નિયંત્રણ
પાસપોર્ટ એ તમારી આંતરરાષ્ટ્રીય ઓળખ છે. જો કોઈ ગુનેગાર ભેશ બદલીને મુસાફરી કરવાનો પ્રયત્ન કરે, તો બાયોમેટ્રિક ડેટા જ તેને પકડવામાં મદદ કરે છે. જો દરેક વ્યક્તિના ફોટા સ્થિર ચહેરા સાથે હોય, તો ડેટાબેઝમાં સર્ચ કરવું અને વ્યક્તિની સાચી ઓળખ કરવી સુરક્ષા એજન્સીઓ માટે સરળ બને છે.

ચશ્મા અને વાળનો નિયમ
હસવાની મનાઈની સાથે હવે ઘણા દેશોએ પાસપોર્ટ ફોટામાં ચશ્મા પહેરવાની પણ મનાઈ કરી છે, કારણ કે ચશ્માના કાચનું રિફ્લેક્શન આંખોની કીકીના માપ લેવામાં અવરોધ ઉભો કરે છે. તેવી જ રીતે, વાળ પણ ચહેરાના અમુક ભાગને ઢાંકતા ન હોવા જોઈએ.

છે ને એકદમ કામની માહિતી? હવે તમે પણ આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી અજબ ગજબની અને કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.