Tue Dec 16 2025

Logo

White Logo

બોમ્બે હાઈ કોર્ટે 'ફુરસદી' તપાસ અને કાયદાની જોગવાઈઓની : અવગણના બદલ પોલીસની કાઢી ઝાટકણી

21 hours ago
Author: mumbai samachar teem
Video

મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે કાયદાની જોગવાઈઓ પ્રત્યે "સંપૂર્ણ અવગણના" અને "ફુરસદી" પૂછપરછ બદલ પોલીસની ઝાટકણી કાઢી છે અને આ સંદર્ભમાં કેન્દ્ર સરકારને પણ પ્રશ્ન પૂછ્યા છે. ગયા અઠવાડિયે જસ્ટિસ અજય ગડકરી અને રણજીતસિંહ ભોંસલેની બેન્ચે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે કાયદામાં ફરિયાદોની પ્રાથમિક તપાસ 14 દિવસની અંદર ફરજિયાત પૂર્ણ કરવાની હોવા છતાં પોલીસ મહિનાઓ સુધી તપાસ કરે છે.

કોર્ટ કુંદન પાટીલ દ્વારા તેમના વકીલ ઉદય વરુણજીકર દ્વારા ઓક્ટોબરમાં મુંબઈ નજીક મીરા રોડ સ્થિત કાશીમીરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી ફરિયાદ પર પોલીસને FIR નોંધવાનો નિર્દેશ આપવાની અરજી પર સુનાવણી કરી રહી હતી. કાશીમીરા પોલીસે તેના સોગંદનામામાં કોર્ટને જાણ કરી હતી કે તપાસ હજુ પણ ચાલુ છે.

બેન્ચે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 173(3)(i)નો ઉલ્લેખ કર્યો, જે પોલીસને 14 દિવસની અંદર પ્રાથમિક તપાસ પૂર્ણ કરવાની સત્તા આપે છે, જેથી ખાતરી કરી શકાય કે આ કેસમાં આગળ વધવા માટે પ્રથમ દૃષ્ટિએ કોઈ કેસ છે કે નહીં, પરંતુ પોલીસ પ્રારંભિક તપાસના નામે મહિનાઓ સુધી આવી તપાસ કરે છે.

બેન્ચે કહ્યું કે પોલીસ કાયદાને "સંપૂર્ણપણે અવગણી" રહી છે. "અમને નિયમિતપણે એવા કેસ જોવા મળે છે, જેમાં પોલીસ પોતાની ફુરસદે અને મનસ્વી રીતે આરામથી પ્રારંભિક પૂછપરછ કરી રહ્યા છે. કાં તો પોલીસને જાણ નથી કે ભારત સરકારે જુલાઈ 2024માં BNSS લાગુ કર્યો છે અથવા તેઓ જાણી જોઈને કાયદાની ફરજિયાત જોગવાઈઓનું પાલન કરી રહ્યા નથી, જેના કારણો તેમને ખબર, એમ બેન્ચે અવલોકન કર્યું.

કોર્ટે આદેશ આપતા કહ્યું કે અમે ભારત સરકારના ગૃહ વિભાગનો અભિપ્રાય મેળવવાનું યોગ્ય માનીએ છીએ કે શું BNSSની જોગવાઈઓ બધા પોલીસ સ્ટેશનોને લાગુ પડે છે અને જો એમ હોય તો, તેનું કડક અને નિષ્ઠાપૂર્વક પાલન કેમ કરવામાં આવ્યું નથી. બેન્ચે આ મામલાની વધુ સુનાવણી 19 ડિસેમ્બરે મુલતવી રાખી એડિશનલ સોલિસિટર જનરલને કેન્દ્ર સરકાર વતી કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.