સંજય છેલ
હોલીવૂડની એક ફિલ્મના સેટ પર સાન્ટાક્લોઝ બનેલા અભિનેતાને એક બાળકે પૂછયું, તમે સાન્ટાક્લોઝ છો કે સાન્ટાના વેશમાં આતંકવાદી? સંભળીને સૌ ચોંકી ગયા પણ હકીકતમાં એ બાળ કલાકારની સ્કૂલમાં અઠવાડિયા પહેલાં સાન્ટાકલોઝના પોશાકમાં આતંકવાદીઓ આવેલા અને અંધાધૂંધ ગોળીબાર કરેલો, એટલે એ ડરેલો હતો!
પછી પેલા બાળ કલાકારને સમજાવ્યું કે આ તો કલાકાર છે. તો બાળકે પૂછ્યું, ‘ઓકે.. તો તમે આતંકવાદી તો નથી પણ સાચે સાન્ટાક્લોઝ પણ તો નથીને?’ ત્યારે સાન્ટા બનેલા એક્ટરે હસીને કહ્યું, ‘બેટા, કેમેરા ચાલુ થાય ત્યારે હું સાચો બની જાઉં છું!’ હોલિવૂડ સિનેમામાં ક્રિસ્મસનું પણ આવું જ છે. કેમેરા ચાલુ થાય એટલે સાન્ટા સાચો લાગે, બરફ સાચો લાગે અને જિંગલ બેલ દિલ સુધી પહોંચી જાય. જગતભરમાં ક્રિસ્મસનો સમય ઉત્સાહ, આનંદ અને ફેમિલી ફીલિંગ લઇ આવે.
હોલિવૂડના ઈતિહાસમાં સાન્ટાક્લોઝ ને ફિલ્મોનું કનેક્શન બહુ જૂનું છે. 1898માં ‘સાન્ટાક્લોઝ’ નામની ટૂંકી ને મૂંગી ફિલ્મમાં પહેલી વખત સાન્ટાને સ્ક્રીન પર દેખાડવામાં આવ્યો હતો. ત્યારબાદ અંદાજે 100થી વધુ ફિલ્મો સાન્ટાક્લોઝ વિશે બની ચૂકી છે. સાન્ટા સાથે ‘જિંગલ બેલ્સ’ના ગીતને જોડવામાં સિનેમાઓનો મોટો ફાળો છે. ‘જિંગલ બેલ્સ’ 1857માં લખાયું ત્યારે શરૂઆતમાં એ ક્રિસ્મસ ગીત નહોતું. પણ જ્યારે બોલતી ફિલ્મોનો યુગ આવ્યો, ત્યારે હોલિવૂડની ફિલ્મોમાં આ ગીત ક્રિસ્મસનું પર્યાય બની ગયું.
હા, માન્યું કે હોલિવૂડમાં ક્રિસ્મસ ફિલ્મોમાં હંમેશાં એક જ ફોર્મ્યુલા હોય છે. એક દુ:ખી વ્યક્તિને સાન્ટા ક્લોઝ આવીને મદદ કરે છે ને હેપ્પી એન્ડિંગ થાય. આવી ફિલ્મોમાં હંમેશાં સાન્ટાક્લોઝ ની સ્લેજ એટલે કે હરણવાળી ગાડી હોય છે, જે ઉડીને ગિફ્ટ્સ પહોંચાડે છે. પણ આવી સાદી સરળ ફિલ્મો બનાવવા માટે કેટલી મહેનત લાગે છે! ‘હોમ અલોન’ ફિલ્મમાં જે ચોર બન્યા છે એ બે હીરો એમનો અનુભવ યાદ કરે છે કે શૂટિંગ દરમિયાન સેટ પર બાળકો એમને જોઈને ડરી જતા. એટલે શૂટિંગ પૂરું થાય પછી એમણે બાળકોને હસાવવા ખાસ પ્રયત્ન કરવો પડતો. એમની એક્ટિંગ એટલી જોરદાર હતી કે રિયલ લાઈફમાં પણ સાન્ટા જેવી જવાબદારી આવી ગઈ.
ક્રિસ્મસ સિનેમાની મજા એ છે આપણી મસાલા ફિલ્મની જેમ એની વાર્તા બદલાતી નથી. સાન્ટા આવે, ઘંટડીઓ વાગે, કોઈ જીવન પરથી વિશ્વાસ ગુમાવે અને કોઈ ફરી વિશ્વાસ મેળવે. હોલિવૂડને ખબર છે કે આ વાર્તાઓમાં નવી નવાઈ નથી, પણ આજના નિરાશામય સમયમાં સૌને સાન્ટાની જરૂર છે. બરફ ખોટો હોઈ શકે, ગીત જૂનું હોઈ શકે, સ્ટોરી જાણીતી હોઈ શકે પણ આશા-ઉમ્મીદની લાગણી હંમેશાં એની એ જ રહે છે.
હોલિવૂડનાં પ્રખ્યાત ડાયરેક્ટર ફ્રેન્ક કાપ્રાની ‘ઇટ્સ અ વંડરફૂલ લાઇફ’ (1946) સદાબહાર ક્લાસિક ફિલ્મમાંની એક છે. જેમાં જ્યોર્જ બેઈલી (જેમ્સ સ્ટુઆર્ટ)ને લાગે છે કે તેનું જીવન બરબાદ છે, બધું વ્યર્થ લાગે છે, આપઘાતના વિચારો આવે છે, પણ એક એવામાં એક એન્જલ બકે દેવદૂત આવીને જેમ્સને સમજાવે છે, દેખાડે છે કે એના વગર જગત કેવું હોત. અને જેમ્સના જીવનમાં ક્રિસ્મસમાં એક મિરેકલ થાય છે! શરૂઆતમાં આ ફિલ્મ બહુ ચાલી નહોતી. વર્ષો પછી જ્યારે ટીવી પર દર ક્રિસ્મસે ફરી ફરી બતાવવામાં આવી, ત્યારે લોકો એને દિલથી અપનાવવા લાગ્યા. આજે આ ક્લાસિક ફિલ્મ વિના ક્રિસ્મસના દિવસો અધૂરા લાગે છે.
‘હોમ અલોન’ (1990): ફિલ્મમાં કેવિન નામનો નાનો છોકરો એના ફેમિલી સાથે ક્રિસ્મસની રજામાં ફરવા જવાનો હોય છે પણ એના ફેમિલીવાળા જતાં રહે છે ને એ કેવિન ઘરમાં એકલો રહી જાય છે. ચોરોને સાંપડામાં ફસાવે છે. એ ફિલ્મ સાન્ટા વિશે નથી, પણ ક્રિસ્મસની હોલીડે મસ્તી છે.
‘એલ્ફ’(2003): અમેરિકન ક્રિસ્મસ કોમેડી ફિલ્મ છે. એમાં વિલ ફેરેલ નામનો અભિનેતા એક અનાથ માણસ ‘ધ એલ્ફ’ એન્ટાર્કટિકાના પર્વત પર ઉછર્યો છે. એ એના સગા બાપને મળવા માગે છે ને જેમાં સાન્ટાક્લોઝ મદદ કરે છે.
‘મિરેકલ ઓન 34વિં સ્ટ્રીટ’: ફિલ્મમાં સાન્ટાના અસ્તિત્વ પર સવાલ ઊભો થાય છે કે, સાન્ટા સાચો છે કે નહીં? ત્યારે સાન્ટા કોર્ટમાં પોતાનું અસ્તિત્વ સાબિત કરે છે. આ વિચાર એટલો લોકપ્રિય થયો કે પછીની અનેક ફિલ્મોએ આ જ વાર્તા પર અનેક ફિલ્મો બનાવી રાખી.
‘ધ પોલાર એક્સપ્રેસ’ (2004): આ અદ્ભુત એનિમેટેડ ફિલ્મમાં એક છોકરો ટ્રેનમાં સાન્ટા પાસે જાય છે. ટોમ હેંન્કસે એમાં 5-5 રોલ્સ કર્યા છે!
‘લવ ઍકચ્યુલી’ (2003): આ બ્રિટિશ ફિલ્મમાં અનેક લવ સ્ટોરીઝ છે જે ક્રિસ્મસ દરમિયાન થાય છે. આ ફિલ્મમાં હ્યુ ગ્રાન્ટ, એમ્મા થોમ્પ્સન જેવા સ્ટાર્સ છે. ફિલ્મના એક સીનમાં બિલ નાઈગ્લીએ ન્યુડ ડાન્સ કરવો પડ્યો, અને તેને ખૂબ શરમ આવી હતી! આ ફિલ્મમાં ક્રિસ્મસની પાર્ટીઝ, પ્રેમ અને કોમેડી છે.
‘અ ક્રિસમસ કેરોલ’ (1951): એક બ્રિટિશ નાટકના રૂપાંતરમાં બીકણ પાત્ર એબનેઝર સ્ક્રૂજ (અલાસ્ટેર સિમ)ને એક ભૂત મળે છે ને તેને ક્રિસ્મસનું મહત્ત્વ સમજવો છે. ક્રિસ્મસ પર બનેલી આ ફિલ્મમાં એક સંદેશ છુપાયેલો છે- ‘કાયરને પણ બદલી શકાય.’
જોયેક્સ નોએલહ (2005): આ ફ્રેન્ચ-જર્મન-બ્રિટિશ ફિલ્મ છે. વર્લ્ડ વોર 1માં ક્રિસ્મસ ટ્રુસ (યુદ્ધ વિરામ) વિશે છે. સૌ સૈનિકો ભેગા થઈને ક્રિસ્મસ મનાવે છે. વાર્તાની પૃષ્ઠભૂમિમાં યુદ્ધની સત્ય ઘટના છે અને એ ફિલ્મમાં કલાકારો માટે ખરેખરા સૈનિકોનાં મેલાઘેલા લોહીના ડાઘાંવાળા કપડા અપાયેલા. આમાં ક્રિસ્મસ દ્વારા વિશ્વશાંતિ અને માનવતાની વાત છે. અને હા, ફિલ્મમાં યુદ્ધના વાતાવરણમાં પણ દુશ્મનો સાથૈ ક્રિસ્મસની ગિફ્ટ્સ વહેંચાય છે!
ક્લોસ (2019): આ સ્પેનિશ એનિમેટેડ/કાર્ટૂન ફિલ્મમાં એક પોસ્ટમેન ને રમકડાં બનાવનાર કલાકાર સાન્ટાની મૌલિક વાર્તા છે. આ ફિલ્મને ઓસ્કર નોમિનેશન મળ્યું હતું. એ ફિલ્મમાં સાન્ટાની સ્લેજગાડી ને ગિફ્ટ્સની મજા તો છે જ, પણ બાળકો ને મોટેરાંઓ માટે હૃદયસ્પર્શી વાર્તા પણ છે.
હોલિવૂડની ક્રિસ્મસ ફિલ્મો માત્ર મનોરંજન નથી, પણ તેમાં પરિવાર છે, જીવવાની આશા છે અને થોડો જાદુ કે ચમત્કાર પણ છે. એટલે જ સાચો સાન્ટા મજાકમાં કહે છે કે આમ તો હું વર્ષમાં એક જ દિવસ કામ કરું છું, પણ હોલિવૂડના ડિરેક્ટર્સ મને બારેમાસ કામ કરાવે છે!
સૌને મેરી ક્રિસ્મસ!