ઢાકાઃ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ પણ સ્થિતિ થાળે પડવાને બદલે વધુ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે શેખ હસીના સરકાર સામેના બળવામાં મહત્વની ભૂમિકા ભજવનાર છાત્ર નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યાએ દેશમાં નવો વિવાદ છેડાયો છે. આ હત્યા બાદ ફરી એકવાર રસ્તાઓ પર હિંસા ફાટી નીકળી છે અને વચગાળાની સરકારની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને આગામી સામાન્ય ચૂંટણીઓ પર પડનારા સંકટ તરીકે જોઈ રહ્યા છે.
શરીફ ઉસ્માન હાદીના ભાઈ ઉમર હાદીએ મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે તેમના ભાઈની હત્યા સત્તામાં બેઠેલા કેટલાક લોકોએ જ કરાવી છે, જેથી આગામી સામાન્ય ચૂંટણીઓને અટકાવી શકાય. ઉમર હાદીના મતે શરીફ ઉસ્માન હાદી 12 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં ઉમેદવાર હતા અને તેમની વધતી લોકપ્રિયતાથી ડરીને આ કાવતરું ઘડવામાં આવ્યું છે. ઢાકામાં મસ્જિદ બહાર ગોળી માર્યા બાદ સિંગાપોરમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
ઢાકાના શાહબાગમાં આયોજિત 'શહીદી શપથ' કાર્યક્રમ દરમિયાન ઉમર હાદીએ નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસને આકરી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો હત્યારાઓ સામે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો વર્તમાન સરકારનું હશ્ર પણ શેખ હસીના જેવું જ થશે અને તેમને પણ દેશ છોડીને ભાગવાની નોબત આવશે. ઉમરનો આરોપ છે કે સરકાર તપાસમાં કોઈ નક્કર પ્રગતિ કરી શકી નથી, જે શંકા પ્રેરે છે.
શરીફ ઉસ્માન હાદી તેમના ભારત વિરોધી નિવેદનો અને કોઈ પણ વિદેશી તાકાત સામે ન ઝૂકવાની જીદ માટે જાણીતા હતા. તેમના ભાઈનો દાવો છે કે હાદીએ કોઈ પણ એજન્સી કે વિદેશી આકાઓની શરતો સ્વીકારી નહોતી, જેના કારણે તેમને રસ્તામાંથી હટાવી દેવામાં આવ્યા છે. હાદીના મોતના સમાચાર મળતા જ બાંગ્લાદેશમાં ભારે તોડફોડ અને આગચંપી શરૂ થઈ ગઈ હતી. દેખાવકારોએ મીડિયા હાઉસ અને સરકારી ઈમારતોને નિશાન બનાવી છે, જેનાથી સુરક્ષા વ્યવસ્થા સામે પડકારો ઊભા થયા છે.