Thu Jan 01 2026

Logo

White Logo

ભાત ભાત કે લોગ: કટ્ટર મુસ્લિમ દેશો : પણ શા માટે ખ્રિસ્તી તહેવારો ઉજવે છે?

5 days ago
Author: જ્વલંત નાયક
Video

- જ્વલંત નાયક

મોટી સંખ્યામાં ફટાકડા ફોડવાથી વાતાવરણમાં ઠલવાતા બેરિયમ, કોપર, આર્સેનિક, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપણી ઇકોસિસ્ટમ માટે હાનિકારક છે. આથી દર દિવાળીએ દેશી સેલિબ્રિટીઝ અને ફિલ્મ સ્ટાર્સ દ્વારા ફટાકડા નહિ ફોડવાની જાહેર અપીલનો મારો શરૂ થઇ જાય છે. કડવું સત્ય એ છે કે આ સેલિબ્રિટીઝને પ્રદૂષણની ખાસ ચિંતા કે સામાજિક નિસ્બત હોતા નથી. એમાંના ઘણા તો પોતે જ ચેઈન સ્મોકર અને પાક્કા નશેડી હોવાની છાપ છે. જાણભેદુઓના કહેવા મુજબ આ પ્રકારની સોશ્યલ અપીલ અને ડાહીડમરી વાતો પાછળનો સેલિબ્રિટીઝ એકમાત્ર હેતુ હોય છે સોશ્યલ મીડિયા પર પોતાની રીચ-પહોંચ જાળવી રાખવાનો કે વધારવાની… બાકી ભારત જેવા અનેકવિધ સંસ્કૃતિ, ધર્મ અને સંપ્રદાય પ્રચૂર દેશોમાં કોઈ પણ પ્રકારની જાહેર સલાહો આપતી વખતે પાણી સો ગળણે ગાળીને પીવું પડે - ખાસ કરીને સોશ્યલ મીડિયાના જમાનામાં. પ્રસિદ્ધિ ભૂખ્યા સેલિબ્રિટીઝ અને એમના પીઆર એજન્ટ્સને આ સત્ય બહુ મોડેથી સમજાઈ રહ્યું છે. ત્યાં સુધીમાં સોશ્યલ મીડિયા પર હજારો લોકો પૂછતાં થઇ ગયા છે કે વાયુ પ્રદૂષણની વાતો માત્ર દિવાળી ઉપર જ કેમ? ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં કેમ નહિ?
આ પ્રશ્નો પણ વિચારવાલાયક તો ખરા જ.

હવે તદ્દન વિદ્ધ દિશાનું સત્ય જાણો. આ વર્ષે કટ્ટર મુસ્લિમ દેશ ગણાતા યુએઈમાં ખ્રિસ્તી તહેવાર નિમિત્તે સૌથી વધુ ફટાકડા ફૂટશે એવો અંદાજ છે. દુબઈ શહેરના બુર્જ ખલીફા અને પામ જુમેરાહ સહિતના ચાલીસ જેટલા આઈકોનિક સ્થળોએ ધૂંઆધાર આતશબાજી થવાની છે. આ ફાયરવર્કસ શો નિહાળવા માટે સહેલાણીઓ ખાસ દુબઈની હોટેલ્સ બુક કરાવી રહ્યા છે. વિખ્યાત મીડિયા હાઉસ `ગલ્ફ ન્યૂઝ'ના પોર્ટલ પર તમને આ તમામ ચાલીસ સ્થળોનું લિસ્ટ જોવા મળશે. બીજી રીતે કહીએ તો ખ્રિસ્તી નવા વર્ષની ઉજવણીને આ ઇસ્લામિક દેશે પર્યટન માટેનું આકર્ષણ બનાવી દીધી છે.

આ પણ વાંચો: ભાત ભાત કે લોગઃ બ્રુસ- આર્નોલ્ડ- સિલ્વેસ્ટર: યે દોસ્તી હમ નહિ તોડેંગે…!

આપણા મનમાં સ્વાભાવિકપણે જ આશંકા જાગે કે આતશબાજીની આવડી મોટી ઇવેન્ટ થવાની હોય તો ક્યાંક કોઈ અકસ્માત તો નહિ થઇ જાય ને? દુબઈનું સરકારી તંત્ર સંભવિત જોખમોને ટાળવા બરાબર જહેમત લે છે. આતશબાજી પ્રદર્શનોની આખી શ્રેણીનું આયોજન સિક્યોરિટી ઇન્ડસ્ટ્રી રેગ્યુલેટરી ઓથોરિટી - SIRAની સીધી દેખરેખ હેઠળ થશે. ખલીફા ઇબ્રાહિમ અલ સુલેસ નામના અધિકારી SIRAના CEO તરીકે કામ કરે છે. એમનું કહેવું છે કે પરમિટ આપવાથી માંડીને સ્થળ પર યોગ્ય દેખરેખ રાખવાની જવાબદારી અમારી સંસ્થા દ્વારા સુપેરે નિભાવવામાં આવશે. ઉજવણી દરમિયાન જાહેર સલામતીને અમે ટોચની પ્રાથમિકતા ગણીને કામ કરીશું.

આવી જ એક અન્ય સરકારી સંસ્થા એટલે દુબઈ ઇવેન્ટ્સ સિક્યુરિટી કમિટી ESC. આ સંસ્થાના ટોચના પદાધિકારીઓ તરીકે મેજર જનરલ અને કમાન્ડર ઇન ચીફ કક્ષાના સૈન્ય અધિકારીઓ છે. ESC પ્રવાસીઓની સલામતી અને ભીડના નિયંત્રણ ઉપર ધ્યાન આપશે. આ લોકો ઉજવણીનાં સ્થળો, પાર્કિંગ લોટ્સ કે પછી આતશબાજીનાં સ્થળોએ ભીડને કાબૂમાં રાખશે અને દિશાસૂચન આપશે. ગત વર્ષની સરખામણીએ આ વખતની ઇવેન્ટનો સ્કેલ મોટો છે એટલે ESCના ખભે મોટી જવાબદારી રહેશે.

યુએઈના શાસકો પણ જાણે છે કે નવા વર્ષને આવકારતી ગ્રાન્ડ ઇવેન્ટના આયોજન દ્વારા આખા વિશ્વના મીડિયામાં દુબઈ-યુએઈના મહત્ત્વનાં સ્થળો છવાઈ જવાના. પરિણામે દુનિયાભરના લોકો યુનાઈટેડ આરબ અમીરાત સાથે જોડાવા ઈચ્છશે અને વેપારમાં તેમ જ ઇન્વેસ્ટમેન્ટમાં વૃદ્ધિ થશે. પર્યટનને લઈને અહીં તો ચાંદી જ ચાંદી જ છે.

જોકે, યુએઈનાં બીજા સ્થળોના જલવા ય કંઈ કમ નથી. ઉત્તરીય ભાગમાં પર્શિયન ગલ્ફ્ને કિનારે વસેલ રાસ અલ ખૈમાહ સુંદર બીચ ધરાવે છે. યુનાઈટેડ આરબ અમીરાતનો સૌથી ઊંચો પર્વત પણ અહીં જ છે. અહીં સિમેન્ટ, સિરામિક્સ અને ફાર્મા ઉદ્યોગની સાથે સાથે પર્યટનના વિકાસ પર ભાર મુકાઈ રહ્યો છે. આ સ્થળ વિશ્વના સૌથી મોટા ફાયર વર્કસ શો માટે જાણીતું છે. નવા વર્ષને આવકારવા માટે અહીં બે હજારથી વધુ ડ્રોન્સ વડે આતશબાજી કરાશે અને આખા આકાશમાં પૂરી પંદર મિનિટ્સ સુધી ઝળહળતી રોશની છવાઈ જશે. એ વખતના આકાશની જરા કલ્પના તો કરો! આ ઇવેન્ટ્સના વીડિયોઝ અને ફોટોગ્રાફ્સ વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાઈરલ થશે અને આખા વિશ્વમાં યુએઈની એક અલગ કક્ષાની છાપ વિકસશે.

આ પણ વાંચો: ભાત ભાત કે લોગઃ કોણ હતા એ વીર ભારતીય સૈનિકો?

નવા વર્ષના આગમન ટાણે થનારી ધૂંઆધાર આતશબાજીને કારણે કેટલો ધુમાડો હવામાં ભળશે અને પર્યાવરણને આ ફટાકડાથી કેટલું નુકસાન થશે એની ફરિયાદ હજી સુધી કોઈએ નથી કરી. એની પાછળ જવાબદાર છે યુએઈની નીતિઓ. દુબઈની વાત કરીએ તો અહીંની 56 ટકા પ્રજા ઇસ્લામમાં માને છે. 25 ટકા વસતિ ખ્રિસ્તીઓની છે. જ્યારે હિન્દુઓ પણ 16 ટકા જેવી ગણનાપાત્ર સંખ્યામાં છે. સ્વાભાવિક રીતે જ અહીં ધામધૂમપૂર્વક ફટાકડા ફોડીને ક્રિસ્મસ કે દિવાળીની ઉજવણી થાય છે, પણ આપણે ત્યાં ભારતમાં બને છે એમ જાહેર રસ્તાઓ પર આડેધડ ફટાકડા ફોડી શકાતા નથી.

ફટાકડાઓની બનાવટ, વેચાણ અને વપરાશ બાબતે અહીંનું સરકારી તંત્ર અતિશય કડક વલણ દાખવે છે. અહીં સરકારે નક્કી કરેલા સ્થળે જઈને જ ફટાકડા ફોડી શકાય. આવા સ્થળે આયોજકે ફટાકડા ફોડવા માટે લાઈસન્સ લેવું પડે.

જો જરાસરખી ગરબડ થાય તો આયોજકના બાર વાગી જાય. બાળકો પણ માતા-પિતાની જાણબહાર ગમે ત્યાં ફૂલઝડી ફોડી નાખે તો માતા-પિતાએ જેલમાં જવાનો વારો આવે! જી હા, ફાયર વર્કસને લગતા નિયમો ન પાળો તો તમને બે-ત્રણ મહિનાની કેદ અને બે હજાર દિરહામ સુધીનો દંડ થઇ શકે છે. આ બધાને કારણે અહીંની પ્રજા એકદમ નિયંત્રિત અને સુરક્ષિત વાતાવરણમાં આતશબાજી સહિતના ફાયરવર્કસનો ભરપૂર આનંદ માણી શકે છે.

હવે ફરી પાછા ભારતની વાત પર આવીએ. જો કટ્ટર મુસ્લિમ ગણાતા દેશો પર્યટન ઉદ્યોગ માટે થઈને ધામધૂમપૂર્વક ખ્રિસ્તી તહેવાર ઉજવતા હોય તો આપણે ય પર્યાવરણની ચિંતા વગર ધામધુમથી દિવાળી ઉજવાય એવું આયોજન કેમ ન કરી શકીએ? ઓછામાં ઓછું પ્રદૂષણ ફેલાવે એવા જ ફટાકડાઓ બનાવી શકાય અને સુંદર આતશબાજી દ્વારા દિવાળીને પર્યટન પર્વ બનાવી શકાય. કુંભમેળા જેવી વિશ્વની સૌથી મોટી ઇવેન્ટનું આયોજન આપણે પાર પાડી શકતા હોઈએ તો દિવાળીની ઉજવણીને પણ વિદેશી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર કેમ ન બનાવી શકાય?
આ દિશામાં પણ વિચારવા જેવું ખં…