Thu Dec 11 2025

Logo

White Logo

બોફર્સ તોપ કટકીએ : હચમચાવી નાખી કેન્દ્રની કૉંગ્રેસ સરકારને

20 hours ago
Author: Mumbai Samachar Team
Video

પ્રફુલ શાહ

ભારતનું એક એવું કૌભાંડ કે જે સંરક્ષણલક્ષી બાબતો સાથે સંકળાયેલું હતું અને બહુ મોટી રાજકીય ઊથલપાથલનું નિમિત્ત બન્યું. એટલું જ નહિ, એક સમયના દેશના સૌથી મોટા અને આજે ય સૌથી જૂના રાજકીય પક્ષ ગણાતા કૉંગ્રેસના પતનની શરૂઆતનું કારણ બન્યું.


સૌ જાણે છે કે ભારતે આજ સુધી માત્ર ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાનો વારો આવ્યો છે. ચીનની મન્શા વિસ્તારવાદી છે અને એશિયામાં બાપ બનવાની મેલી મુરાદ બર લાવવામાં ભારત એની આંખમાં કણાની જેમ ખૂંચે છે. પાકિસ્તાનના ડીએનએમાં જ બાય ડિફોલ્ટ ભારત વિરોધી માનસ છે. કદાચ પ્રજામાં એ ઓછું હશે પણ રાજકારણીઓ માટે ભારત-દ્વેષ અનિવાર્ય છે. એટલે જ બળતણિયું પાકિસ્તાન યુદ્ધ ન કરી શકે ત્યારે આતંકવાદ થકી પ્રોકસી લડાઈમાં રાચ્યા કરે છે.


કહી શકાય કે કંઈક અંશે બોફોર્સ તોપ કૌભાંડમાં ય પાકિસ્તાન નિમિત્તરૂપ હતું. થયું એવું કે 1977માં અહેવાલો પ્રગટ થયા હતા કે પાકિસ્તાન અમેરિકા પાસેથી લેટેસ્ટ ટેક્નોલોજી ધરાવતી લાંબી રેન્જ ધરાવતી 155- એમએમની એમ 198 હોવિત્ઝર્સ મેળવવા/ખરીદવા માગે છે. પાકિસ્તાનના શાસકોની એક જીદ્દ ખરી કે ભલે ભૂખ્યા મરીશું પણ ભારત સાથે લડીશું જ. ફાંસીએ લટકાવી દેવાયેલા વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુત્તોએ ડંફાશ મારી હતી કે અમે ઘાસ ખાઈશું, ભૂખ્યા રહીશું પણ અમારો અણુબોમ્બ મેળવીને રહીશું. આવી માનસિકતા ધરાવતા પાકિસ્તાન લશ્કરી રીતે સજ્જ થવાનું હોય તો ભારત પાછળ કેવી રીતે રહી શકે?


નવી દિલ્હી એકદમ એક્શનમાં આવી ગઈ. બોફોર્સ અને અન્ય છ શસ્ત્ર ઉત્પાદકોને ઓફર અપાઈ કે અમેરિકાની હોવિત્ઝર્સ પર ભારે પડે એવી તમારી તોપની વિગતો આપો. છેક 1981માં ફિલ્ડ ટ્રાયલ્સ માટે ચાર તોપની પસંદગી થઈ: FH-77B, FH-70, GHN-45 A“¡ GIAT-155 TR. આ પરીક્ષણની પ્રક્રિયા બાદ 1985માં બહાર આવ્યું કે ટ્રાયલમાં FH-70 અને GHN-45 સફળ રહી નથી.

સને 1986ની 24મી માર્ચે ભારત સરકાર સ્વીસ શસ્ત્ર ઉત્પાદક કંપની બોફોર્સ 28.5 કરોડ ડૉલરના શસ્ત્ર સોદાનો કરાર થયો. આ સોદો 155 એમ.એમ.ની હોવિત્ઝર્સ ફિલ્ડ ગનના 410 નંગ પૂરા પાડવા માટે હતો. ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે આ મહત્ત્વની પહેલ હતી. સજ્જતાની નિશાની હતી.

પરંતુ 1986ની 24મી માર્ચે બોફર્સ તોપ ગાજે એ અગાઉ પ્રચંડ ધડાકો થયો. સ્વીડીશ રેડિયોએ વિસ્ફોટ કર્યો કે બોફોર્સ કંપનીએ સ્વીડન અને ભારતના ટોચના રાજકારણીઓ અને સંરક્ષણ નિષ્ણાતોને કટ-કટકી-દલાલી ચૂકવીને સોદો કરાવ્યો હતો. બોફોર્સ ગનની ગુણવત્તા વિશેની ચર્ચા જવા દઈએ તો ય સવાલ થાય કે કટકી ચૂકવવાની શા માટે જરૂર પડી? આ અનૈતિક, ખોટું અને અપ્રમાણિકતા જ ગણાય. લાલચને લીધે કદાચ ઓછી ગુણવત્તાવાળાં શસ્ત્રો પર મંજૂરીની મહોર લાગે તો દેશની સલામતી અને જવાનોના જીવ ન જોખમાય?

આ પર્દાફાશ સકારણ હોબાળો મચી ગયો. આમાં શરૂઆતમાં અખબારો અને વિરોધ પક્ષના રાજકારણીઓ જોશભેર જોડાઈ ગયા. પરંતુ આ મામલે કંઈક અલગ, આંચકાજનક બનવાનું હતું. આઠમા દાયકાના અંત ભાગમાં લાંચ અને ભ્રષ્ટાચારને પગલે આ શસ્ત્ર સોદો મોટી રાજકીય સુનામી બની ગયો.


આ ઘટસ્ફોટે રાજીવ ગાંધી સરકારને નીચાજોણું કરાવ્યું અને પગલાં શું ભરાયાં? 1987માં બોફોર્સ કંપનીને બ્લેકલિસ્ટમાં મૂકી દીધું. સરળ શબ્દોમાં કહી શકાય કે બોફોર્સ કંપનીને કોઈ ભાવિ શસ્ત્ર-સોદા માટે ગણતરીમાં નહિ લેવાય. વધુ વિગતોમાં બહાર આવ્યું એક નામ ઓટ્ટાવિઓ ક્વાટ્રોચી. આ ઈટાલિયન વેપારી સ્નામપ્રોગેટી નામની પેટ્રોકેમિકલ્સ કંપનીનો પ્રતિનિધિ હતો. આ શક્તિશાળી પાવર બ્રોકરે એંસીના દાયકામાં ભારત સરકાર અને મોટા વેપારી સોદામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. એટલું જ નહિ, એ રાજીવ ગાંધીના પરિવારની ખૂબ નિકટ હોવાનું પર્દાફાશ થયું.

બોફોર્સ કટકી કૌભાંડની તપાસ દરમિયાન 1991ની 21મી મેના રોજ તમિળ આતંકવાદી જૂથ એલ.ટી.ટી.ઈ. દ્વારા રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ. રાજકીય હોબાળા, કૌભાંડની તપાસ અને કાનૂની લડાઈ વચ્ચે છેક 1997માં સ્વીસ બેંકે 500 જેટલા દસ્તાવેજ જાહેર કરવા પડ્યા હતા.

... અને 1999માં તો બોફોર્સ કંપની પરનો પ્રતિબંધ હટાવી લેવાયો. એ વર્ષમાં પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફે કારગિલમાં ઉંબાળ્યું કર્યું, ત્યારે વળતી લડતમાં બોફોર્સ તોપ ખૂબ ઉપયોગી નિવડી હતી, પરંતુ એના છૂટા ભાગના અભાવને લીધે મુશ્કેલી ઊભી થઈ હતી. આ સ્પેરપાર્ટસ બોફોર્સ કંપની જ આપી શકે. આના માટે બોફોર્સ કંપનીનું નામ બ્લેકલિસ્ટમાંથી કાઢી નખાયું હતું. આ નિર્ણય એન.ડી.એ. (નેશનલ ડેમોક્રેટીક અલાયન્સ)ની અટલ બિહારી વાજપેયીની સરકારે લીધો હતો.

બોફોર્સ કૌભાંડ સામાન્ય ચૂંટણીમાં મહત્ત્વનો મુદ્દો બની ગયો હતો. એવું મનાતું હતું કે વિશ્વનાથ પ્રતાપસિંહ બોફોર્સ મામલાને લીધે જ રાજીવ ગાંધી સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. પરંતુ ખુદ વી.પી. સિંહે ખુલાસો કર્યો હતો કે એચ.ડી.ડબલ્યુ. સબમરીન સોદામાં ભારતીય એજન્ટ દ્વારા કમિશન લેવાના મામલા વિશે પ્રધાનમંડળમાં મતભેદને પગલે પોતે સરકાર છોડી હતી.

કૉંગ્રેસે સરકાર ગુમાવી પણ હતી.02 બોફોર્સ વિવાદની તોપ લાંબો સમય સુધી ગાજતી રહેવાની હતી. (ક્રમશ:)