સિદ્ધાર્થ છાયા
‘ધુરંધરે’ આપ્યાં બે ધક્કા
અધધધ સફળતાનાં આફ્ટરશોક્સ જબરા આવતા હોય છે. એ સફળતા મેળવનારની સાથે સંકળાયેલા લોકોનું જીવન કદાચ ઝેર બનાવી દેતી હોય છે. ‘ધુરંધર’ ફિલ્મ એક મહિનાની અંદર જ 1 હજાર કરોડના કલેક્શનને સ્પર્શી ગયું છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ કલેક્શન ઓર્ગેનિક એટલેકે સ્વયંભુ છે.
સ્વયંભુ કલેક્શનનો અર્થ એવો કે અહીં બ્લોક બુકિંગ કે કોર્પોરેટ બુકિંગ નથી થયું. લોકો મોટી સંખ્યામાં સામે ચાલીને ફિલ્મનાં ચોથાં અઠવાડીયે પણ જઈ રહ્યાં છે. હવે આવી અદ્ભુત સફળતા અને એ પણ ઓર્ગેનિક મળે એટલે ટીમનાં બે સભ્યોને એને એનકેશ કરવાનું મન થઇ ગયું. આ બે સભ્યો એટલે રણવીર સિંહ અને અક્ષય (કે સ્પેલિંગ પ્રમાણે અક્ષયે?) ખન્ના.
આ ફિલ્મમાં જો સહુથી કોઈનાં વખાણ થયાં છે તો એ આ બંનેના જ થયાં છે. હવે ‘ધુરંધર સફળતા’ મળ્યા બાદ એવું જાણવા મળ્યું છે કે રણવીરે ‘ડોન 3’ અને અક્ષય ખન્નાએ ‘દૃશ્યમ 3’ છોડી દીધી છે. રણવીર સિંહનાં નિર્ણય પાછળ કારણ એવું કહેવામાં આવે છે કે હવે તે પોતાને ‘એક-બે લેવલ અપ’નો સ્ટાર માનવા લાગ્યો છે (સલમાન, શાહરૂખ લેવલ યુ સી?) આથી, એનાં માટે કદાચ ‘ડોન’નું લેવલ હવે નીચું ગણાય એવું એ માને છે અને એટલે એણે ફિલ્મ છોડી દીધી છે.
જ્યારે અક્ષય ખન્નાએ ‘ધુરંધર’માં પોતાની એક્ટિંગનાં મોંફાટ વખાણ થયાં અને એનો જાણે કે ઇન્ડસ્ટ્રીમાં પુનર્જન્મ થયો હોય એનો ભરપૂર લાભ લેવાનો પ્રયાસ કર્યો છે. પોતાની આ તાજી ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ અક્ષયે ‘દૃશ્યમ 3’ માટે અગાઉથી નક્કી કરેલી ફી કરતાં અચાનક વધુ ફી માગી લીધી. સ્વાભાવિક છે કે ફિલ્મનાં મેકર્સને એ યોગ્ય નહીં લાગી હોય એટલે એમણે અક્ષયને મનાઈ કરી દીધી હશે. આ કારણસર અક્ષયે ફિલ્મ છોડવાનો નિર્ણય કરી લીધો છે.
આ બધું સાંભળીને સલીમ ખાનની એ વાત યાદ આવી ગઈ, શોલેની સફળતા પછી અમારાં બધાનાં મગજ ફરી ગયાં હતાં!
‘હોમબાઉન્ડ’ હવે ‘કોર્ટબાઉન્ડ’?
એક વાત સમજાતી નથી. કોઈ ફિલ્મ રિલીઝ થવાની હોય એનાં એકાદ-બે દિવસ અગાઉ, કે પછી એ સફળ થાય પછી જ અમુક લોકોને અચાનક કેમ યાદ આવે છે કે અલ્યા! આ તો મારી વાર્તા પરથી ફિલ્મ બની છે? લોકોની આવી નબળી યાદગીરીનો તાજો ભોગ બની છે ઓસ્કર્સમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી ‘હોમબાઉન્ડ’. કોવિડનાં સમયમાં લોકોના એક જગ્યાએથી બીજી જગ્યાએ થયેલાં પલાયન વિષે આ ફિલ્મ વાત કરે છે.
ફિલ્મની ઓરિજિનલ રિલીઝનાં લગભગ ત્રણ-ચાર મહિનાથી બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ અચાનક પૂજા ચાંગોઈવાલા નામનાં એક બહેનને યાદ આવ્યું કે આ ફિલ્મ તો એમની નોવેલ પરથી બની છે! તેમણે આ અંગે 15 ઓક્ટોબરે ધર્મા પ્રોડક્શન્સ અને નેટફ્લિક્સને નોટીસ મોકલી છે. પૂજાબહેનનું કહેવું છે કે એમની આ જ નામની નોવેલ જે 2021માં પ્રકાશિત થઇ હતી, એનાં પર આ ફિલ્મ આધારિત છે.
પૂજાબહેન એવો દાવો કરે છે કે ફિલ્મનો સેકન્ડ હાફ ફક્ત એમની નોવેલના વર્ણન સાથે મેચ થાય છે, બલ્કે ફિલ્મનાં મેકર્સે અમુક એવા ફેરફાર કર્યાં છે જેણે, ફિલ્મનો આત્મા મારી નાખ્યો છે. જોકે, પૂજાબહેને એમ જરૂર કહ્યું છે કે તેઓ બહુ પ્રભાવશાળી વ્યક્તિઓ સામે લડત ઉઠાવી છે એની તેમને ખબર છે, પરંતુ પૂજાબહેને એમ નથી કહ્યું કે એમને કેસ કરતાં આટલી બધી વાર કેમ લાગી?
11,500 ફીટ પર મનોરંજન
જે કાશ્મીરમાં ગણ્યાગાંઠ્યા થિયેટર્સ એક સમયે સળગાવી મૂકવામાં આવ્યાં હતાં, એ જ કાશ્મીરમાં હવે ‘મૌસમ બદલ રહા હૈ!’ હવે અહીં એક નહીં પરંતુ બે-બે મલ્ટિપ્લેક્સ ધમધમી રહ્યાં છે. કલમ 370ના હટી ગયાં બાદ જમ્મુ અને કાશ્મીર તેમજ લડાખનાં લોકોનાં જીવનમાં આમૂલ પરિવર્તનો આવ્યાં છે અને સિનેમા તેમાંથી એક છે.
એકાદ વર્ષ પહેલાં શ્રીનગરમાં મલ્ટિપ્લેક્સ ખુલ્યું હતું અને હવે લડાખના લેહમાં પણ પીવીઆર દ્વારા બે સ્ક્રિનનું મલ્ટિપ્લેક્સ ખુલ્યું છે. લેહના સાબૂ વિસ્તારની સોલર કોલોનીમાં અને લેહ-મનાલી હાઈવે પર આ મલ્ટિપ્લેક્સ શરૂ થયું છે જે સમુદ્રના તળથી 11,500 ફીટ ઉપર છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ મલ્ટિપ્લેક્સ પોતાની રીતે અનોખું એટલા માટે છે કારણકે એ લડાખમાં ખુલેલું પ્રથમ મલ્ટિપ્લેક્સ છે.
હાલમાં જ શરૂ થયેલાં આ મલ્ટિપ્લેક્સનું ડેબ્યુ ‘ધુરંધર’ અને ‘એવેટાર’ (‘અવતાર’ હવે સમજી જાવ ને!) એ બે ફિલ્મોએ કર્યું હતું. આ શુભ પ્રસંગે રિસાયેલા ફુવાની જેમ એક ખણખોદ કરવાનું મન થાય છે. આપણે ત્યાં મલ્ટિપ્લેક્સ મોંઘા પોપકોર્ન અને કોલા વેંચે છે. તો લેહ જેવા ઠંડાબોળ શહેરમાં મોંઘા પોપકોર્ન સાથે મોંઘી ચા કે પછી કહાવો વેંચાશે કે શું?
કટ એન્ડ ઓકે..
ડાયરેક્ટર બોબી કોલ્લીનાં ડાયરેકશનમાં બનનારી તેલુગુ ફિલ્મ ‘વોલ્ટેર વિરય્યા’માં દક્ષિણ ભારતના બે મેગાસ્ટાર ચિરંજીવી અને મોહનલાલ પહેલીવાર એક સાથે સ્ક્રિન શેર કરતાં જોવા મળશે!