Mon Dec 08 2025

Logo

White Logo

હજી પેન કાર્ડ અને આધાર કાર્ડ સંબંધિત : આ મહત્ત્વનું કામ નથી કર્યું તો છેલ્લી વોર્નિંગ છે, નહીંતર પસ્તાશો...

4 days ago
Author: Darshana Visaria
Video

ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને ટૂંક સમયમાં જ આ મહિનો પૂરો થતાંની સાથે જ 2025નું વર્ષ પણ પૂરું થઈ જશે. પહેલી જાન્યુઆરી, 2026થી ઘણું બધું બદલાવવા જઈ રહ્યું છે અને તમને જાણીને આંચકો લાગી શકે છે કારણ કે પહેલી જાન્યુઆરીથી તમારી સેલેરીથી લઈને એસઆઈપીમાં તમારું રોકાણ સહિતના અને મહત્ત્વના કામકાજ અટકી પડી શકે છે. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ…

પહેલી જાન્યુઆરીથી આઈટીઆર ફાઈલિંગ, સેલેરી, એસઆઈપી ઈન્વેસ્ટમેન્ટ સહિતના તમારા અનેક મહત્ત્વના કામ ખોરવાઈ શકે છે અને આવું તમારી સાથે પમ થઈ શકે છે જો તમે હજી સુધી પેન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં કરાવ્યું હોય તો. જો તમે ઈચ્છો છો કે આ બધું તમારી સાથે ના થાય એટલે તમારે તમારું આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક કરી લેવું જોઈએ. આધાર-પેન લિંક કરવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર, 2025 છે. જો તમે ત્યાં સુધીમાં તમારું આધાર અને પેન લિંક નહીં કરો તો તમારા બધા કામ ખોરવાઈ શકે છે.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જે યુઝર્સ 31મી ડિસેમ્બર, 2025 સુધી આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક નહીં કરાવે તો તેનું પેન કાર્ડ ડિએક્ટિવેટ થઈ જશે. પેન કાર્ડ નંબર ડિએક્ટિવેટ થવાને કારણે યુઝર્સ ન તો આઈટીઆર ફાઈલ કરી શકે કે ન તો રિટર્નની પ્રોસેસ કરી શકશે. એટલું જ નહીં આ કારણે તમારો પગાર, એસઆઈપી વગેરે બધું અટવાઈ શકે છે.

જો તમે કોઈ કારણસર નિર્ધારિત ડેડલાઈન સુધી તમારું પેન કાર્ડ અને આધાર કાર્ડ લિંક ના કરાવી શકો તો આગળ શું? પેન કાર્ડ ફરી એક્ટિવેટ કરાવવા શું કરવું પડશે એવો સવાલ તમને સતાવી રહ્યો હોય તો આ રહ્યો જવાબ. પેન કાર્ડ નંબર ફરી એક્ટિવેટ કરાવવા માટે તમારે 1000 રૂપિયાની ફી ચૂકવવાની તૈયારી રાખવી પડશે. આ ઉપરાંત પેન નંબર ફરી એક્ટિવેટ થવા માટે 30 દિવસનો સમય પણ લાગી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક કરાવવાની મર્યાદા 30મી જૂન, 2023ના જ સમાપ્ત થઈ ગઈ હતી. તમારી જાણ માટે કે નાણા મંત્રાલય અને આઈટી ડિપાર્ટમેન્ટ નાગરિકોને સતત આધાર અને પેન કાર્ડ લિંક કરાવવાની અપીલ કરી રહ્યા છે.

આ રીતે આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક કરી લો ઓનલાઈન- 

1.    ફોન પર કે લેપટોપમાં આઈટીડીની વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal/ ઓપન કરો

2.    તમારી સામે ઓપન થયેલાં હોમપેજ પર તમને આધાર લિંકનું ઓપ્શન દેખાશે 

3.    આ ઓપ્શન પર ક્લિક કરતાં જ પેન નંબર અને આધાર નંબર નાખવાનું ઓપ્શન આવશે

4.    પેન અને આધાર નંબર નાખ્યા બાદ તમને 1000 રૂપિયાની ફી ભરવાનું જણાવવામાં આવશે

5.    આ રિક્વેસ્ટ પૂરી કર્યા બાદ તમારું આધાર અને પેન લિંક થઈ ગયું હશે

આધાર અને પેન કાર્ડ લિંક છે કે નહીં ચેક કરવા ફોલો કરો આ સ્ટેપ્સ-

⦁    આધાર અને પેન કાર્ડ લિંક છે કે નહીં એ તપાસવા માટે તમારે  https://www.incometax.gov.in/iec/foportal/ લિંક ઓપન કરવી પડશે 

⦁    આઈટી ડિપાર્ટમેન્ટના હોમપેજ પર ડાબી બાજુએ નીચેની તરફ આધાર-પેન લિંક સ્ટેટસનું ઓપ્શન દેખાશે

⦁    આ ઓપ્શન પર ક્લિક કરતા એક નવું પેજ ઓપન થશે અને તમારે અહીં તમારો પેન અને આધાર કાર્ડ નંબર આપવો પડશે

⦁    આધાર અને પેન નંબર આપ્યા પછી તમે સ્ટેટસ ચેક કરી શકો છો 

એસએમએસથી પણ જાણાી શકો છો
તમે SMS દ્વારા પણ આધાર અને પેન કાર્ડ લિંક છે કે નહીં એ જાણી શકો છે. આ માટે પહેલા UIDPAN <12-digit Aadhaar number> <10-digit PAN number> આ ફોર્મેટમાં મેસેજ ટાઈપ કરીને તેને 567678 અથવા તો 56161 પર સેન્ડ કરો. મેસેજ મોકલ્યાના થોડાક સમયમાં જ તમને એસએમએસ પર તમારા સવાલનો જવાબ મળી જશે. 

આ કામની માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરો, જેથી તેઓ આવી કોઈ મુસીબતમાં ના ફસાય અને સમય પર આધાર અને પેન કાર્ડ લિંક કરાવી લે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.