Thu Dec 11 2025

Logo

White Logo

જાણો ઑક્ટોબર મહિનામાં : ગુજરાતમાંથી કેટલું રોકાણ શેર માર્કેટમાં થયું

1 day ago
Author: Pooja Shah
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ થોડી શુષ્કતા બાદ ઑક્ટોબર મહિનામાં ગુજરાતીઓ ફરી શેર માર્કેટમાં રોકાણ તરફ વળ્યા છે. રાજ્યના ૧.૦૫ કરોડ નોંધાયેલા રોકાણકારોમાંથી, ૨૦.૬ લાખ ઓક્ટોબરમાં બજારમાં સક્રિય હતા. જ્યારે મહારાષ્ટ્રના ૧.૯૪ કરોડ રોકાણકારોમાંથી 24 લાખ સક્રિય હતા. આમ થવાથી ગુજરાતનો સક્રિયતાનો રેશિયો દેશમાં સૌથી વધુ નોંધાયો હતો. 

નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા દર્શાવે છે કે મહારાષ્ટ્ર સૌથી વધારે સક્રિય રજિસ્ટર્ડ રોકાણકારો સાથે ટોચ પર છે.  ગુજરાત પછી સક્રિય વેપારીઓમાં ૩૦.૫%નો તીવ્ર વધારો નોંધાવી ૨૦.૬ લાખ એટલે કે ૧૪.૬% હિસ્સેદારી સાથે બીજા નંબરે છે.  જ્યારે ઉત્તર પ્રદેશમાં ૧૨.૫ લાખ રોકાણકારોએ ટ્રેડિંગ કર્યું, જે માસિક ધોરણે ૭.૬% નો વધારો દર્શાવે છે. મહારાષ્ટ્ર (૧.૯૪ કરોડ), ઉત્તર પ્રદેશ (૧.૪ કરોડ) અને ગુજરાત (૧.૦૫ કરોડ) મળીને દેશના કુલ રોકાણકારોના ૩૬% હિસ્સો ધરાવે છે.

અહેવાલ મુજબ, ગુજરાતે નવી નોંધણીઓમાં વૃદ્ધિ નોંધાવી હતી.  ૧.૨ લાખ નવા રોકાણકારો ફક્ત ઓક્ટોબર મહિનામાં જ બજારમાં જોડાયા, જે માસિક ધોરણે ૪૫.૮% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. વ્યક્તિગત રોકાણકારો દ્વારા ઇક્વિટી રોકડ ટર્નઓવરમાં પણ, મહારાષ્ટ્ર અને ગુજરાતનું પ્રભુત્વ રહ્યું હતું  જે અનુક્રમે રૂ. ૨.૭ લાખ કરોડ અને રૂ. ૧.૫ લાખ કરોડ થયું હતું. 
નિષ્ણાતોનું જણાવવાનું હતું કે ગુજરાતનું ટ્રેડિંગ ઇકોસિસ્ટમ શિસ્તબદ્ધ છે. રાજ્યનું ઇક્વિટી કલ્ચર ભારતના મોટાભાગના ભાગો કરતાં વધુ પરિપક્વ છે. અહીં શેર માર્કેટને જુગાર નહીં, પણ વ્યવસાય તરીકે જોવા મળે છે. 

તેમણે ઉમેર્યું ટ્રેડિંગ કરતા લોકો  હવે ટેકનિકલ એનાલિસિસ, સ્ટ્રેટેજીસ અને રિસ્ક મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપે છે. જ્યારે દરેક જણ નફો લઈને ચાલતું નથી, આજના રિટેલ રોકાણકારો અગાઉની પેઢીઓ કરતાં વધુ જાણકાર, સાવધ છે., તેમ નિષ્ણાતો જણાવે છે. 

અગાઉના મહિનાઓ રહ્યા હતા ઠંડા

જોકે એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ગુજરાતના રોકાણકારો થોડા ઠંડા પડી ગયા હોવાના અહેવાલો અગાઉ પ્રકાશમા આવ્યા હતા. મુંબઈ સમાચારના એક અહેવાલ અનુસાર નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના ડેટા અનુસાર ગુજરાતમાં ચાલુ વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં સરેરાશ માસિક નવા રોકાણકારોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 
જોકે માત્ર ગુજરાત નહીં ઘણા રાજ્યોમાં નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. વાર્ષિક દૃષ્ટિએ જોઈએ તો ગુજરાત અને રાજસ્થાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ગુજરાતમાં 50 ટકા ઘટાડો નોંધાવો તે નજરે ચડે તેવો આંકડો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. 

ડેટા અનુસાર ગયા વર્ષ કરતા ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાતે ઓક્ટોબર પહેલા દર મહિને 80,000 ઓછા નવા રોકાણકારો નોંધાવ્યા હતા. રાષ્ટ્રીય સ્તરે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં સરેરાશ 12.7 લાખ માસિક રોકાણકારો ઉમેરાયા હતા જેની સંખ્યા ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન માસિક 19.6 લાખ હતી. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં રોકાણકારોની સંખ્યા વધી રહી છે.