નિલેશ વાઘેલા
ભારતીય રૂપિયો પાછલા કેટલાંક સમયથી અમેરિકન ડોલર સામે ગબડતો રહ્યો છે અને તેને કારણે વ્યાપર તુલા પર નકારાત્મક અસર થવાથી માંડીને આયાત મોંઘી થવાની, વ્યાપાર ખાધ વધવાની અને એકંદરે અર્થતંત્રને ફટકો પડવાની સંભાવના સુધીની વાતો સંભળાઇ રહી છે.
જોકે, દરેક સિક્કાની જેમ, આ ચિત્રની પણ બીજી બાજુ છે. આપણે ભલે લાગે કે ડૉલર સામે ભારતીય ચલણ નબળું પડતું જાય છે અને એ કારણે જ રિઝર્વ બેન્કે આખરે મધ્યસ્થી કરવી પડી અને રૂપિયાને નેવુંની નીચે લઇ જવા જહેમત ઉઠાવવી પડી.
અમુક અર્થશાસ્ત્રી અનુસાર, રૂપિયો શાંતિથી કેટલાક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક હેતુઓ પાર પાડી રહ્યો છે. અન્ય દેશો સાથે ટ્રેડ સેટલમેન્ટ અને નાણાકીય સંબંધોમાં તેની ભૂમિકા ભારતને જોખમો ઘટાડવા, અનામતનું રક્ષણ કરવા અને ભાગીદાર દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરી રહી છે.
રૂપી સેટલમેન્ટ ભારતીય ચલણને મજબૂતી અપાવવામાં કેવી રીતે કાર્ય કરે છે તે જોઇએ. જુલાઈ 2022માં, ભારતીય રિઝર્વ બેંકે એક સિસ્ટમ રજૂ કરી, જેની અંતર્ગત વિદેશી બેંકોને વોસ્ટ્રો એકાઉન્ટ્સ દ્વારા ભારતમાં રૂપિયાનું બેલેન્સ રાખવાની મંજૂરી આપે છે. આ એકાઉન્ટ્સ વિદેશી બેંકોને ભારતીય નિકાસકારોને ચૂકવણી કરવા, સ્થાનિક પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા અથવા આયાતને સીધા ભારતીય રૂપિયામાં ફાઇનાન્સ કરવા દે છે.
શરૂઆતમાં, ફક્ત ત્રણ દેશોએ આ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. પરંતુ 2023ના અંતથી 2025ના મધ્ય સુધીમાં અન્ય દેશોની ભાગીદારી ઝડપથી વધી છે. હાલમાં, 22 દેશો આ માળખાનો ભાગ છે, જે ભારતીય ચલણની વિશ્વસનીયતાને મજબૂત બનાવે છે. અમેરિકાએ શરૂ કરેલા ટેરિફ વોરને કારણે વધુને વધુ દેશ ડૉલર સામે વિકલ્પ શોધી રહ્યા છે અને રૂપી ટ્રેડ અપનાવવાની દિશામાં સક્રિય વિચારણાં કરી રહ્યા છે.
ભારતીય રિઝર્વ બેંકે રૂપી સેટલમેન્ટને ભારતની વધતી જતી આર્થિક તાકાતમાં એક કુદરતી પગલું ગણાવ્યું છે. આરબીઆઇએ પોતાના 2023-24 વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં રૂપિયાનો વ્યાપક ઉપયોગ વિનિમય જોખમો ઘટાડશે અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવશે.
ભૂતપૂર્વ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે રૂપી સેટલમેન્ટને ભારત પરના અન્ય ટ્રેડિંગ નેશન્સના વિશ્વાસની ‘કુદરતી પ્રગતિ’ ગણાવી હતી. વિશ્લેષકોનું અવલોકન છે કે, સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ માટે નિયમો હળવા કરવાથી પ્રક્રિયા ઝડપી અને સસ્તી બની છે, બેંકો અને નિકાસકારોને તેનો અનુભવ કરવા પ્રેરાઇ રહ્યા છે.
રૂપી ટ્રેડ અપનાવી તેનો ઉપયોગ કરતા દેશોએ વર્ષ 2022માં ક્રૂડ ઓઇલ, સંરક્ષણ પુરવઠો અને ખાતર માટે ચૂકવણી કરવા માટે રૂપિયાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ વર્ષ 2023માં સંયુક્ત અરબ અમીરાત અને શ્રીલંકા તેમાં જોડાયા હતા.
રશિયાએ યુરોપિયન યુનિયન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને બાયપાસ કરવા માટે રૂપિયાના માધ્યમે ટ્રેડ પેમેન્ટ સેટલમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કર્યો, જ્યારે શ્રીલંકાએ તેના વિદેશી વિનિમય કટોકટી દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ અને બળતણ માટે ચૂકવણી કરવાનો માર્ગ આ માર્ગ અપનાવ્યો. સરવાળે વૈશ્વિક ફલક પર ભારતીય રૂપિયાનું મહત્ત્વ વધ્યું.
નોંધવું રહ્યું કે, યુએઇ, યુનાઇટેડ અરબ અમિરાત, ઓઇલ અને ઝવેરાતના વેપાર માટે રૂપી સેટલમેન્ટ કરનાર ઓપેક (ઓઇલ પ્રોડ્યુસર્સ એન્ડ એક્સપોર્ટર કન્ટ્રીઝ) સંગઠનનો પ્રથમ દેશ બન્યો હતો. મોરેશિયસ તો 2022થી સર્વિસિસ અને ઇન્વેસ્ટમેન્ટ માટે રૂપિયાનો ઉપયોગ કરી રહ્યું છે, જે ભારતને આફ્રિકાના ઓફશોર નાણાકીય નેટવર્ક્સ સાથે જોડે છે.
તાજેતરમાં જ, તાન્ઝાનિયા, કેન્યા અને બાંગ્લાદેશે કૃષિ વેપાર અને મશીનરીમાં રૂપિયાની સેટલમેન્ટ સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે. અલબત્ત, રૂપિયાનો વેપાર હજુ પણ ભારતના એકંદર વેપારના બે ટકા કરતા ઓછો છે, પરંતુ વિશ્ર્વના અલગ અલગ દેશોમાં તેનો વધી રહેલો પ્રસાર દર્શાવે છે કે ચલણનો ઉપયોગ વ્યવહારિક કારણોસર થઈ રહ્યો છે.
પૉલિસી જર્નલ્સમાં ટિપ્પણીકારોએ નિર્દેશ કર્યો છે કે આ સિસ્ટમ ડૉલરને બદલવા માટે નથી, પરંતુ સ્થિતિસ્થાપકતા પૂરી પાડવા માટે છે. આ સિસ્ટમ અમેરિકા જેવા દેશોના પ્રતિબંધો અથવા ડોલરની અછત દરમિયાન ઊભી થતી મુશ્કેલીમાં ભારતને સુરક્ષા કવચ પૂરું પાડે છે. આ ઉપરાંત અનામતનું રક્ષણ પણ કરે છે અને નાના અર્થતંત્રોને સ્થિર વિકલ્પ પણ આપે છે.
વાણિજ્ય મંત્રાલયે પુષ્ટિ આપી છે કે માળખાને વિસ્તૃત કરવા માટે આફ્રિકા અને ગલ્ફના દેશો સાથે ચર્ચા ચાલી રહી છે. ડૉલરના આંચકા સામે રક્ષણ સંદર્ભે નિષ્ણાતો માને છે કે ડોલરના વર્ચસ્વને ધ્યાનમાં રાખીને ભારત દેશના પોતાના ચુકવણી માર્ગો દ્વારા ડૉલરના દબાણથી પોતાને સુરક્ષિત કરી શકે છે, જેમાં લગભગ 47 ટકા ટ્રાન્ઝેકશન સેટલમેન્ટ થાય છે.
એવું જાણવા મળ્યું છે કે જ્યારે પણ અમેરિકા વ્યાજ દરોમાં વધારો કરે છે અથવા પ્રતિબંધો લાદે છે કે પછી બેંકિંગ ક્ષેત્રને લગતી મુશ્કેલીઓનો સામનો કરે છે, ત્યારે વિશ્ર્વના અન્ય દેશો પણ પીડાય છે. હવે, રૂપિયા દ્વારા પોતાના ચુકવણી માર્ગોમાં, ભારતે એક નાનો સલામતી વાલ્વ બનાવ્યો છે.
જ્યારે 2022માં પ્રતિબંધોએ રશિયાને માટે ડૉલર ચુકવણી અવરોધિત કરી, ત્યારે રૂપી સેટલમેન્ટના માધ્યમથી ઓઇલ અને સંરક્ષણ સોદા ચાલુ રાખી શકાયા. આ ડૉલરને પડકારવા માટે નહોતું પરંતુ જ્યારે વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા અણધારી બની ગઈ ત્યારે વેપારને સ્થિર રાખવા માટે હતું.
ફ્યુઅલ સિક્યુરિટી અને અનામત સંદર્ભે વાત કરતા અર્થશાસ્ત્રીએ જણાવ્યું કે, ભારતની ઇંધણ આયાત અર્થતંત્ર પર એક મોટો બોજ છે. ભારતની આયાતનો લગભગ એક ચતુર્થાંશ ભાગ ઊર્જા સંબંધિત છે અને નાણાકીય વર્ષ 2024માં ફક્ત ક્રૂડ ઓઇલનો ખર્ચ 180 અબજ રૂપિયાથી વધુ થયો હતો.
આના એક ભાગ માટે પણ રૂપિયામાં ચૂકવણી કરવાનો અર્થ એ છે કે સિસ્ટમમાંથી ઓછા ડૅાલર બહાર નીકળી જશે. ઓઇલ ચુકવણી માટે રૂપિયાનો ઉપયોગ કરવાથી ભારતને તેના વિદેશી અનામત પર દબાણ ઘટાડવામાં મદદ મળે છે, જે નાણાકીય વર્ષ 2025 સુધીમાં 650 અબજ ડૅાલરનું હોવાનો અંદાજ છે.
ભારતને આ રીતે રૂપી સેટલમેન્ટનો ઉપયોગ કરનારા દેશો સાથે લાંબા ગાળાના નાણાકીય જોડાણો બનાવવામાં મદદ મળે છે. ભવિષ્ય માટે યોજનાઓમાં, આગામી તબક્કામાં બ્રિક્સ સાથી દેશો અને અન્ય આફ્રિકન દેશો સાથે સેટલમેન્ટ થઇ શકે છે. એ બાબત પણ મહત્ત્વની છે કે, ડિજિટલ રૂપિયાનું હજુ પણ પરીક્ષણ ચાલી રહ્યું છે, પરંતુ તે એક દિવસ આ સિસ્ટમ સાથે જોડાઈ શકે છે, જે સરહદો પાર ચુકવણી ઝડપી અને સસ્તી બનાવશે.