સ્થાનિક ચાંદીમાં રૂ. 7983નો ઉછાળો, સોનામાં રૂ. 344નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે અમેરિકાના જીડીપીના ડેટા પ્રોત્સાહક આવવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી વર્ષ 2026માં વ્યાજદરમાં વધુ વખત કાપ મૂકે અને હળવી નાણાનીતિ જાળવી રાખે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સટ્ટાકીય આકર્ષણ વધતાં હાજરમાં સોનાના ભાવ એક તબક્કે આૈંસદીઠ 4525 ડૉલરની વિક્રમ સપાટીએથી પાછા ફર્યા હતા અને ચાંદીના ભાવ આૈંસદીઠ 72.70 ડૉલરની નવી ટોચ બતાવીને પાછા ફર્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીમાં કિલોદીઠ રૂ. 7983નો ઉછાળો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 344નો સુધારો આવ્યો હતો.
એકંદરે વૈશ્વિક સ્તરે ચાંદીમાં પ્રવર્તી રહેલી પુરવઠાખેંચ વચ્ચે સટ્ટાકીય આકર્ષણ વધતાં ઝડપી તેજી આવતા આજે સ્થાનિકમાં પણ 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 7983ના ચમકારા સાથે રૂ. 2,18,983ના મથાળે પહોંચ્યા હતા. જોકે, ઊંચી સપાટીએથી માત્ર ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી જોવા મળી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ સોનામાં પણ ભાવમાં સુધારો આગળ ધપતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 343 વધીને રૂ. 1,36,080ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 344 વધીને રૂ. 1,36,627ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરે માગ નિરસ રહી હોવાના અહેવાલ હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 4525.19 ડૉલર સુધી પહોંચ્યા બાદ આગલા બંધ સામે 0.1 ટકો વધીને 4493.76 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને 4520 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે ચાંદીના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 72.70 ડૉલરની સપાટીએથી પાછા ફરીને ગઈકાલના બંધ સામે 0.9 ટકા વધીને આૈંસદીઠ 72.09 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં વર્ષ 1979 પછીનો સૌથી મોટો 70 ટકાનો અને ચાંદીના ભાવમાં 150 ટકાનો ઉછાળો આવી ગયો છે.
એકંદરે આજે સોનામાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી, સલામતી માટેની માગ, સટ્ટાકીય આકર્ષણ જેવા પરિબળો સામે મંદીના કોઈ કારણોના અભાવ વચ્ચે તેજી આગળ ધપી હોવાનું સિટી ઈન્ડેક્સ અને ફોરેક્સ ડૉટ કૉમના વિશ્લેષક ફવાદ રફીકઝાદાએ જણાવતા ઉમેર્યું હતું કે આજે સોના, ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમ જેવી કિંમતી ધાતુઓ ઉપરાંત કોપર સહિતની ધાતુઓમાં પણ તેજીનો વક્કર જોવા મળ્યો હતો.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હાલમાં બજારની સ્થિતિ સારી હોવાથી હું ફેડરલ રિઝર્વના એવા નવા અધ્યક્ષને વધુ પસંદ કરીશ જે વ્યાજદર નીચી સપાટીએ રાખે. ટ્રમ્પના આ નિવેદનને કારણે પણ સોના-ચાંદીના સુધારાને ટેકો મળ્યો હતો. વધુમાં સોસિયેટ જનરલે એક નોટ્સમાં જણાવ્યું હતું કે જો સોનામાં ખાસ કરીને ઉભરતી બજારોની કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી ધીમી પડે તો જ ભાવમાં વધારો અટકે તેમ જણાય છે. જોકે, હાલની રોકાણકારોની પોઝિશન જોતા વર્ષ 2026ના અંત સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 5000 ડૉલરની સપાટીએ પહોંચે તેવો અંદાજ નોટ્સમાં વ્યક્ત કર્યો છે.