Mon Dec 08 2025

Logo

White Logo

IIT ગાંધીનગરમાં ગુજરાતની પ્રથમ Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનો શુભારંભ : પોસ્ટ ઓફિસની સેવાને Gen-Z પેઢી સાથે વધુ નજીકથી જોડાવાના હેતુથી દેશવ્યાપી પહેલના ભાગરૂપે આ પ્રકારની પોસ્ટ ઓફિસ વિકસાવાઈ

2 days ago
Author: Vimal Prajapati
Video

ગાંધીનગરઃ ભારતીય પોસ્ટ વિભાગે આધુનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતીય પોસ્ટ વિભાગે ગુજરાતની પ્રથમ Gen-Z થીમ આધારિત નવીનીકૃત પોસ્ટ ઓફિસનો આઈઆઈટી ગાંધીનગર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી સાવળેશ્વરકર અને આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મુનાના હસ્તે આ નવીનીકૃત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ‘IITGN: ગુજરાતનું પ્રથમ Gen-Z વિષયક ડાકઘર’ પર એક વિશેષ પોસ્ટ કવર અને આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસનું સ્થાયી ચિત્રાત્મક વીરૂપણ પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 

પોસ્ટ ઓફિસને જીવંત, વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવવા નવી પહેલ

પોસ્ટ ઓફિસ જેવી સરકારી સેવાને જનરેશન-Z પેઢી સાથે વધુ નજીકથી જોડાવાના હેતુથી દેશવ્યાપી પહેલના ભાગરૂપે આ પ્રકારની પ્રથમ પોસ્ટ ઓફિસ વિકસાવવામાં આવી છે. આ પહેલનો હેતુ પોસ્ટ ઓફિસને જીવંત, વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવવાનો છે. આ રાષ્ટ્રીય પહેલના ભાગરૂપે તારીખ 15 ડિસેમ્બર 2025 સુધી દેશભરના વિવિધ શૈક્ષણિક કેમ્પસ સ્થિત 46 પોસ્ટ ઓફિસનાં સેન્ટરનું નવીનીકરણ કરવામાં આવશે.

Gen-Z વાયબ્સ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે આ ઓફિસ

ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ સાવળેશ્વરકરે જણાવ્યાં પ્રમાણે, આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ ખાસ કરીને યુવાનોની જરૂરિયાતો, તેમની સર્જનાત્મકતા, આધુનિક વિચારસરણી અને પ્રૌદ્યોગિક અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. પોસ્ટ ઓફિસની ડિઝાઈન સંપૂર્ણ રીતે Gen-Z વાયબ્સ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. આ પોસ્ટ ઓફિસને આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા નવી ઓળખ આપવામાં આવી છે. તેમના વિચારો ભીંતચિત્રો, આંતરિક થીમ તથા પ્રચાર સામગ્રીની ડિઝાઇનમાં પ્રતિબિંબિત થયા છે, જેના પરિણામે પોસ્ટ ઓફિસને વિશિષ્ટ યુવા-કેન્દ્રિત ઓળખ મળી છે. 

મહત્તમ વિદ્યાર્થીઓ પોસ્ટ વિભાગની સેવાનો લાભ મળશે

આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂનાએ પણ આ પોસ્ટ ઓફિસની પ્રશંસા કરી હતી. કહ્યું કે, મહત્તમ વિદ્યાર્થીઓ પોસ્ટ વિભાગની સેવાઓ અને આધુનિક સુવિધાઓનો આ પોસ્ટ ઓફિસનો લાભ મળશે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે, Gen-Z આઈઆઈટી પોસ્ટ ઓફિસમાં વાઈ-ફાઈ, કાફેટેરિયા, મિની લાઈબ્રેરી, પાર્સલ, જ્ઞાન પોસ્ટ, પાર્સલ પેકેજિંગ સેવાઓ, ફિલેટેલી, પોસ્ટ ઓફિસ બચત સેવાઓ, ડાક જીવન વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટમાં છૂટ તેમજ કયુઆર આધારિત ડિજિટલ પેમેન્ટ જેવી આધુનિક સુવિધાઓ આ પોસ્ટ ઓફિસને વધુ આધુનિક, સુલભ તથા યુવા-મૈત્રીપૂર્ણ બનાવે છે. નવીનીકૃત આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ હવે યુવાઓના સશક્તીકરણ, સંસ્થાગત સહકાર અને જનસેવાના આધુનિકીકરણનું પ્રતિક બન્યું છે.

આ પ્રસંગે આઈઆઈટીના વિદ્યાર્થીઓ અને સંબંધિત ફેકલ્ટીને ગુજરાતના પ્રથમ Gen-Z થીમ આધારિત નવીનીકૃત આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસના ડિઝાઇનમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાપ્રબંધક ડો. રાજીવ કાંડપાલ તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.