દુબઈઃ આઈપીએલ 2026ના મિનિ ઓક્શનમાં સૌથી મોટી સરપ્રાઈઝ યુવા ક્રિકેટર કાર્તિક શર્માને મળી છે. ફક્ત 19 વર્ષની ઉંમરના અનકેપ્ડ રાજસ્થાનના ખેલાડી પર અનેક ફ્રેન્ચાઈઝીએ જોરદાર બોલી લગાવી હતી, પરંતુ ચેન્નઈ સુપરકિંગ્સે કાર્તિક શર્મા માટે પોતાની તિજોરી ખોલી નાખી છે. ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ 14.20 કરોડ રુપિયાની જંગી રકમથી પોતાના કેમ્પમાં રાખ્યો છે.
સીએસકેની નજરમાં હતો શર્મા
વિકેટકિપર કમ આક્રમક બેટર તરીકે જાણીતા કાર્તિક શર્માની બેઝ પ્રાઈસ ફક્ત 30 લાખ રુપિયા હતી, પરંતુ બોલી શરુ થવાની સાથે કિંમતમાં તેજી જોવા મળી હતી અને જોતજોતામાં તો કરોડોનો આંકડો પાર થયો હતો. કરોડોની રકમ પાર થવાની આ મિનિ ઓક્શન સૌથી મોટી ખરીદી પૈકીની એક બની ગઈ. સીએસકેની લાંબા સમયથી આ ખેલાડી પર નજર હતી.
કાર્તિક શર્માનું નસીબ ખૂલી ગયું
ગયા વર્ષે કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમનો હિસ્સો હતો, પરંતુ પછીથી એ ચેન્નઈ સુપર કિંગ્સની પ્રી-સિઝન કેમ્પમાં જોવા મળ્યો હતો. કેમ્પ વખતે ફક્ત એક જ ચર્ચા હતી કે કોઈ ખેલાડીને ઈજા પહોંચી તો રિપ્લેસમેન્ટ તરીકે તેને સામેલ કરી શકાય છે, પરંતુ ઓક્શનમાં રજિસ્ટ્રેશન થયું નહીં હોવાથી એમ કરી શકયા નથી. ઉપરાંત, આ વખતે તેને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ટ્રાયલ કર્યો હતો, જેમાં તેને લગભગ 35 બોલમાં સદી ફટકારીને સૌને ચોંકાવ્યા હતા. ઓક્શનમાં કેકેઆર પણ તેને ખરીદવાની રેસમાં હતા, પરંતુ સીએસકેએ બાજી મારી છે.
સિક્સર મારવા માટે જાણીતો છે શર્મા
ભારતીય ટીમમાં સિક્સર મારવા માટે જાણીતા હીટમેન રોહિત શર્માના માફક કાર્તિક શર્મા પણ સિક્સર મારવા માટે જાણીતો છે. 2024-2025ની સિઝનની રણજી ટ્રોફીથી ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી. તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો પણ હિસ્સો હતો, પરંતુ ઈજા પહોંચવાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું.
12 ટવેન્ટી-20 મેચમાં 28 સિક્સર
કાર્તિક શર્માએ અત્યાર સુધીમાં 12 મેચ રમ્યો છે, જેમાં 30.36ની એવરેજથી 334 રન બનાવ્યા છે, જેમાં તેને 16 ચોગ્ગા અને 28 સિક્સર ફટકારી છે. એના સિવાય આઠ લિસ્ટ એ મેચમાં 479 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદીનો સમાવેશ થાય છે. લિસ્ટ એમાં પણ તેને બે સદી ફટકારીને 445 રન બનાવ્યા છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે કાર્તિક શર્માએ ટીમ ઈન્ડિયાના ખેલાડી દીપક ચાહરના પિતાની એકડેમીમાંથી પ્રેક્ટિસ કરે છે, ત્યારે આ વખતે તેને સૌથી મોટી તક મળી છે.