ઊડતી વાત - ભરત વૈષ્ણવ
`હું કેસની દલીલો નહીં સાંભળું.' મહિલા જજ પ્રગતિએ ફેંસલો સંભળાવ્યો. ફિલ્મોમાં કે ટીવી સિરિયલોમાં કોર્ટમાં ઘોંઘાટ થતો હોય ત્યારે જજ લાકડાનો હથોડો ટેબલ પર પછાડી ઓર્ડર ઓર્ડર કરતા હોય છે. જો કે, પ્રગતિએ ટેબલ પર હથોડો પછાડ્યો નહીં, વાદી-પ્રતિવાદી, વકીલો, કોર્ટના કારકુન, લાલ પાઘડીવાળા પટાવાળા સહિત હકકાબકકા થઇ ગયા.
કોર્ટના કારકુન સ્પેશિયલ સિવિલ એપ્લિક્શન અબકડ વિદ્ધ રાજ્ય સરકાર એવી એનાંઉન્સમેન્ટ સાથે કેસનું હિયરિગ શરૂ થયું. જ્જસહેબા પ્રગતિએ એક દ્રશ્ય જોયું. તરત જ `આઇ ડોન્ટ વોન્ટ ટુ હિયર ધીસ કેસ'નું એલાન કર્યું.
`મેડમ સર, કેમ શું થયું? કોઇએ કોર્ટ પરિસર બોમેબથી ઉડાવી દેવાનો ઇમેઇલ મળ્યો છે?'કોર્ટ રજિસ્ટ્રાર ગણપત ગાંગડાએ સાશંક પૂછયું.
`ના એવું નથી.' પ્રગતિએ કહ્યું
`તો માય લોર્ડશીપ, કેસની બ્રિફમાં કોઇ પ્રોબ્લ્મ છે? ઝેરોકસ કોપી વંચાય તેવી નથી?' કારકુને ખુરશી પરથી ઊભા થઇ અદબભેર પૂછયું.
`નો, બધું બરાબર છે, બટ આઇ ડોન્ટ વોન્ટ ટુ હિયર ધીસ કેસ.' જજસાહેબાએ નકારનો રણકાર કર્યો.
`મેડમ, ડિફેન્સ લોયરે સિક લિવની એપ્લિકેશન કરી છે? સરકારી વકીલે અચકાતાં અચકાતાં પૂછયું.
`ના, એવું ક્ંઈ નથી...ડિફેન્સ લોયર એ કોર્ટમાં પ્રેઝન્ટ છે. બટ આઇ ડોન્ટ વોન્ટ ટુ હિયર ધીસ કેસ.'
`તો પછી...?'
`વાદી અને પ્રતિવાદી પક્ષના વકીલો હાજર છે. બટ આઇ ડોન્ટ વોન્ટ ટુ હિયર ધીસ કેસ.' પ્રગતિએ નકારનો કકકો ઘૂંટયે રાખ્યો.
`માય લોર્ડશીપ, ચાલું કોર્ટ પ્રોસિડિગ દરમિયાન કોઇનો મોબાઇલ રણક્યો?'
`ઇટસ નોટ રિઝન. બટ આઇ ડોન્ટ વોન્ટ ટુ હિયર ધીસ કેસ.' પ્રગતિએ નકારમાં માથું ધુણાવ્યું.
`મેડમ , આ કેસમાં તમાં હિત હોય અને તમે નૈતિકતાના ધોરણે કેસની સુનાવણીમાં હટી જવા માંગો છો?' સરકારી વકીલે સવાલ કર્યો.
`નોટ એટ ઓલ મારે આ કેસ જોડે હીંગ કે ફટકડી કાંઇ કરતાં કાંઇ નથી.બટ આઇ ડોન્ટ વોન્ટ ટુ હિયર ધીસ કેસ.'
`માય લોર્ડશીપ, આ કેસ પ્રોસિડિગ પર ઉપલી કોર્ટે સ્ટે મુકયો છે?' બીજા વકીલે દોઢડાહ્યા થઇને પૂછયું.
`નો મિસ્ટર...બટ આઇ ડોન્ટ વોન્ટ ટુ હિયર ધીસ કેસ.' પ્રગતિએ પુન: નકારોચ્ચાર કર્યો.
`માય લોર્ડશીપ, આમ તો આવા કેસ આપના ડાબા હાથનો ખેલ છે. ક્યાંય બીજી કાનૂની ગૂંચ પણ જણાતી નથી, છતાં...'
`મેડમ સર, આ કેસની સુનાવણી અને હાઇજીન વચ્ચે કોઇ સંબંધ છે?' કારકુને તેની મુંઝવણ વ્યક્ત કરી.
`તમે , સૌ કાન ખોલીને સાંભળી લો કે હાઇજીન ઇઝ માય મોટો ઓર પ્રિન્સિપલ. હું તેમાં હરગિજ સમાધાન નહીં કરું.' પ્રગતિએ ફેંસલો સુનાવ્યો.
`મેડમ, કોર્ટ રૂમ અને ચેમ્બરની દિવસમાં ત્રણ વાર સફાઇ થાય છે. ફિનાઈલથી પોતા થાય છે... હાથ ધોવા લિકવિડ શોપની બોટલ મુકાય છે. હાથ લૂંછવા ટિસ્યુ મુકાય છે. કોર્ટ રૂમમાં દુર્ગંધનો નાશ કરવા રૂમ ફ્રેશનરનો છંટકાવ થાય છે...' કારકુને સફાઈની પ્રક્રિયા વિગતવાર જણાવી.
`એ બધું બરાબર છે, છતાં...
`તો પછી કેસનું હિયરિગ ન કરવાનું કારણ તો બતાવો.' વાદી-પ્રતિવાદીના વકીલોએ જજને કારણદર્શક નોટિસ બજાવી.
`કારણ કોર્ટમાં મૌજુદ છે. પ્રગતિએ ઠંડા કલેજે કહ્યું.
`કારણ કયાં છે?' સૌએ કોરસમાં પૂછયું.
`લુક એટ ધીસ ... .' પ્રગતિએ એક મુકરી જેવા માણસ તરફ આંગળી ચીંધી. બધાની નજર તેના તરફ ગઇ. એ મહાશય કોર્ટથી નિર્લેપ થઇને તેના કેસની બ્રીફના પાના ફેરવતા હતા? પરંતુ, એમાં વાંધાજનક શું હતું?
`એ માણસ તેની આંગળી જીભે અડાડી, આંગળી થૂંકવાળી કરી બ્રીફના પાના ફેરવે છે...આ અગ્લિ એન્ડ ડર્ટી છે... . હાઇજીનની ધજિયા ઉડાડે છે. થૂંકના સાંધા એવું સાંભળ્યું હતું. પણ આજે નજરે નિહાળ્યું. આના વાઇરસને લીધે રોગચાળો ફેલાશે. એને કહો તે વોશરૂમમાં જઇ લિકવિડ સાબુથી હાથ રગડી રગડીને ધોવે અને પછી કોર્ટ રૂમમાં ક્લાર્કને હાથ દેખાડે. ક્લાર્ક લીલી ઝંડી આપશે તો જ હું કેસની હિયરિગ સાંભળીશ.' આમ કહી ફિલ્મી સ્ટાઇલના કોર્ટ એડજોર્ન કરી.