Fri Jan 02 2026

Logo

White Logo

ડોંબિવલી-કલ્યાણમાં ભાજપના 5 અને શિંદે જૂથના 4 ઉમેદવારની જીત: : ભિવંડીમાં ભાજપનું ખાતું ખુલ્યું

2 hours ago
Author: mumbai samachar teem
Video

મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાની કુલ 122 બેઠકમાંથી ત્રણ બેઠક પર ભાજપના ત્રણ મહિલા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા બાદ ગુરુવારે ભાજપના વધુ બે મહિલા ઉમેદવાર અને શિંદે જૂથની શિવસેનાના ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. આ સાથે ભાજપના ચૂંટાયેલા નગરસેવકની સંખ્યા પાંચ અને શિંદેની સેનાના નગરસેવકની સંખ્યા ૪ થઈ ગઈ છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ ડૉ. શ્રીકાંત શિંદે આ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે. આ બંને પક્ષો વચ્ચે ગઠબંધન થયું હોવા છતાં તેમના બિનહરીફ ચૂંટાઈ આવનારા નગરસેવકો સંખ્યાને લઈને તેમની વચ્ચે સ્પર્ધા ચાલી રહી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે.

કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર અઢારમાંથી રેખા ચૌધરી અને વોર્ડ નંબર ૨૬ (એ)માંથી આશાવરી કેદાર નવરેએ પોતાની અરજીઓ દાખલ કરી હતી. છેલ્લા દિવસ સુધી અન્ય કોઈ ઉમેદવારોએ પોતાની અરજીઓ દાખલ કરી નહીં હોવાથી તેઓ બિનહરીફ જીત્યા હતા. જ્યારે, વોર્ડ નં. ૨૬ (બી)માંથી ભાજપના ઉમેદવાર રંજના પેનકર સામે ચૂંટણી લડી રહેલા ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યું હતું. 

આ કારણે રંજના પેનકર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ડોંબિવલી પશ્ચિમમાં વોર્ડ નંબર ૨૪ બી માંથી જ્યોતિ પવન પાટીલ અને ડોંબિવલી પૂર્વમાં વોર્ડ નંબર ૨૭ એમાંથી મંદા સુભાષ પાટીલ બિનહરીફ ચૂંટાયા હતા. આમ બિનહરીફ ચૂંટાઈ રહેલા ભાજપના નગરસેવકની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે.

એકનાથ શિંદે સેનાના ચાર નગરસેવકો વરિષ્ઠ ભૂતપૂર્વ કોર્પોરેટર વિશ્વનાથ રાણે, રમેશ સુકર્યા મ્હાત્રે, વૃષાલી જોશી, હર્ષલ રાજેશ મોરે બિનહરીફ ચૂંટાયા હતા. હર્ષલ મોરે ડોંબિવલી પૂર્વમાં વોર્ડ નંબર ૨૮ દત્તનગર વિસ્તારમાંથી અને ડોંબિવલી પશ્ચિમના કોપર રોડ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ૨૪, શાસ્ત્રીનગરમાંથી વરિષ્ઠ કોર્પોરેટર વિશ્વનાથ રાણે, રમેશ સુકર્યા મ્હાત્રે અને વૃષાલી રણજીત જોશી બિનહરીફ જીત્યા છે. 

ભિવંડી મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર ૧૭ બીમાંથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન, ભાજપ નેતા કપિલ પાટીલના ભત્રીજા સુમિત પાટીલ બિનહરીફ ચૂંટાયા છે. તેથી, થાણે જિલ્લામાં કલ્યાણ અને ડોંબિવલી મહાનગરપાલિકા પછી, ભિવંડી મહાનગરપાલિકામાં ભાજપના નગરસેવક બિનહરીફ ચૂંટાયા હતા.