ઢાકા: બાંગ્લાદેશમાં ઇન્કલાબ મંચના પ્રવક્તા અને જેહાદી ઉસ્માન હાદીની હત્યા બાદ હિંસા ફાટી નીકળી છે. બાંગ્લાદેશમાં ઠેરઠેર ઉપદ્રવીઓ વધારે હિંસક બન્યા છે. લઘુમતીઓ મોબ લિંચિંગનો પણ ભોગ બની રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ-બૌદ્ધ ખ્રિશ્ચિયન યુનિટી કાઉન્સિલ (બીએચબીસીયુસી) અને અન્ય રિપોર્ટ્સ અનુસાર ઓગસ્ટ, 2024થી 10 મહિનામાં 2,442થી હિંદુઓ પર હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં મંદિરોની તોડફોડ, ઘર બાળવા અને હત્યાનો સમાવેશ થાય છે. આ હુમલામાં રાજકીય કાવાદાવા અથવા કથિત બ્લાસ્ફેમી (ઈશનિંદા)ના આરોપ મૂકવામાં આવ્યા હતા. અમુક કિસ્સામાં ધાર્મિક કટ્ટરવાદ સાથે જોડવામાં આવ્યો હતો, જ્યારે અમુક કિસ્સામાં રાજકીય પરિબળો પણ જવાબદાર હતા.
18 ડિસેમ્બરે દીપ ચંદ્રની હત્યા કરી
બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ અને ખાસ કરીને હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે. 18 ડિસેમ્બરે ઈશનિંદાનો આરોપ લગાવીને ઢાકા પાસેના ભાલુકા ખાતે પ્રદર્શનકારીઓના ટોળાએ દીપુ ચંદ્ર નામના હિંદુ યુવકની ઢોર માર મારીને હત્યા કરી નાખી હતી. આ હત્યાનો પડઘા હજુ શાંત પડ્યા નથી. એવા સમયે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યારની વધુ એક ઘટના સામે આવી છે.
23 ડિસેમ્બરના 2 હિંદુના ઘર સળગાવ્યા
19 ડિસેમ્બર, 2025ના કેટલાક પ્રદર્શનકારીઓએ લક્ષ્મીપુર સદર ખાતે એક ઘરને બહારથી બંધ કરીને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં 7 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 23 ડિસેમ્બર, 2025ના બાંગ્લાદેશના ચટગાંવ ખાતે 2 હિંદુ પરિવારનો ઘર સળગાવી દેવામાં આવ્યા છે. જેમાં બંને ઘરોના પાલતુપશુઓનું મોત થયું હતું. આ ઉપરાંત બંને પરિવારની ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી.
2024થી શરૂ થયો હિંદુઓની હત્યાનો સિલસિલો
ડિસેમ્બર 2025માં બાંગ્લાદેશ ખાતે હત્યાઓનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. રંગપુર ખાતે સ્વતંત્રતા સેનાની દંપતી યોગેશ ચંદ્ર રોય અને સુબર્ણા રોયને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. ગંભીર ઈજાના પરિણામે તેઓનું મૃત્યુ થયું હતું. આ સિવાય રંગપુરમાં પ્રદર્શનકારીઓના એક ટોળાએ ઉત્તમ કુમાર બર્મન નામના દુકાનદારની ઈશનિંદાના આરોપસર ઢોર માર મારીને હત્યા કરી નાખી હતી. નરસિંગદીમાં પ્રાંતોષ કર્મકાર નામના ઝવેરીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ફરીદપુરમાં ઉત્પલ સરકાર નામના માછલીના વેપારીની હત્યા કરવામાં આવી છે.
સત્તાપલટા પછી 23થી વધુ હિંદુની હત્યા
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાઓના કિસ્સાઓ છેલ્લા એક વર્ષથી સામે આવી રહ્યા છે. ઓગસ્ટ 2024માં કુલ 5 હિંદુઓની હત્યા કરવામાં આવી હતી. ઓગસ્ટ 2024માં બાગેરહાટના સ્કૂલ ટીચર મૃણાલ કાંતિ ચક્રવર્તીની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. એક આંકડા મુજબ બાંગ્લાદેશમાં શેખ હસીનાના સત્તાપલટા બાદ 23થી 27 હિંદુની હત્યાના બનાવ સામે આવ્યા છે.
બાંગ્લાદેશમાં હિંદુઓની કેટલી વસ્તી
પોપ્યુલેશન એન્ડ હાઉસિંગ સેન્સસ 2022ના રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશમાં હિંદુ વસ્તી લગભગ 1.31 કરોડ હતી, જે કુલ વસ્તીના 7.95 ટકા છે. આ સંખ્યા બાંગ્લાદેશ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (બીબીએસ)એ જારી કરી હતી, જે દેશની કુલ સંખ્યા 16.52 કરોડ હતી, પરંતુ 2022 પછી વસ્તી ગણતરી કરી નથી. વર્લ્ડોમીટરના અનુમાન અનુસાર બાંગ્લાદેશની કુલ વસ્તી 2025 સુધીમાં 17.6 કરોડે પહોંચી છે.