અમદાવાદઃ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ માટે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમને રાજકોટ જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી ન મળતા તેમણે નારાજગીવ્યક્ત કરી હતી. મળતી માહિતી અનુસાર કેજરીવાલની મંજૂરી છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં નારાજગી જાહેર કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે હું આતંકવાદી કે ક્રિમિનલ નથી. મને જેલમાં મારા સાથીઓને મળવાની ભાજપ સરકારના ઈશારે જેલ પ્રશાસને પરવાનગી આપી નથી. અંગ્રેજોના કાળમાં ભગતસિંહને તેમના સાથીઓને મળવા દીધા ન હતા. અંગ્રેજો કરતા પણ ક્રૂર આ અત્યાચારી સરકાર છે.
રાજ્યમાં ખેડૂતોને બિયારણ મળતું નથી, જણસીના પૂરા ભાવ મળતા નથી, ખેડૂતો માટે અવાજ ઉઠાવવામાં આવે તો તેમના પર લાઠીચાર્જ થાય છે, હડદડમાં 88 ખેડૂતની ધરપકડ કરવામાં આવી. પોલીસે 24 કલાક સુધી તેમને પીવાનું પાણી પણ આપ્યું ન હતુ. ગુજરાતની ગલી ગલીએ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે.
તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ બન્ને એક છે અને સાથે બિઝનેસ ચલાવે છે. લોકો હવે આપ સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે.