Sun Dec 14 2025

Logo

White Logo

એક જ શબ્દના અનેક અર્થ ને દરેક : અર્થમાં એક નવી દુનિયા!

6 hours ago
Author: Mumbai Samachar Team
Video

વલો કચ્છ - ગીરીરાજ

કોઈ પણ ભાષાની મહત્તા તેના વિસ્તારથી નહીં પરંતુ તેના ઊંડાણથી આંકી શકાય. અને કચ્છી ભાષા આ ઊંડાણનો જીવંત ઉદાહરણ છે. આ ભાષાનો પોટ નાનો રહ્યો છે કારણ કે આ ભાષામાં અનેકાર્થી શબ્દો ઘણા હોવાથી એક શબ્દ અનેક અર્થમાં વપરાતો આવ્યો છે. આ કથન ખુદ કે. કા. શાસ્ત્રીએ ઉચ્ચારેલા. કચ્છી ભાષામાં જેવું અનેકાર્થીતાનો વૈભવ છે, તે ગુજરાતીમાં પણ દુર્લભ છે.

ભાષા માત્ર અક્ષરોની ગોઠવણ નથી, અર્થવાહી બને ત્યારે જ શબ્દ બને છે. દરેક શબ્દ પોતાનો મૂળ અર્થ ધરાવે છે પરંતુ જ્યારે એક જ શબ્દ અનેક સંદર્ભોમાં અલગ-અલગ અર્થ આપે, ત્યારે એ ભાષાની પરિપક્વતા અને પ્રાચીનતાનું દર્પણ બની જાય. કચ્છી ભાષામાં અનેકાર્થી શબ્દોની અસંખ્યતા તેને વિશિષ્ટ શક્તિ આપે છે.

સાક્ષ્યમાં એક પિરૂલી એટલે કે ઊખાણો જોઈએ, જેમાં દરેક પ્રશ્નનો જવાબ એક જ શબ્દ ‘પનું’ આવે છે, પરંતુ દરેક વખતે તેનો અર્થ સંપૂર્ણ બદલાઈ જાય છે. લોકકવિએ અદ્ભુત કારીગરીથી એક જ શબ્દને પાંચ જુદા સંદર્ભો અને અર્થોમાં મૂકી આખા જીવનના વિવિધ પાયા લખાણ, સીલાઈ, રસોઈ, હથિયાર અને રમતને એક સાથે વ્યક્ત કર્યા છે.

કલમ હુંધે લિખાણું કીં નં?
હુંધે કપડો સુઈ વટ આભો કીં સિભાણું નં?
ચાંકો હુંધે હથ પણ સાગ-પન મોરાણું નં?
પરહથુકા હથિયાર વા, 5; ચાકી-નટ ફિરાણું નં!
પર્વે રાંધમેં હુંધે પતા, ખટાણું ર્કી નં?
1. હુંધે ‘લિખાણું’ કર્દી નં?  અહીં પનુ = કાગળ. કાગળ ન હતું એટલે લખાણ થયું નહીં.

2. હુંધે કપડો સુઈ વટ આભો કીં સિભાણું નં? અહીં પનુ = કપડાની પહોળાઈ. પહોળાઈ ન હોવાથી શર્ટ (આભો) સીવાયું નહીં.

3. ચાંકો હુંધે હથ પણ સાગ-પન મોરાણું નં?  અહીં પનુ = ધાર/અણી. ચપ્પુની ધાર ન હતી એટલે શાકભાજી સમારાઈ નહીં.

4. પરહથુકા હથિયાર વા ચાકી-નટ ફિરાણું નં!  અહીં પનુ = હથિયાર-ઓજારનું પાનું. ફેરવવાનું સાધન ન હોવાથી કામ થયું નહીં.

5. પર્વે રાંધમેં હુંધે પતા, ખટાણું કર્કી નં? અહીં પનુ = પત્તાની રમતમાં ‘પતું’, એટલે ભારે પત્તું.

લોકકવિઓએ અનેકાર્થી શબ્દોના સહારે કચ્છી પિરૂલીઓને જીવંત કરી છે. પિરૂલી માત્ર રમૂજ કે ઉખાણું નથી; એ ભાષાની ઊંડાઈ, સંસ્કૃતિની સંવેદના અને વિચારશક્તિનો સાર છે. એટલે એક જ શબ્દના પાંચ અર્થ અને દરેક અર્થ એક નવી દુનિયા! આ છે કચ્છી ભાષાનું ઊંડાણ. એટલે તો ‘શબાબ’ સાહેબ (જયંતી જોશી) કહે છે કે, સાહિત્યની એ અજવાળી આલમની એ વિલક્ષણ, સારગર્ભિત, કાવ્યાત્મક સોપારી રૂપી પિરૂલીને ભાંગનારા કચ્છને ગામડે ગામડે જોવા મળે છે. કોઇ ‘માડૂમારી’ સોપારીનું વાવેતર કે વિતરણ કચ્છમાં જોવા નથી મળતું, પરંતુ વિદ્વાનોના ભેજા ભાંગે એવી પિરૂલીઓની ખાણ છે કચ્છી ભાષા, અને એ મહામૂલા મરમસાગરના મર્મી લાલજી મેવાડાએ ઉપર રજુ કરી એવી પિરૂલીઓનો સંચિત ગ્રંથ આપીને પ્રતિફલિત કરી દીધું છે.

લોક સાહિત્ય ન રહે તો સંસ્કૃતિ પણ ન રહે. કચ્છી જેવી વિશિષ્ટ ભાષાનું અસ્તિત્વ જોખમાય તો અજાયબ જેવી કચ્છી સંસ્કૃતિને સાચવવાનો પ્રશ્ન ગંભીર બની જાય. આવું ન થાય તે માટે કચ્છી ભાષા માટે પ્રદાનજોગીઓ કાર્યરત રહ્યા છે. આપણા નારાયણ બાપા ‘કરાયલ’ ને તો કચ્છીના સંવર્ધન માટે પ્રદાન બદલ પદ્મશ્રીનું સન્માન પણ હાંસલ થયું છે. 

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સંચાલિત કચ્છી સાહિત્ય અકાદમી પણ ભાષા સંવર્ધન માટે સક્રિય ભૂમિકા ભજવી રહી છે. એ સિવાય આ લખનાર જેવા યુવાઓથી લઈને કચ્છ બહાર વસતા હોય પણ હૈયું માત્ર કચ્છ માટે ધબકતું હોય એવા સુજ્ઞજનોની જહેમતથી કચ્છીમાં ઘણું પીરસાઈ રહ્યું છે અને આશા છે બોલાતી આ સમૃદ્ધ ભાષા લખવામાં પણ હેટ્રિક મારે. 

કંઠ્યનું ભવિષ્ય ટૂંકું હોય છે જયારે લેખિત ભાવિને દીર્ઘકાલીન માર્ગદર્શન આપતું રહેશે અને નવી પેઢીમાં તેનો પ્રવાહ નિરંતર ચાલુ રહે, સંસ્કૃતિનું વાહન ભાષા પ્રવાહથી થતું રહે તે એટલું જ જરૂરી છે.