Thu Jan 01 2026

Logo

White Logo

વિકાસના નામે વિઘ્ન: આખું અમદાવાદ શહેર : ખોદી નાખ્યું, 126 ડાયવર્ઝનથી વાહનચાલકો બેહાલ

23 hours ago
Author: Mayur Patel
Video

અમદાવાદઃ શહેરમાં હાલ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. વિવિધ બ્રિજના કામો અને ડ્રેનેજ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હોવાથી બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. મળતી વિગત પ્રમાણે, શહેરમાં વિવિધ 126 ડાયવર્ઝન છે. જેણે શહેરને સંપૂર્ણ બાનમાં લીધું હોય તેમ લાગે છે. ડાયવર્ઝનના કારણે થતાં ટ્રાફિક જામથી 10 મિનિટનો રસ્તો કાપતા 30 થી 60 મિનિટ સુધીનો સમય થાય છે.

મુસાફરોની હાલત કફોડી

મળતી વિગત પ્રમાણે, શહેરના વિવિધ રસ્તાઓ પર 126 જેટલા ટ્રાફિક ડાયવર્ઝનને કારણે મુસાફરોની હાલત કફોડી બની છે, જેને કારણે રોજિંદી અવરજવર એક મોટી મુસીબત બની ગઈ છે. જે સમસ્યા પહેલા માત્ર પીક-અવર્સ  પૂરતી મર્યાદિત હતી, તે હવે આખો દિવસ ચાલતી કનડગત બની ગઈ છે, જે સવારથી સાંજ સુધી શહેરના મુખ્ય માર્ગોને બ્લોક કરી દે છે. આ ડાયવર્ઝનને કારણે અનેક જંકશનો પર  ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. વાહનચાલકોની ફરિયાદ છે કે જે અંતર કાપતા પહેલા માંડ 10 મિનિટ લાગતી હતી, ત્યાં હવે 30 થી 60 મિનિટ સુધી અટવાઈ જવું પડે છે.

કેમ લાગે છે લાંબા લાઈનો

ડાયવર્ઝનના કારણે ઓફિસે જનારા લોકો મોડા પડી રહ્યા છે, એમ્બ્યુલન્સને ભીડવાળા રસ્તાઓમાંથી નીકળવામાં મુશ્કેલી પડી રહી છે, સ્કૂલ બસો મોડી પડે છે અને ઈંધણનો બગાડ પણ વધી ગયો છે.  સૂત્રોના કહેવા પ્રમાણે આટલા બધા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો એકસાથે હાથ ધરવા જોઈએ નહીં. અનેક ઝોનમાં રસ્તાઓ ખોદાયેલા હોવાથી વાહનને આવવા-જવાની જગ્યા મળતી નથી, પરિણામે લાંબી કતારો લાગે છે.

600 TRB જવાનો તૈનાત

જનતાના રોષને જોતા, શહેર ટ્રાફિક પોલીસ મહત્વના જંકશનો પર ટ્રાફિક સંચાલનમાં મદદ કરવા માટે લગભગ 600 TRB જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જોકે, આયોજનની ખામીને કારણે ઉભી થયેલી સમસ્યા માત્ર માનવબળથી ઉકેલાશે કે કેમ તે સ્પષ્ટ નથી. હાલમાં તો, વાહનચાલકો સમય, ઈંધણ અને ધીરજ ગુમાવી રહ્યા છે.

ડાયવર્ઝનની વિગતો

બ્રિજ નિર્માણ -    26
અંડરબ્રિજ નિર્માણ અને બ્રિજ રિનોવેશન -     33
ડ્રેનેજ સંબંધિત કામો/સમારકામ - 33    
RCC રોડ નિર્માણ - 6    
પેવર બ્લોક, રિસરફેસિંગ, ખાડા પૂરવા અને BRTS ટ્રેક રિપેરિંગ - 28