પ્રથમ સહકારી રાઇડ-હેલિંગ એપ 'ભારત ટેક્સી'નું પાયલટ ઓપરેશન દિલ્હી-ગુજરાતમાં શરૂ
નવી દિલ્હી/અમદાવાદઃ દેશમાં ઓલા-ઉબરને ટક્કર આપવા માટે 'ભારત ટેક્સી' મેદાનમાં આવી રહી છે, જે અંતર્ગત દેશની પ્રથમ સહકારી રાઇડ-હેલિંગ એપ દિલ્હી-ગુજરાતમાં લોન્ચ થઈ છે. મંગળવારે દિલ્હી અને ગુજરાતમાં તેનું પાયલટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ સીધી રીતે ઓલા, ઉબેર અને રેપિડો વગેરે કંપનીઓને ટક્કર આપી શકે છે.
પ્રમોટરની રહેશે મહત્ત્વની ભૂમિકા
ભારત ટેક્સીનું સંચાલન સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેની સાથે દેશની આઠ મુખ્ય સહકારી સંસ્થાઓ જોડાયેલી છે. આના મુખ્ય પ્રમોટરમાં અમૂલ, ઇફકો, નાબાર્ડ અને એનડીડીબી જેવી સંસ્થાઓ છે, જે આ પ્રોજેક્ટને મોટા પાયે સમર્થન પણ આપશે.
સૌરાષ્ટ્રના ડ્રાઇવરનું વધ્યું રજિસ્ટ્રેશન
પાયલટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં દિલ્હી અને ગુજરાતમાં રજિસ્ટ્રેશન શરૂ થયું છે. માત્ર 10 દિવસમાં 51,000થી વધુ ડ્રાઇવર આ એપ્લિકેશન સાથે જોડાઈ ચૂક્યા છે. દિલ્હીમાં પાયલટ ઓપરેશન હેઠળ હાલમાં કાર, ઓટો અને બાઇકટેક્સી સર્વિસ એક્ટિવ કરવામાં આવી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ડ્રાઇવરનું રજિસ્ટ્રેશન સતત વધી રહ્યું છે. આ સહકાર મોડેલનો હેતુ દેશભરના કમર્શિયલ વાહનચાલકોને ખાનગી કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડીને તેમને વધુ સારો આર્થિક વિકલ્પ પૂરો પાડવાનો છે.
'ભારત ટેક્સી'ની મુખ્ય વિશેષતાઓ
ભારત ટેક્સીનું સૌથી આકર્ષક પાસું તેનું 'ઝીરો-કમિશન' માળખું છે. આ મોડેલમાં દરેક રાઇડની સંપૂર્ણ કમાણી ડ્રાઇવરને મળશે. આ ઉપરાંત, સહકારી સમિતિનો જે પણ નફો થશે, તે સીધો સભ્યો એટલે કે ડ્રાઇવરમાં વહેંચવામાં આવશે. પ્લેટફોર્મ કોઈ છુપો ચાર્જ કે સર્વિસ ચાર્જ કાપશે નહીં.
પ્રવાસીઓને સૌથી વધુ ફાયદાનો ઉદ્દેશ
આ મોડેલ વર્તમાન એપ-આધારિત કંપનીઓના 20-30 ટકા કમિશન લેવાની પ્રણાલીથી તદ્દન અલગ છે તેમ જ ડ્રાઇવરને સારી આવક અને આર્થિક સુરક્ષાની ખાતરી પણ આપે છે. એપમાં ટ્રાન્સપરન્ટ ફેર સિસ્ટમ, લાઇવ વ્હીકલ ટ્રેકિંગ, મલ્ટી લેંગવેજ સપોર્ટ, 24 × 7 કસ્ટમર કેર, કેશલેસ/કેશ પેમેન્ટ વિકલ્પો અને સુરક્ષિત યાત્રા માટે દિલ્હી પોલીસ સાથે ટાઇ-અપનો સમાવેશ થાય છે. પ્રવાસીઓની સુવિધા વધારવા માટે એપને મેટ્રો અને અન્ય ટ્રાન્ઝિટ સેવાઓ સાથે પણ જોડવામાં આવી રહી છે, તેનાથી ડોર-ટુ-ડોર મોબિલિટી વધુ સરળ બનશે. ભારત ટેક્સીના સફળ પાયલટ બાદ તેને ધીમે ધીમે રાષ્ટ્રીયસ્તરે લોન્ચ કરવામાં આવશે.