Tue Jan 06 2026

Logo

White Logo

ફાઈનાન્સના ફંડા : પૈસા બમણાં કરવાનું ગણિત: રૂલ ઓફ 72 …અને તેનો વિપરીત નિયમ!

3 weeks ago
Author: Mumbaisamachar Team
Video

મિતાલી મહેતા

આજના સમયમાં પૈસા સંબંધિત શબ્દો રિટર્ન-ઈન્ટરેસ્ટ- ઈન્ફ્લેશન અવારનવાર સાંભળીએ છીએ. પરંતુ આ બધા શબ્દોની પાછળનું મૂળ સત્ય એક જ છે: સમય અને ચક્રવૃદ્ધિ.

આ સત્યને સમજવા માટે દુનિયાભરમાં એક સરળ પરંતુ શક્તિશાળી સૂત્ર જાણીતું છે રૂલ ઓફ 72.

આ રૂલ ઓફ 72 શું છે?
રૂલ ઓફ 72 એક સહેલો અંદાજ આપે છે:
72ને વાર્ષિક વ્યાજદરથી ભાગો, તો તમારા પૈસા બમણાં થવામાં કેટલા વર્ષ લાગશે તે ખબર પડે.

ઉદાહરણ તરીકે:
જો તમારું રોકાણ 8 ટકા વાર્ષિક વધે છે - 72 સ્ત્ર 8= 9 વર્ષ

  • 6 ટકા પર - 12 વર્ષ
  • 12 ટકા પર - 6 વર્ષ

આ નિયમ ગણિતની દૃષ્ટિએ સંપૂર્ણ ચોક્કસ નહીં હોય, પરંતુ વાસ્તવિક જીવન માટે એટલો અસરકારક છે કે વિશ્વભરમાં નાણાંકીય સલાહકારો તેનો વ્યાપક ઉપયોગ કરે છે.

ભારતીય રોકાણકાર માટે આ કેમ મહત્ત્વનું છે?

ભારતમાં ઘણા લોકો આજે પણ ફિક્સ્ડ ડિપોઝિટને સૌથી સલામત વિકલ્પ માને છે, પરંતુ જો ફિક્સ્ડ ડિપોઝિટ પર તમને 56 ટકા વ્યાજ મળે છે, તો રૂલ ઓફ 72 જણાવે છે કે તમારા પૈસા બમણાં થવામાં 12 થી 14 વર્ષ લાગી શકે.

હવે અહીં એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે મોંઘવારી.
જો મોંઘવારી દર વર્ષે 6 ટકા વધે છે, તો:
72 સ્ત્ર 6 = 12 વર્ષ

અર્થાત, જો તમારા પૈસા મોંઘવારી જેટલા દરે પણ નથી વધતા, તો તેની ખરીદ શક્તિ 12 વર્ષમાં અડધી થઈ જાય છે.
આથી, પૈસા ફક્ત સલામત રાખવું પૂરતું નથી તેને સમજદારીથી અને યોગ્ય સાધનો દ્વારા વધારવું જરૂરી છે.

હવે જાણીએ રૂલ ઓફ 72નો વિપરીત નિયમ

રૂલ ઓફ 72 નો એક ઓછો ચર્ચાતો, પરંતુ એટલો જ મહત્ત્વનો વિચાર છે વિપરીત નિયમ.
72ને વર્ષોથી ભાગો, તો તમને પૈસા બમણાં કરવા માટે કેટલો વાર્ષિક રિટર્ન જોઈએ તે ખબર પડે.
ઉદાહરણ તરીકે:

  • 10 વર્ષમાં પૈસા બમણા કરવા - 72 સ્ત્ર 10 = 7.2 ટકા
  • 8 વર્ષમાં -9 ટકા
  • 6 વર્ષમાં -12 ટકા

આ વિપરીત નિયમ રોકાણકારને વાસ્તવિકતા સાથે જોડે છે.
જો કોઈ કહે કે મારા પૈસા પાંચ વર્ષમાં બમણા થવા જોઈએ, તો આ નિયમ સ્પષ્ટ કરે છે કે તેને લગભગ 14-15 ટકા વાર્ષિક રિટર્ન જોઈએ જે સતત અને ઓછા જોખમ સાથે મળવું સરળ નથી.

દેવું પણ આ નિયમને અનુસરે છે

રૂલ ઓફ 72 ફક્ત રોકાણ માટે નથી દેવા માટે પણ એટલો જ લાગુ પડે છે. જો ક્રેડિટ કાર્ડ પર 24 ચકા વ્યાજ લાગે છે:

72 સ્ત્ર 24 = 3 વર્ષ
અર્થાત્, બાકી રકમ માત્ર ત્રણ વર્ષમાં બમણી થઈ શકે છે.
ચક્રવૃદ્ધિ હંમેશાં આપણા પક્ષમાં જ કામ કરે એવું નથી અયોગ્ય દેવામાં તે આપણા વિરુદ્ધ પણ ઝડપી ગતિએ કામ કરે છે.

એક માનસિક સાધન
રૂલ ઓફ 72 અને તેનો વિપરીત નિયમ કોઈ ગણિતીય સૂત્ર યાદ રાખવા માટે નથી તે વિચારવાની એક સરળ પદ્ધતિ છે.

તે આપણને મદદ કરે છે:

  • વિવિધ રોકાણ વિકલ્પોની ઝડપી તુલના કરવામાં
  • મોડું શરૂ કરવાની કિંમત સમજવામાં
  • મોંઘવારીની સાચી અસર ઓળખવામાં
  • વાસ્તવિક નાણાંકીય લક્ષ્યો નક્કી કરવામાં
  • જોખમ અને અપેક્ષા વચ્ચે સંતુલન રાખવામાં ટૂંકમાં:
    આજના જટિલ નાણાંકીય વિશ્વમાં દરેક જવાબ મોબાઇલ એપ કે કેલ્ક્યુલેટરમાં નથી… ક્યારેક એક જ આંકડો 72 આપણી નાણાંકીય દિશા બદલી શકે છે.
    સમય અને ચક્રવૃદ્ધિ ક્યારેય અટકતા નથી.
    પ્રશ્ન માત્ર એટલો છે શું તે તમારા માટે કામ કરી રહ્યા છે, કે ખુદ તમારી વિરુદ્ધ?