નવી દિલ્હી : ગોવા અગ્નિકાંડના આરોપી અને નાઈટ ક્લબના માલિક ગૌરવ અને સૌરભ લુથરાને આજે થાઈલેન્ડથી ભારત લાવવામાં આવ્યા છે. આ બંને આરોપી બપોરે ઇન્ડિગોની ફ્લાઈટમાં દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પરથી બંને આરોપીઓની ગોવા પોલીસે ધરપકડ કરી છે. જ્યાંથી તેમને પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. કોર્ટમાં તેમના ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.
સાપરાધ મનુષ્ય વધ અને બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો
કોર્ટમાં તેમના પર કાનૂની કાર્યવાહી પર નિર્ણય લેવામાં આવશે. તપાસ એજન્સીઓનો આરોપ છે કે નાઈટ કલબમાં જરૂરી ફાયર સેફટી નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. જેના કારણે દુર્ઘટનામાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હતી. જેના પગલે ગૌરવ લુથરા અને સૌરભ લુથરા સામે સાપરાધ મનુષ્ય વધ અને બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો છે.
25 લોકોના મોત થયા
ઉલ્લેખનીય છે કે, 6 ડિસેમ્બરના રોજ ઉત્તર ગોવાના આરપોરા ગામમાં "બિર્ચ બાય રોમિયો લેન" નાઈટ ક્લબના સહ-માલિકો સૌરભ અને ગૌરવ લુથરા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. આ નાઈટ ક્લબની લાકડાની છત પર આગ લાગી અને ધીમે ધીમે તે આખા ક્લબમાં ફેલાઈ હતી. જેમાં પ્રવાસીઓ અને કર્મચારીઓ સહિત 25 લોકોના મોત થયા.
દિલ્હીથી થાઈલેન્ડ ભાગી ગયા હતા
6 ડિસેમ્બરના રોજ નાઈટ ક્લબમાં આગ લાગવાની જાણ થતાં લુથરા ભાઈઓ વહેલી સવારે દિલ્હીથી થાઈલેન્ડ ભાગી ગયા હતા. ત્યારે 10 દિવસ બાદ તેમને થાઈલેન્ડથી નવી દિલ્હી પરત લાવવામાં આવ્યા છે. તેમણે આ પૂર્વે કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.