હેન્રી શાસ્ત્રી
ઈટલીના ગામમાં 30 વર્ષે બાળજન્મ
પૃથ્વી પર ઘણી અજાયબી આજની તારીખમાં પણ અસ્તિત્વ ધરાવે છે. યુરોપિયન દેશ ઈટલીના એબ્રુટસો વિસ્તારના જીરીફાલ્કો પર્વતના ઢોળાવ પર આવેલા પાલિયારો દી માર્સી નામના પ્રાચીન ગામની હેરત પમાડનારી એક વાત એ છે કે અહીં માનવ વસતિ કરતાં બિલાડીની સંખ્યા વધારે છે. અનેક દશકથી વસતિમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી ગામમાં મનુષ્યના અવાજ કરતાં મીની માસીનું મ્યાઉં મ્યાઉં વધુ સાંભળવા મળે છે.
તાજેતરમાં અહીં એક વિશિષ્ટ ઉજવણી જોવા મળી. 30 વર્ષમાં પહેલી વાર ગામમાં બાળકનો જન્મ થયો. એના આગમન સાથે ગામમાં મનુષ્ય વસ્તિ 20 પર પહોંચી ગઈ છે. ચર્ચમાં બાળક ના નામકરણના ધાર્મિક પ્રસંગે આખા ગામને (ટૂંકમાં વીસ જણને)આમંત્રણ તો આપવામાં આવ્યું હતું પણ પૂંછડી પટપટાવતી અનેક બિલાડીઓ પણ હરખ કરવા હાજર રહી હતી. ગામમાં નવજાત બાળકની એ હદે નવાઈ છે કે શિશુ ટુરિસ્ટ એટ્રેક્શન-સહેલાણીઓ માટે જોવાલાયક જણસ બની ગયું છે. નવ મહિનાની પુત્રી લારા આખા ઈટલીમાં ફેમસ થઈ ગઈ છે. રાજી થઈ સ્થાનિક શાસન તરફથી લારાને સ્પેશિયલ 1000 યુરોનું ‘બેબી બોનસ’ આપવામાં આવ્યું છે.
ઐસી ભી ક્યા જલ્દી હૈ!
ચટ મંગની, પટ બ્યાહ ભાવના સામે ચીનને કોઈ વાંધો નથી, પણ મંગની-બ્યાહ પછી ચટ સંતાન સામે સાડી સાત વાર વાંધો છે, તકલીફ છે. આશ્ચર્યની વાત તો એ છે કે વસ્તિ વધારાનો દર ઘટી રહ્યો હોવાની સમસ્યાથી ગ્રસ્ત ચીનના યુનાન પ્રાંતમાં તો લગ્ન પછી બહુ જલદી બાળક ન અવતરવું જોઈએ એવી મતલબનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. લગ્ન, લિવ- ઈન રિલેશનશિપ અને પ્રેગ્નન્સી પર દંડ ફટકારવા જેવા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા એક અજબ ગજબના નિયમને કારણે બબાલ થઈ છે.
‘સાઉથ મોર્નિંગ ચાઈના પોસ્ટ’ અખબારમાં પ્રગટ થયેલા અહેવાલ અનુસાર જો કોઈ યુનાન પ્રાંતની બહારની વ્યક્તિ સાથે લગ્ન કરે તો એને 1500 યુઆન (આશરે 19 હજાર રૂપિયા) દંડ ભરવો પડશે અને જો કોઈ મહિલા લગ્ન કર્યા પહેલા ગર્ભવતી બને તો તેને ત્રણ હજાર યુઆન (આશરે 38 હજાર રૂપિયા) દંડ ફટકારવામાં આવશે. લગ્ન વગર સાથે રહેતા યુગલ પાસેથી દર વર્ષે 500 યુઆન (આશરે 6300 રૂપિયા) વસૂલવામાં આવશે. પિક્ચર અભી બાકી હૈ…
લગ્ન કર્યાના દસ મહિના પહેલા જો સંતાનનો જન્મ થાય તો માતા-પિતાએ 3 હજાર યુઆન (આશરે 38 હજાર રૂપિયા) દંડ ભરવો પડશે. કોઈ દંપતી વચ્ચે થયેલી તકરારનો નિવેડો લાવવા ગામના અધિકારીઓને બોલાવવામાં આવે તો બંને પક્ષ તરફથી 500-500 યુઆન જમા કરાવવાના રહેશે.
તેરા મેરા સાથ રહે, પણ ક્યાં સુધી?
ડિવોર્સ માટે, પ્રોપર્ટી માટે કે એવા અન્ય કોઈ કારણસર પતિ - પત્ની એકબીજાને અદાલતમાં ઘસડી જાય એની નવાઈ આજના સમયમાં ન લાગવી જોઈએ. જોકે, દક્ષિણ કોરિયાના એક હસબન્ડ વાઈફ વિરુદ્ધ કોર્ટમાં ગયા છે એનું કારણ જાણ્યા પછી તમારી હથેળી લમણે હળવી ટપલી મારી બેસશે તો કોઈને નવાઈ નહીં લાગે.
વાત જ એવી છે. દક્ષિણ કોરિયાની રાજધાની સોલમાં શાંતિપૂર્વક સ્નેહજીવન જીવી રહેલા યુગલના જીવનમાં અચાનક ભૂકંપ આવ્યો. પતિને માંદગી આવી અને એ પણ જીવલેણ ગણાતી લિવર સિરોસિસની બીમારી. ડોકટરે તો કહી દીધું કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવો અન્યથા ભાઈ તો વરસ દાડાના મહેમાન છે. સદનસીબે પતિના પેરેન્ટ્સ આર્થિક અને ભાવનાત્મક રીતે પણ ખમતીધર હોવાથી દીકરાની સારવાર માટે સમય અને સંપત્તિ ખર્ચવામાં પાછું વાળીને જોયું નહીં સાત જનમ સાથ નિભાવવાનો વાયદો કે પછી ‘તેરા મેરા સાથ રહે, ધૂપ હો છાંવ હો, દિન હો કે રાત રહે….’, ગણગણવાનો આનંદ, એ મુગ્ધતાને હકીકતથી છેટું હોય છે એ આજની વાસ્તવિકતા છે. પત્ની પણ દિવસ- રાતનો વિચાર કર્યા વિના પતિની પડખે ઊભી સાંત્વના આપતી રહી. જોકે, અંગદાતા (લિવર ડોનર) મળતો નહીં હોવાથી અંતિમ સમય નજીક આવી રહ્યો હતો.
‘કાખમાં છોકરું ને ગામમાં ધમાધમ’ની જેમ અચાનક ખબર પડી કે દર્દીની પત્નીનું લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે પરફેક્ટ છે. આ હરખ ઝાઝો ટક્યો નહીં, કારણ કે પત્નીએ સાફ સાફ કહી દીધું કે ‘મને ઈન્જેક્શનની સોય અને અણીદાર સાધનોની બહુ બીક લાગે છે એટલે લિવરનો હિસ્સો ડોનેટ કરવા હું સર્જરી નહીં કરાવી શકું.’
પતિનું આયુષ્ય બળવાન હોવાથી એક બ્રેન ડેડ ડોનરના લીવર ટ્રાન્સપ્લાન્ટથી જીવન સામાન્ય તો થઈ ગયું. સાજા નરવા થઈ ગયા પછી પતિને પત્નીના અણીદાર સાધન માટેની બીકનો ઈતિહાસ જાણવાની ચટપટી થઈ. ખણખોદ કરતા જાણવા મળ્યું કે ભૂતકાળમાં પત્નીએ નાની સર્જરી કોઈ પણ સમસ્યા વિના કરાવી હતી.
પુરાવા સાથે ઉધડો લેતાં ખબર પડી કે સર્જરીમાં કંઈ ઊંધું ચત્તું થયું તો બાળકો મા વિનાના થઈ જશે એવા કલ્પિત ભયને કારણે પત્નીએ ફોબિયાની વાત ઉપજાવી કાઢી હતી. અલબત્ત ખુલાસો પતિના ગળે ન ઊતર્યો અને બદઇરાદાથી સાથ છોડવા બદલ અને પત્ની ધર્મની અવગણના કરવા બદલ કેસ ઠોકી દીધો.
અદાલતે પત્નીની તરફેણ કરી અંગદાન ઈચ્છાથી કરવાનું હોય એ ફરજિયાત ન હોઈ શકે એવો ચુકાદો આપ્યો. જોકે, અંતે પતિ-પત્ની છૂટાછેડા માટે સહમત થયા પણ બંને બાળકો પત્ની પાસે રહેશે અને ભૂતપૂર્વ પતિની સારવાર માટે પત્નીએ બનતી આર્થિક મદદ કરવાની રહેશે.
દાંત ખોતરવાની સળીનો આયફેલ ટાવર, અમેરિકામાં!
બાળપણમાં ભોળપણ હોય તો કિશોરાવસ્થામાં કમાલ કરવાની વૃત્તિનો સળવળાટ શરૂ થાય. યુએસના ઈલિયોનેસ રાજ્યના એરિક નામના 16 વર્ષના કિશોરે ફ્રાન્સના વિશ્વ વિખ્યાત સ્મારક આયફેલ ટાવરની પ્રતિકૃતિ બનાવી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અસલી ટાવરની જેમ પ્રતિકૃતિ કોઈ એન્જિનિયરીંગ કૌશલ નથી, પણ દાંત ખોતરવાની સળી (ટૂથપિક)ના બાંધકામની કમાલ છે. બાળપણમાં જ સિવિલ એન્જિનિયર પિતાએ બિલ્ડિંગ બાંધકામનો ચસ્કો લગાડ્યો હોવાથી એરિકમાં આ શોખ ઉછર્યો છે.
સત્તાવાર માહિતી અનુસાર કિશોરએ 17.32 ફૂટ ઊંચા આયફેલ ટાવરનું બાંધકામ કર્યું છે. 12 વર્ષની ઉંમરે એરિકે પોપસિકલ સ્ટિક (આઈસ લોલી સાથેની લાકડાની સળી)ની મદદથી 20 ફૂટ ઊંચો ટાવર બાંધી ગિનેસ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. ટૂથપિક સરખામણીમાં નાની અને ઝીણી હોવાથી આયફેલ ટાવર બાંધવામાં વધુ તકેદારી રાખવી પડી એવી સ્પષ્ટતા કરનાર એરિકની આંખો હવે વધુ વર્લ્ડ રેકોર્ડ માટે નવા સ્મારકની તલાશમાં છે.
લ્યો કરો વાત!
દૂર દૂર એટલે કેટલું દૂર? એની કોઈ વ્યાખ્યા ખરી? ભૂગોળ એમાં મદદ જરૂર કરી શકે. સાઉથ એટલાન્ટિક ઓશનમાં સ્થિત 49 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા બુવેટ આઈલેન્ડ પર જો તમે પહોંચી ગયા તો નજીકના સ્થળથી પણ તમે ખાસ્સા દૂર છો. ચારે તરફ ઘૂઘવતો સમુદ્ર જ નજરે પડે અને દક્ષિણ દિશામાં 1700 કિલો મીટર અંતર કાપ્યા પછી એન્ટાર્કટિકા કોસ્ટ પહોંચાય જ્યાં કોઈ મનુષ્યનો કાયમી વસવાટ નથી.
પશ્ચિમ દિશામાં 1900 કિલોમીટર અંતર કાપી સાઉથ સેન્ડવીચ આઈલેન્ડ પહોંચાય અને આ ટાપુ પર તો માનવ વસતિ શૂન્ય છે. ઉત્તરમાં 1600 કિલોમીટર મુસાફરી કર્યા બાદ ગોફ આઈલેન્ડ પહોંચાય જ્યાં એક વેધશાળા છે જેમાં છ લોકો કામ કરે છે. બુવેટ આઈલેન્ડથી સૌથી નજીકની દુકાન ફક્ત 2250 કિલોમીટર દૂર ટિસ્ટિન દા કુનયા ટાપુ પર છે.
અહીં આપણને બધાને કિશોર કુમાર યાદ આવી જાય:
‘તેરી દુનિયા સે હો કે મજબૂર ચલા, મૈં બહોત દૂર, બહોત દૂર, બહોત દૂર ચલા…’