ગુવાહાટી : બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી વ્યાપક હિંસા થઈ રહી છે. જેમાં હિંદુઓ પર અત્યાચાર અને તેમની હત્યા કરવામાં આવી રહી છે. જ્યારે બાંગલાદેશ સાથે સંકળાયેલા કેટલાક કટ્ટરપંથીઓ ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આસામ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એ આ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે અને 11 આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડો આસામ અને ત્રિપુરામાં કરવામાં આવી હતી. આસામ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એ કેન્દ્રીય એજન્સીઓ પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે આ ધરપકડો કરી હતી.
કુલ 11 કટ્ટરપંથીઓની ધરપકડ
આ અંગે ગુવાહાટી પોલીસ કમિશનર પાર્થસારથી મહંતે બાંગ્લાદેશમાં કટ્ટરપંથી જૂથો સાથે જોડાયેલા શંકાસ્પદોની ધરપકડ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે આસામના બારપેટા, ચિરાંગ અને દરંગ જિલ્લાઓ તેમજ ત્રિપુરામાં એક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમે કુલ 11 કટ્ટરપંથીઓની ધરપકડ કરી હતી. તેઓ બાંગ્લાદેશમાં જૂથોના સીધા આદેશ પર કાર્ય કરી રહ્યા હતા.
ધરપકડ કરાયેલા ઇન્ડિયન મુજાહિદ્દીન-કેના સભ્યો
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા વ્યક્તિઓ નવા રચાયેલા ઇન્ડિયન મુજાહિદ્દીન-કેના સભ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, તેમાંથી દસની આસામમાંથી અને એકની ત્રિપુરામાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય આસામ અને બાકીના ઉત્તરપૂર્વમાં અસ્થિરતા ફેલાવવાનો હતો. તેઓ દેશના આ ભાગમાં મુસ્લિમ વર્ચસ્વ સ્થાપિત કરવા માંગતા હતા.