Tue Dec 16 2025

Logo

White Logo

ભારતે જોર્ડન સાથે 5 કરારો પર કર્યા હસ્તાક્ષર, : PM મોદી આજે ઇથોપિયાની લેશે મુલાકાત

9 hours ago
Author: Mumbai Samachar Team
Video

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જોર્ડનની રાજધાની અમ્માનમાં કિંગ અબ્દુલ્લા II સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. 37 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સંપૂર્ણ દ્વિપક્ષીય જોર્ડન મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે થઈ રહી છે. કિંગ અબ્દુલ્લા II સાથેની વાતચીત બાદ બંને પક્ષોએ પાંચ મહત્વના સમજૂતી કરારો (MoUs) પર હસ્તાક્ષર કર્યા, જેમાં વેપાર, સંરક્ષણ, આતંકવાદ વિરોધી પગલા, નવીનીકરણીય ઊર્જા અને ડિજિટલ ક્ષેત્રે સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદી ત્રણ દેશોની વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં જોર્ડન પહોંચ્યા છે, ત્યારબાદ તેઓ ઇથોપિયા અને ઓમાનની મુલાકાત લેશે.

હુસૈનિયા પેલેસ ખાતે કિંગ અબ્દુલ્લા II સાથેની બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને પરસ્પર હિતના પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું. બંને પક્ષોએ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ સામેની તેમની સંયુક્ત સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો. પીએમ મોદીએ આતંકવાદ અને ઉગ્રવાદનો સામનો કરવામાં કિંગ અબ્દુલ્લા IIની ભૂમિકાની પ્રશંસા કરી અને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી. કિંગ અબ્દુલ્લા II એ પણ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરી અને આ પડકાર સામેની ભારતની લડાઈ માટે મજબૂત સમર્થન આપ્યું. વડાપ્રધાન મોદીએ ગાઝા મુદ્દે કિંગ અબ્દુલ્લા IIની ‘સક્રિય અને સકારાત્મક ભૂમિકા’ની પણ પ્રશંસા કરી.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ મુલાકાત ભારત-જોર્ડન સંબંધોને નવી ગતિ અને ઊંડાણ આપશે. આર્થિક મોરચે, ભારતે જોર્ડન સાથેના દ્વિપક્ષીય વેપારને આગામી પાંચ વર્ષમાં વર્તમાન $2.8 બિલિયનથી વધારીને $5 બિલિયન સુધી પહોંચાડવાનો મહત્વકાંક્ષી પ્રસ્તાવ મૂક્યો છે. ભારત હાલમાં જોર્ડનનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. આ ઉપરાંત, તેમણે જોર્ડનના ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વચ્ચે સહયોગ સ્થાપિત કરવાની પણ હાકલ કરી. સહકારના અન્ય મુખ્ય ક્ષેત્રોમાં વેપાર, ખાતર, ડિજિટલ ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકો વચ્ચેના સંબંધો (P2P કનેક્ટિવિટી)નો સમાવેશ થાય છે.

આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે પાંચ સમજૂતી કરારો અને એક લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર થયા, જેમાં નવા અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ટેકનિકલ સહયોગ અંગે MoU. જળ સંસાધન વ્યવસ્થાપન અને વિકાસ ક્ષેત્રે સહયોગ અંગે MoU. વર્ષ 2025-2029 માટે સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમનું નવીકરણ. જોર્ડનનું ઐતિહાસિક શહેર પેટ્રા અને ભારતની ઈલોરા ગુફાઓ વચ્ચે ટ્વિનિંગ એગ્રીમેન્ટ. સફળ ડિજિટલ સોલ્યુશન્સને શેર કરવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ જેવા mou પર સાઈન કરવામાં આવ્યા. 

વડાપ્રધાને 2018માં કિંગ અબ્દુલ્લા IIની ભારત યાત્રા અને ઇસ્લામિક વારસા પરની કોન્ફરન્સને યાદ કરતાં સહનશીલતાને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસોને વૈશ્વિક શાંતિ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.