દારૂ પીને વાહન ચલાવનારા 211 ડ્રાઈવર વિરુદ્ધ ગુના
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થર્ટીફર્સ્ટની રાતે દારૂના નશામાં વાહન ચલાવીને પોતાના અને અન્યોના જીવને જોખમ ઊભું કરનારાઓ વિરુદ્ધ ટ્રાફિક વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં નશામાં વાહન ચલાવનારા 211 ડ્રાઈવર વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા હતા. એ સિવાય ટ્રાફિકના નિયમો તોડનારાઓને એક જ રાતમાં 1.31 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
નવા વર્ષની ઉજવણી નિમિત્તે થર્ટીફર્સ્ટની રાતે મોટી સંખ્યામાં લોકો બાર, પબ અને ડિસ્કોથેકમાં જઈને દારૂની મહેફિલ માણતા હોય છે. એ સિવાય ખાનગી પાર્ટીઓ અને અન્ય ઠેકાણે દારૂ ઢીંચનારાઓની પણ કમી નથી. બાદમાં દારૂના નશામાં વાહન ચલાવી ઘરે પહોંચવાની ઉતાવળમાં ડ્રાઈવરો પોતાના અને અન્યોના જીવ જોખમમાં મૂકતા હોય છે. પરિણામે નશો કરીને વાહન ન ચલાવવાની સૂચના ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી હતી.
પોલીસની ચેતવણીને અવગણીને દારૂના નશામાં વાહન ચલાવનારાઓ પર કડક કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા થર્ટીફર્સ્ટની રાતે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઝુંબેશ હેઠળ શહેરના મુખ્ય માર્ગો, સર્કલ, શહેરમાં પ્રવેશનાં સ્થળે તેમ જ ભીડના ઠેકાણે પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન શંકા જાય એ વાહનોને રોકી બ્રેથ એનેલાઈઝર્સ દ્વારા ડ્રાઈવરોની તપાસ કરવામાં આવી હતી.
બ્રેથ એનેલાઈઝર ટેસ્ટમાં કોઈ ડ્રાઈવર નશામાં વાહન ચલાવતો હોવાની ખાતરી થાય તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. એ સિવાય આવા 211 ડ્રાઈવર વિરુદ્ધ ગુના પણ નોંધવામાં આવ્યા હતા.
ટ્રાફિક પોલીસે વિના હેલ્મેટ વાહન ચલાવનારા, સિગ્નલ જંપ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ, રૉન્ગ સાઈડમાં વાહન ચલાવનારા, લાઈસન્સ વિના વાહન ચલાવનારા, ટ્રિપલ સીટ, ગતિમર્યાદા કરતાં વધુ સ્પીડે વાહન ચલાવનારા અને સીટબેલ્ટ વગર વાહન ચલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરી હતી. આ રીતે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા પ્રકરણે 13,752 ઈ-ચલાન કપાયાં હતાં, જેમાં કુલ 1,31,14,850 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, એવું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.