હેમા શાસ્ત્રી
ચુકાદો આવી ગયો છે. આદિત્ય ધર દિગ્દર્શિત રણવીર સિંહની ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂંઆધાર સાબિત થઈ છે. આ લખાય છે ત્યાં સુધીમાં સ્વદેશમાં ફિલ્મનો વકરો (બોક્સ ઓફિસ કલેક્શન) 619 કરોડને આંબી ગયો છે. આ સાથે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છત્રપતિ શિવાજી મહારાજના જયજયકાર સાથે 615 કરોડના વકરા સાથે નંબર વન પર રહેલી લક્ષ્મણ ઉતેકર દિગ્દર્શિત અને વિકી કૌશલના લીડ રોલવાળી ‘છાવા’ને બીજા નંબરે ધકેલી દીધી છે.
કલેક્શનની દ્રષ્ટિએ 2025ની સૌથી સફળ 10 ફિલ્મની યાદી પર નજર નાખતા એક વાત ઊડીને આંખે વળગે છે કે આજના દર્શકને ફિલ્મની શૈલી (રોમેન્ટિક, ઐતિહાસિક, બાયોપિક વગેરે) કરતા એ ફિલ્મમાં રહેલી ઈન્ટેન્સિટી (આવેગ, ઉત્કટતા) વધારે પ્રભાવિત કરે છે. ફિલ્મ હાયપર હોય તો ગમી જાય છે. જરા વધુ ખણખોદ કરતા ખ્યાલ આવે છે કે આ બદલાવ છેલ્લા દસકામાં જોવા મળ્યો છે અને છેલ્લા પાંચ વર્ષમાં એમાં ગતિ આવી છે.
એકવીસમી સદીના પહેલા દાયકા (2000થી 2009) પર નજર નાખો. ‘મોહબ્બતેં’, ‘કભી ખુશી કભી ગમ’, ‘દેવદાસ’, ‘વીર ઝારા’ જેવી પૂર્ણપણે રોમેન્ટિક ફિલ્મો અને ‘કલ હો ના હો’,‘નો એન્ટ્રી’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘થ્રી ઈડિયટ્સ’ તેમ જ ‘ધૂમ 2’ અને ‘ગજની’ અલગ અલગ વર્ષની ટોપ ફિલ્મ હતી. 10માંથી 8 ફિલ્મ સોફ્ટ હતી, મતલબ કે એના વિષયમાં અને એની રજૂઆતમાં હળવાશ હતી, નરમાશ હતી. હા, ‘ધૂમ 2’ અને ‘ગજની’ એક્શન ફિલ્મો હતી, પણ એમાં આવેશ - ઉત્ક્ટતા કે હિંસાના છલોછલ ડોઝ નહોતા.
હવે જોઈએ 2010થી 2019નો બીજો દાયકો. દરેક વર્ષની સૌથી વધુ વકરો કરનારી ફિલ્મોની યાદીમાં સમ ખાવા પૂરતી એક સુધ્ધાં લવસ્ટોરીની હાજરી નથી. એવું નહોતું કે એવી ફિલ્મ બનવાનું બંધ થયું હતું. ‘અંજાના અંજાની’, ‘રોકસ્ટાર’, ‘બરફી’, ‘યે જવાની હૈ દીવાની’, ‘ટુ સ્ટેટ્સ’ ઈત્યાદિ ફિલ્મો બનતી હતી પણ કમાણી કરવામાં એ પાછળ રહેતી હતી. એટલું જ નહીં એ પ્રકારની ફિલ્મોના નિર્માણમાં ઓટ આવી હોવાનું જોવા મળ્યું હતું.
ત્રીજા દાયકાના પહેલા પાંચ વર્ષનો હિસાબ કિતાબ શું છે? 2020ની નંબર વન ફિલ્મ ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ ત્યારબાદ ‘સૂર્યવંશી’ (2021), ‘બ્રહ્માસ્ત્ર-પાર્ટ વન’ (2022), ‘જવાન’ (2023), ‘સ્ત્રી 2’ (2024) અને ‘ધુરંધર’ (2025) યાદીમાં જોવા મળે છે. એક પણ રોમેન્ટિક કે કોમેડી ફિલ્મ નહીં. જોકે, આ પાંચેય ફિલ્મને એકસૂત્રે બાંધતો તાંતણો એ છે કે આ પાંચેપાંચ ફિલ્મ ઈન્ટેન્સ છે.
એમાં જે કહેવામાં આવ્યું છે, જે રજૂઆત કરવામાં આવી છે એમાં એગ્રેશન છે, આવેશ છે, ઉત્કટતા છે. ફિલ્મ ઐતિહાસિક હોય, ફેન્ટસી હોય, એક્શન હોય, હોરર કોમેડી હોય કે થ્રિલર હોય, દર્શકને ફિલ્મની શૈલી કરતા એમાં રહેલો આવેશ આકર્ષી ગયો હોય એવું માનવાનું મન થાય છે. આ પાંચ વર્ષમાં હોરર કોમેડી ફિલ્મો (‘સ્ત્રી’, ‘સ્ત્રી-2’, ‘ભૂલભૂલૈયા-2’ વગેરે) ગાજી એમાં પણ ઉત્કટતાનું રસાયણ હતું જ.
2025નું કેલેન્ડર પણ એના તરફ જ આંગળી ચીંધે છે. વર્ષની સુપરડુપર હિટ ફિલ્મ કેટલી અને કઈ? ફિલ્મ ટ્રેડની વ્યાખ્યા અનુસાર જે ફિલ્મનો વકરો 100 કરોડને પાર કરી ગયો હોય અને વળતરની ટકાવારી 200 ટકા કે એથી વધુ હોય એ ફિલ્મ સુપરડુપર હિટ ગણાય. આ વર્ષે એવી ત્રણ ફિલ્મ છે ‘કાંતારા: ચેપ્ટર વન’ (હિન્દી), ‘મહાવતાર નરસિંહ’ (હિન્દી વર્ઝન) અને ‘સૈયારા’. ત્રણેય ફિલ્મની શૈલી એકબીજાથી સાવ ભિન્ન પણ ત્રણેત્રણ ફિલ્મ એકદમ ઈન્ટેન્સ-આવેશનો ઘડો છલકાય.
એક્શન થ્રિલર અને ડિવોશનલ એક્શન ફિલ્મમાં તો ઉત્કટ ભાવના ભારોભાર હોય એ સમજી શકાય, પણ ‘સૈયારા’ તો મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ. પણ નાયક-નાયિકાના રોમેન્સમાં અને ફિલ્મના ગીત-સંગીતમાં સુધ્ધાં આવેશ-આવેગની માત્રા ભારોભાર જોવા મળી છે. એક સમય હતો જ્યારે હિન્દી ફિલ્મોની લવસ્ટોરીમાં ઋજુતા, મૃદુતાનો પડઘો પડતો. એકવીસમી સદીમાં લવસ્ટોરી પડખું ફરી ગઈ છે અને ‘સૈયારા’ એનું વધુ એક ઉદાહરણ છે.
આ વર્ષની બે હિટ ફિલ્મ છે ‘ધુરંધર’ અને ‘એક દીવાને કી દીવાનિયત’. ‘ધુરંધર’ માટે તો ઈન્ટેન્સ શબ્દ ટૂંકો પડે એવું છે જ્યારે ‘એક દીવાને કી દીવાનિયત’ ટાઈટલ જ એમાં રહેલા આવેશ-ઉત્કટતા તરફ આંગળી ચીંધે છે.
વર્ષની પ્રથમ 10 સફળ ફિલ્મો પણ એકંદરે આ જ દલીલનો પડઘો પાડે છે: ‘ધુરંધર’, ‘છાવા’, ‘સૈયારા’, ‘વોર 2’ અને ‘કાંતારા: ચેપ્ટર વન’ (હિન્દી). સાતમા નંબરે કોમેડી ફિલ્મ છે ‘હાઉસફુલ 5’ અને ત્યારબાદ વારો આવે છે ‘રેડ 2’, ‘સિતારે ઝમીં પર’ અને ‘થમ્મા’નો. વાત આદિત્ય ધરની ‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’ના મશહૂર ડાયલોગ ‘હાઉ ઈઝ ધ જોશ? હાઈ સર’ જેવી સ્પષ્ટ છે. જનતાને લીલા-લાલ મરચાંના વઘારવાળી રસોઈ જ ભાવે છે. સુષ્ટુ સુષ્ટુ આઈટમ આરોગ્યપ્રદ હોય તો પણ એનાથી મો મચકોડી લેવામાં આવે છે.
ઈન્ટેન્સ ફિલ્મોનો વ્યવસ્થિત દોર 2016થી શરૂ થયો એવી માન્યતાને પુષ્ટિ આપે એવાં સબળ કારણો પણ છે. 2016ની સૌથી સફળ ફિલ્મ હતી આમિર ખાનની ‘દંગલ’. નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મ હતી તો સ્પોર્ટ્સ બાયોપિક, પણ ફિલ્મ જોશ, આવેશ-આવેગ, ઉત્ક્ટ ભાવનાનાં રસાયણોથી છલકાતી હતી. ત્યારબાદ ‘સિક્રેટ સુપરસ્ટાર’ (2017), ‘સંજુ’ (2018) અને ‘વોર’ (2019)માં પણ આ સિલસિલો જારી રહ્યો. ફિલ્મનું જોનર કે એના કલાકાર નહીં, ફિલ્મ કેટલી ઈન્ટેન્સ છે, એમાં ભાવનાની ઉત્કટતાની ચરમસીમા કેવી છે એ ફિલ્મની સફળતામાં નિર્ણાયક ભાગ ભજવતી હોય એવું લાગે છે.
છેલ્લાં પાંચ વર્ષની અન્ય લોકપ્રિય ફિલ્મો ‘એનિમલ’, ‘સરદાર ઉધમ’, ‘આર્ટિકલ 15’ પણ આ બાબતનું સમર્થન કરે છે એવું નથી લાગતું? અલબત્ત અન્ય ફિલ્મો સફળ નથી થતી કે એને આવકાર નથી મળતો અને એ ફ્લોપ જાય છે એવું નથી, પણ ઢોલ નગારા તો ઈન્ટેન્સ ફિલ્મોના જ વાગે છે.