પ્રફુલ શાહ
સરકાર અને શાસક પક્ષ સામે પ્રામાણિકતા અને નૈતિકતાનો બુંગીયો બજાવીને લોકપ્રિય થયેલા નેતાને કોણ કેટલાં સહન કરી શકે? વિશ્વનાથ પ્રતાપસિંહ ખરેખર સાચા-સારા હતા કે મુખવટો પહેર્યો હતો? શાસક પક્ષ અને મીડિયાને મધના ટોપલાં મળી ગયા હતા ને એ ય પણ મધમાખી વગરના.
એન્ફોર્સમેન્ટ ડિરોકટોરેટે સેંટ કિટ્સ કાંડની તપાસ માટે મોકલેલા ડેપ્યુટી ડાયરેક્ટર એ. એન. પાંડે પાછા ફર્યા, 1989ની નવમી ઓક્ટોબરે, પરંતુ કોઇ સાબિતી કે સાક્ષી વગર કહો કે પરદેશી ડેલે હાથ દઇ આવ્યા. કેબિનેટ પ્રધાન એડુઆર્ડો ફાલેરોએ 11મી ઓક્ટોબરે (ત્વરિત પગલું જોયું?) પાંડેજીનો રિપોર્ટ સંસદ સમક્ષ મૂકયો. એમાં કંઇ સાબિત થતું નહોતું પણ વી. પી. સિંહ વિરુદ્ધની આક્ષેપબાજી ખતમ ન થઇ. કહો કે થવા ન દેવાઇ. ચૂંટણી માથે હતી ને કયાંક આ માણસ સૌથી વધુ ધોળા કુર્તાવાળો સાબિત થઇ ગયો તો?
આ બધા વિવાદ, ગરમાગરમી, આક્ષેપબાજી અને ઘોંઘાટ વચ્ચે 1989ની 26મી નવેમ્બરે પ્રજાએ પોતાની વૈચારિક અને રાજકીય પરિપકવતાની તોપ ફોડીને ચુકાદો આપી દીધો. કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઊપસી આવી, 197 બેઠક સાથે. બીજા ક્રમે જનતા દળ (143), ત્રીજા ક્રમે ભાજપ (85), ચોથા ક્રમે સામ્યવાદી-માકર્સવાદી (33), પાંચમા ક્રમે સામ્યવાદી પક્ષ (12) અને છઠ્ઠા ક્રમે એ. આઇ. એ.ડી.એમ. કે. (11) રહ્યાં. કૉંગ્રેસ માટે સૌથી મોટો પક્ષ હોવા છતાં માર્ગ મુશ્કેલ હતો. જનતા દળના નેતા વી. પી. સિંહને નેશનલ ફ્રન્ટ સરકારના સુકાની બનાવાયા. ભાજપ અને સામ્યવાદી માકર્સવાદી પક્ષના ટેકાથી સરકાર બની ગઇ.
વી. પી. સિંહ ભલે વડા પ્રધાન બન્યા પણ સેંટ કિટ્સ કૌભાંડે એમનો કેડો ન મૂકયો, પરંતુ હવે સરકાર બદલાઇ હતી. જુઠ્ઠાણાંની આવરદા પૂરી થવાની શકયતા સર્જાઇ હતી. ધીરે-ધીરે સ્પષ્ટ થવાનું હતું કે આમાં સેંટ કિટ્સ જેવું કોઇ કૌભાંડ જ નહોતું. હકીકતમાં તો આ બનાવટી દસ્તાવેજ કૌભાંડ હતું. હવે આમાં વી. પી. સિંહ કે એમના દીકરા અજેયસિંહને બદલે ગોડમેન, શસ્ત્ર સોદાગર, અમલદારો અને એ ભાવિ વડા પ્રધાનના નામ પર્દાફાશ થવાના હતા.
1990ના નવેમ્બરમાં વી. પી. સિંહ સરકારનું પતન થયું. એમના સ્થાને આવ્યા ચંદ્રશેખર જનતા દળને છેદ આપીને ચંદ્રશેખરે 64 સાંસદ સાથે સમાજવાદી જનતા પાર્ટીની સ્થાપના કરી. તેઓ ભારતના આઠમા વડા પ્રધાન બન્યા. યાદ રહે કે સત્તાની આ ખુરશી મળી હતી. કૉંગ્રેસના બાહ્ય ટેકાથી એટલે કહી શકાય કે કઠપૂતળી સરકારની દોર કૉંગ્રેસના હાથમાં હતી. આની અસર દેખાવામાં વાર ન લાગી. સેંટ કિટ્સ કૌભાંડની વાત કરીએ તો 1991ના માર્ચમાં આ તપાસ કરનારા સી.બી.આઇ. ઓફિસરની અચાનક બદલી કરી દેવાઇ. એમનો વાંક શું હતો? અરે, ગોડમેન ચંદ્રશેખરની પૂછપરછ કરવાની પરવાનગી ઇચ્છાનો ભયંકર ગુનો કર્યો હતો.
ચંદ્રશેખરની સરકાર પણ ઝાઝું ન ચાલી. કયાંથી ટકે? આ રાજકીય કુશ્તીમાં સેંટ કિટ્સ કૌભાંડની તપાસ પર જાણે બ્રેક લાગી ગઇ. 1991માં ફરી કૉંગ્રેસના હાથમાં સત્તા આવી અને વડા પ્રધાનની ખુરશી પર બેઠા પામુલાપાર્થી વેંકટ નરસિંહરાવ. આ પીઢ કૉંગ્રેસી રાજકારણના અઠંગ ખેલાડી હતા. એમને કૉંગ્રેસનો અને ટોચના નેતાઓના એજન્ડાની બરાબર જાણ હતી. એટલું જ નહીં. એને પૂરો કરવાની અવ્યક્ત ઇચ્છા અને ન અપાયેલા આદેશને સાંગોપાંગ સમજતા હતા. સરવાળે સેંટ કિટ્સ કૌભાંડની તપાસ થીજાવી દેવાઇ. એના પર સ્મૃતિ અને ધૂળના થર જામવા માંડયા.
પણ સત્યનો પ્રોબ્લેમ એ છે કે એ કયારેક ને કયારેક પ્રગટે જ. વહેલું કે મોડું. 1996માં કૌભાંડની થીજી ગયેલી તપાસને ગરમાવો મળ્યો દિલ્હીમાં. પિપલ્સ યુનિયન ઓફ સિવિલ લિબર્ટીઝ (પી.યુ.સી.એલ.) દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં માગણી થઇ કે સેંટ કિટ્સ કૌભાડની તપાસમાં સી.બી.આઇ.એ જે કંઇ શોધી કાઢયું એ જાહેર કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે સી.બી.આઇ.ને આદેશ આપ્યો કે આ કૌભાંડને લગતા બધા કેસ એક કરો અને આમાં પી. વી. નરસિંહરાવની ભૂમિકા પર પ્રકાશ ફેંકો. 1996માં સી. બી. આઇ. એ દાખલ કરેલી એફિડેવિટમાં ‘રાવની મર્યાદિત ભૂમિકા’ની નોંધ હતી ખરી. પણ મામલો અહીં પૂરો ન થયો. સુપ્રીમે સી.બી.આઇ.ને આદેશ આપ્યો કે અમારી પરવાનગી વગર આ કૌભાંડની તપાસ બંધ કરવાની નથી.
આ તો સી.બી.આઇ.ના ગળામાં માછલીનો કાંટો ભરાઇ ગયા જેવો હાલ થયો. હવે કરવું શું? એકાદ મહિના બાદ સી.બી.આઇ. એ દેશના એટર્ની જનરલ અશોક દેસાઇનો કાનૂની અભિપ્રાય માગ્યો. અને પછી પી.વી. નરસિંહરાવ સામે ખટલો ચલાવવાની ભલામણ કરી!
એ જ વર્ષ એટલે કે 1996ના મેમાં કેન્દ્રમાં અટલબિહારી વાજપેયીની સરકાર આવી ચૂકી હતી. વી.પી. સિંહ હવે ભૂલાઇ ગયા હતા. કૉંગ્રેસ હજી રાજકીય તાકાત હતી. 1996ની 26મી સપ્ટેમ્બરે સી.બી.આઇ.એ દિલ્હીની શરૂ થતી ઠંડીમાં એકદમ ગરમાવો લાવી દીધો.
રાજકારણમાં બહુ ઓછી બાબત સ્થાયી કે કાયમી હોય છે. સ્વાર્થ, સત્તા અને ઉપયોગીપણા સામે બધું પાણી ભરે. સેંટ કિટ્સ કૌભાંડ ભારતભરના રાજકારણમાં એક નવો જ ધડાકો કરવાનું હતું. આની ધ્રૂજારી, સનસનાટી બનીને હેડલાઇન્સમાં ફેરવાઇ જવાની હતી, પણ અંતિમ પરિણામ શું આવવાનું હતું? (ક્રમશ:)