ઇન્દોર: રવિવારે અહીં મહિલા વન-ડે વર્લ્ડ કપમાં ભારતને થ્રિલરમાં ચાર રનથી હરાવીને ઇંગ્લૅન્ડ સેમિ ફાઈનલ (Semi Final scenario)માં પહોંચનારી ત્રીજી ટીમ બની અને હવે ચોથા તથા છેલ્લા સ્થાન માટે ભારત સહિત પાંચ દેશ વચ્ચે હરીફાઈ છે. ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા રવિવાર પહેલાં જ સેમિમાં પહોંચી ગયા હતા.
હવે આઠ લીગ મૅચ બાકી છે જેમાં ભારતે (India) ગુરુવારે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ન્યૂ ઝીલૅન્ડ સામે અને રવિવારે એ જ મેદાન પર બાંગ્લાદેશ સામે રમવાનું છે.
આજે શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચે અને આવતી કાલે પાકિસ્તાન-સાઉથ આફ્રિકા વચ્ચે મૅચ છે.
ભારત પાંચમાંથી બે મૅચ જીતીને ચાર પોઇન્ટ મેળવી શક્યું છે. +0.526 ભારતનો રન રેટ છે. ભારત હવે ન્યૂ ઝીલૅન્ડ અને બાંગ્લાદેશને હરાવીને સેમિમાં જઈ શકે. જો ભારત બેમાંથી એક જ મૅચ જીતશે તો ભારતે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. ભારતે ગુરુવારે ન્યૂ ઝીલૅન્ડને સારા માર્જિનથી હરાવવું પડશે જેથી બાંગ્લાદેશ જો શ્રીલંકા અને ભારતને હરાવે તો ઊંચો રન રેટ સેમિમાં જવા ભારતને કામ લાગે. વરસાદને લીધે ભારતની મૅચ ધોવાઈ જશે તો પણ સિનારિયો બદલાઈ જશે.
ન્યૂ ઝીલૅન્ડ પાસે એક જ મૅચ જીતવા છતાં ચાર પોઇન્ટ છે. બીજા પોઇન્ટ અનિર્ણીત પરિણામોને લીધે મળ્યા છે. એનો રન રેટ -0.245 છે. કિવીઓ માટે ગુરુવારે ભારત સામે જીતવું અત્યંત જરૂરી છે. જો ન્યૂ ઝીલૅન્ડ હારશે તો સેમિની રેસની બહાર થઈ શકે. જો તેઓ ભારતને હરાવશે, પણ પછી ઇંગ્લૅન્ડ સામે હારશે તો ભારતને રવિવારે બાંગ્લાદેશ હરાવે એવું ન્યૂ ઝીલૅન્ડ ઇચ્છશે.
બાંગ્લાદેશ પાસે પાંચ મૅચ પછી માત્ર બે પોઇન્ટ અને -0.676નો ખરાબ રન રેટ હોવા છતાં એને સેમિનો થોડો ચાન્સ છે. બાંગ્લાદેશ જો શ્રીલંકા અને ભારત, બન્નેને હરાવે તો એ ઇચ્છશે કે ઇંગ્લૅન્ડ રવિવારે ન્યૂ ઝીલૅન્ડને હરાવે.
શ્રીલંકા પાસે પાંચ મૅચ પછીયે એકેય પોઇન્ટ નથી અને -1.564 એનો ખરાબ રન રેટ છે. એમ છતાં સેમિનો એને થોડો મોકો છે. જોકે સોમવારે સવારે એવું સમીકરણ હતું જે મુજબ શ્રીલંકા માટે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે જીતવું જરૂરી હોવા ઉપરાંત ભારત પોતાની બન્ને લીગ મૅચ હારે એ પણ શ્રીલંકાના હિતમાં હોવાથી એ અસંભવ જણાતા શ્રીલંકા માટે માર્ગ ખૂબ કઠિન હતો. ન્યૂ ઝીલૅન્ડને ઇંગ્લૅન્ડ હરાવે એ પણ શ્રીલંકા માટે આવશ્યક હતું.
પાકિસ્તાન પાસે પણ હજી એકેય પોઇન્ટ નથી અને -1.887 એનો સૌથી ખરાબ રન રેટ છે. જોકે પાકિસ્તાન માટે જરૂરી છે કે એ સાઉથ આફ્રિકા અને શ્રીલંકા સામેની છેલ્લી બન્ને મૅચ જીતે અને એવો રન રેટ તૈયાર કરે જે ન્યૂ ઝીલૅન્ડથી પણ ચડિયાતો હોય.