મોરારિબાપુ
ધર્મની વ્યાખ્યાઓ ઘણી છે, પરંતુ ગોસ્વામીજી કહે છે સૌથી શ્રેષ્ઠ ધર્મ છે અહિંસા. મન-વચન-કર્મથી આપણે કોઈનું દિલ દુભાવીએ નહિ. આપણે સાવધાન રહી શકીએ છીએ. બોલતા પહેલા એક-બે મિનિટ વિચારવું, જેથી હિંસા ન થાય. વિચારથી, વાણીથી કે શથી કોઈની હિંસા ન થાય તે એક શીલ છે. જીભથી કોઈની નિંદા અને જીવથી કોઈની ઈર્ષા કરવી નહિ.
માણસે દિવસે નિંદાથી અને રાત્રે નિદ્રાથી દૂર રહેવું એ સાધનાના માર્ગની પ્રથમ શરત છે. ખુદની લીટી લાંબી કરવી હશે તો જીભથી નિંદા અને જીવથી ઈર્ષા કરવાને બદલે સાધનાના માર્ગ પર સાધકે સતત ગતિશીલ રહેવું જોઈએ. નશીલા પદાર્થોનું સેવન ન કરવું. દેશની અને સમગ્ર વિશ્વની યુવાની આ નશીલા પદાર્થોથી બચે એ જરૂરી છે. ચિત્ત વિક્ષિપ્ત થાય, મન બગડે એવા નશીલા પદાર્થોથી આપણે દૂર રહી શકીએ તો સારી વાત છે. જલ્દી ન છૂટે તો ધીરે ધીરે છોડીએ.
એક શીલએ પણ કહ્યું કે વ્યભિચારથી દૂર રહેવું. આપણી બુદ્ધિ વ્યભિચારી થઇ જાય છે, આપણું મન વ્યભિચારી થઇ જાય છે. આવાં શીલ સમજમાં આવે તો સરળ છે અને ન સમજાય તો બહુ અઘરા છે! આપણો અહંકાર છોડીએ અને આપણામાં જાગૃતિ આવે એટલા માટે સત્સંગ છે. ગુણશીલ. ‘રામચરિતમાનસ’માં એક શીલ છે, જેનું નામ છે ‘ગુણશીલ’. ગુણ અને શીલને તમે અલગ પણ કરી શકો અને એક શીલ તરીકે પણ સ્વીકારી શકો.
गुण शील कृपा परमायतनं |
प्रनमामी निरंतर श्रीरमनं ॥
ઉત્તરકાંડમાં સ્વયં શિવના મુખે ભગવાન રામની સ્તુતિ રૂપે આ વચનો પ્રગટ થયાં છે. ઘણા લોકોમાં તમે ગુણ જોઈ શકશો, પરંતુ શીલના સહયોગ વિના સદગુણ નથી આવતા. કોઈનામાં ગુણ ન હોય તેવું તો આ દુનિયામાં બની જ ન શકે. આપણું જે શરીર છે એમાં ત્રણ ગુણ તો કાયમ છે- રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણ. કોઈ પરમાત્મા યા તો બુદ્ધપુરુષ જ ત્રિગુણાતીત હોય છે. જે નિરંતર સૂતા રહે છે એ કોઈ પણ યુગમાં હોય તો પણ કળિયુગમાં જ છે.
જે અવિદ્યામાં સૂઈ રહે છે એ નિરંતર કળિયુગમાં છે, એ તમોગુણ પ્રધાન છે. જે સૂતા હતા એમાંથી બેઠાં થયાં એને શાકારો દ્વાપર કહે છે. કંઈ ચિંતન કરે છે, માળા જપે છે અથવા તો ચુપચાપ બેઠા છે એ દ્વાપરના માણસો છે. પરંતુ યુવાન ભાઈ-બહેનો, આટલી સુંદર યુવાની હોવા છતાં પણ તમે ‘અમારાથી શું થાય? અમારી પાસે કોઈ લક્ષ્ય નથી’ એવું વિચારો તો એ સૂતા રહેવાની પ્રકિયા છે. ગુણ બધામાં છે, માત્રામાં ભેદ છે. ગુણ શીલથી દીક્ષિત થઇ જાય છે. (સંકલન : જયદેવ માંકડ)