રાજકોટ: શહેરની સોનીબજારમાં ફરી એકવાર વિશ્વાસઘાતની ઘટના સામે આવી છે. રાઘવ કુંજ કોમ્પ્લેક્સમાં સોનાના ઘરેણાં બનાવવાનું કામ કરતા બે વેપારીઓ પાસેથી અંદાજે 473.5 ગ્રામ સોનું લઈને એક બંગાળી કારીગર ફરાર થઈ ગયો છે. આ મામલે વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ રૂ. 60,98,680ની કિંમતના સોનાની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા અને સોનીબજારમાં દુકાન ધરાવતા જીતેશભાઈ શાંતિલાલ રાણપરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દુકાને છેલ્લા એક વર્ષથી પશ્ચિમ બંગાળનો શેખ બાદશા નામનો વ્યક્તિ કમીશન પર દાગીના બનાવવાનું કામ કરતો હતો. ગત 5 ઓક્ટોબરના રોજ જીતેશભાઈએ તેને 'બોર' બનાવવા માટે 235.500 ગ્રામ સોનું આપ્યું હતું. કારીગરે પાંચ દિવસમાં દાગીના પરત આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ સમય મર્યાદા પૂરી થયા બાદ તેણે દુકાને આવવાનું બંધ કરી દીધું હતું.
વેપારીએ જ્યારે કારીગરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે શરૂઆતમાં "સવારે આવું છું" કહી ફોન કાપી નાખ્યો હતો અને ત્યારબાદ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. જીતેશભાઈ જ્યારે તેના ઘરે તપાસ કરવા પહોંચ્યા ત્યારે ત્યાં તાળું લટકતું જોવા મળ્યું હતું. આસપાસની પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી પોતાના વતન પલાયન થઈ ગયો છે. વધુ તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ જ કોમ્પ્લેક્સમાં ઉપરની દુકાને કામ કરતા નાજીમુદ્દીન શેખનું પણ 238 ગ્રામ સોનું આ જ કારીગર લઈને રફુચક્કર થઈ ગયો છે.
આમ, આરોપી શેખ બાદશા બંને વેપારીઓનું કુલ મળીને 473.5 ગ્રામ (22 કેરેટ) સોનું, જેની બજાર કિંમત આશરે 61 લાખ રૂપિયા જેટલી થાય છે, તે લઈને નાસી છૂટ્યો છે. વતનમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો ન મળતા આખરે બંને વેપારીઓએ પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. પોલીસે આ મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આરોપી કારીગરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.