Thu Jan 01 2026

Logo

White Logo

વરસાદને કારણે આરેમાં બેસ્ટની બસ : સાથે ટકરાયેલી ટ્રકના ડ્રાઈવરનું મોત

2 hours ago
Author: Yogesh C Patel
Video

ભીના માર્ગ પર ટ્રકનું ટાયર સ્લિપ થતાં અકસ્માત સર્જાયો: બસ ડ્રાઈવર-કંડકટર જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: નવા વર્ષની સવારે અચાનક વરસેલા વરસાદને કારણે ભીના માર્ગ પર ટાયર સ્લિપ થવાને કારણે ટ્રક સામેથી આવતી બેસ્ટની બસ સાથે ટકરાઈ હોવાની ઘટના ગોરેગામ નજીક આરે કોલોનીમાં બની હતી. આ ઘટનામાં ગુજરાતની ટ્રકના ડ્રાઈવરે જીવ ગુમાવ્યો હતો તો ડ્રાઈવરની કૅબિનના કાચ તૂટતાં બસ ડ્રાઈવર અને કંડકટર ઘવાયા હતા.

ભાંડુપમાં બેકાબૂ બનેલી બેસ્ટની બસે 14 પ્રવાસીને કચડ્યાની ઘટના તાજી છે ત્યાં જ આરે કોલોનીમાં ગેટ નંબર-પાંચ નજીક ફરી બેસ્ટની બસને અકસ્માત નડ્યો હતો. આરેમાં ગુરુવારની સવારે 6.20 વાગ્યે બનેલી ઘટનામાં ટ્રક ડ્રાઈવર ચેહરાજ ઠાકુર (30)નું મૃત્યુ થયું હતું. આરે પોલીસે ઘટનાની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બેસ્ટના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે રૂટ નંબર-એ 478 પરની વેટલીઝ બસ વિક્રોલી ડેપોથી બોરીવલી સ્ટેશન પૂર્વમાં જઈ રહી હતી. બસ આરે કોલોની માર્કેટ પાસે પહોંચી ત્યારે સામેથી આવેલી ટ્રક બસ સાથે ભટકાઈ હતી. બસ ડ્રાઈવરની કૅબિન નજીક જમણી તરફ ટ્રક ભટકાઈ હતી, જેને કારણે કૅબિનનો કાચ તૂટી ગયો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુરુવારે સવારે અચાનક વરસાદ થયો હતો, જેને કારણે રસ્તા ભીના થઈ ગયા હતા. ભીના માર્ગ પરથી પસાર થતી ટ્રકનું ટાયર એકાએક સ્લિપ થયું હતું, જેને કારણે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક બસ સાથે ટકરાઈ હતી.

અકસ્માતમાં ગુજરાતના ટ્રક ડ્રાઈવર ઠાકુર, બસ ડ્રાઈવર મોહમ્મદ રફીક શેખ (48)ને ગંભીર ઇજા થઈ હતી, જ્યારે કંડકટર રવીન્દ્ર પાંડુરંગ શેમ્બડકરના ડાબા હાથ-પગમાં નજીવી ઇજા થઈ હતી. સારવાર માટે ત્રણેયને જોગેશ્વરીના ટ્રોમા કૅર સેન્ટરમાં લઈ જવાયા હતા, જ્યારે તબીબે ઠાકુરને મૃત જાહેર કર્યો હતો. બસ ડ્રાઈવર શેખના માથા અને જમણઆ પગ તેમ જ ઘૂંટણમાં ઇજા થઈ હતી. તેનું સીટી સ્કૅન પણ કરવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.