મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને 2026નો પહેલો રવિવાર પણ આવતીકાલે બહાર નીકળનારાઓને રડાવશે. રેલવે ટ્રેક મેઈન્ટેનન્સ, સિગ્નલ મેઈન્ટેનન્સ જેવા મહત્ત્વના અભિયાંત્રિકી કામકાજ માટે રેલવે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. ચાલો જોઈએ આવતીકાલે ક્યાં અને કયા રૂટ પર મેગા બ્લોક રહેશે-
મધ્ય રેલવેની વાત કરીએ તો મધ્ય રેલવે પર આવતીકાલે એટલે કે ચોથી જાન્યુઆરીના રોજ સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમય દરમિયાન અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેન સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ અને મુલુંડ સ્ટેશન પર ઊભી રહેશે.
હાર્બર લાઈનની વાત કરીએ તો ટ્રાન્સ હાર્બર લાઈન પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી થાણે- વાશી, નેરુલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર બ્લોક રહેશે. બ્લોકના સમય દરમિયાન થાણે-વાશી,નેરુલ, પનવેલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે.
પશ્ચિમ રેલવેની વાત કરીએ તો પશ્ચિમ રેલવે પર ત્રીજી અને ચોથી જાન્યુઆરીને 12 કલાકનો મેજર બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોક શનિવાર-રવિવાર રાતે 11થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે. આ સાથે સાથે પ્રભાદેવી આરઓબી હટાવવા માટે પણ સાત કલાકનો સ્વતંત્ર બ્લોક હાથ ધરવામાં આવશે. આ કામને કારણે બંને દિવસ મળીને કુલ 260 જેટલી લોકલ ટ્રેનો રદ રહેશે.
પ્રભાદેવી ખાતે રોડ ઓવર બ્રિજ હટાવવા ડાઉન સ્લો લાઈન પર રાતે 11.30 કલાકથી સવારે 7 વાગ્યા સુધી સાડાસાત કલાકનો બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયે પ્રવાસીઓને બાંદ્રે કે દાદર સ્ટેશનથી એ જ ટકિટ પર ઊંધી દિશામાં પ્રવાસ કરવાની પરવાનગી પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવી છે.
બ્લોકના સમય દરમિયાન મુંબઈ સેન્ટ્રલ-ચર્ચગેટ વચ્ચે અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેનો પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે મહાલક્ષ્મી, પ્રભાદેવી અને માટુંગા રોડ સ્ટેશન પર ઊભી નહીં રહે. આ ઉપરાંત પ્લેટફોર્મની લંબાઈ અપૂરતી હોવાને કારણે લોઅર પરેલ અને માહિમ સ્ટેશન પર પણ હોલ્ટ નહીં લે.