Thu Jan 01 2026

Logo

White Logo

બ્રહ્મોસ-2 મિસાઈલ: 8,500 km/hની ઝડપ સાથે દુશ્મનો માટે બનશે કાળ, : જાણો તેની તાકાત?

2 days ago
Author: Devayat Khatana
Video

નવી દિલ્હી: બ્રહ્મોસ 2 હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલને લઈને વિશ્વના સંરક્ષણ ક્ષેત્રમાં ચર્ચા જાગી છે. અંદાજે 8,500 કિલોમીટર પ્રતિ કલાકની તીવ્ર ઝડપ ધરાવતી આ મિસાઇલ રશિયન S-400 જેવી અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ માટે પણ અજેય માનવામાં આવે છે. આ મિસાઇલ તેના અગાઉના વર્ઝન કરતા પણ વધુ ઝડપી અને ઘાતક હશે, જેના કારણે પાકિસ્તાન અને ચીન જેવા પડોશી દેશો આગામી દાયકા સુધી તેની સામે રક્ષણ મેળવવા માટે સક્ષમ નહીં હોય.

દુશ્મનના રડાર માટે તેને પકડવી મુશ્કેલ
હાલની બ્રહ્મોસ મિસાઇલ મેક 2.8થી મેક 3ની ઝડપે હુમલો કરી શકે છે. તે સમુદ્રની સપાટીથી ખૂબ જ ઓછી ઊંચાઈએ ઉડતી હોવાથી દુશ્મનના રડાર માટે તેને પકડવી અત્યંત મુશ્કેલ છે. આ મિસાઇલમાં ઇન્ટરનલ નેવિગેશન અને સેટેલાઇટ ગાઈડન્સનું અદ્યતન સંયોજન વપરાય છે. હવે ભારત અને રશિયા આ મિસાઈલની રેન્જ હાલની 290 કિમીથી વધારીને 450 અને 900 કિમી સુધી લઈ જવાની દિશામાં કામ કરી રહ્યા છે.

જમીન, પાણી, હવા અને સબમરીનથી છોડી શકાશે
બ્રહ્મોસ-II એક હાઈપરસોનિક વેરિઅન્ટ હશે, જે મેક સાતથી વધુની ઝડપ હાંસલ કરશે. નિષ્ણાતોના મતે તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ 2028ની આસપાસ થવાની શક્યતા છે. આ મિસાઇલ જમીન, પાણી, હવા અને સબમરીન એમ ચારેય માધ્યમોથી છોડી શકાશે. હાઈપરસોનિક ગ્લાઈડ ક્ષમતાને કારણે કોઈ પણ સંરક્ષણ નેટવર્ક માટે તેને ટ્રેક કરવી કે વચ્ચેથી અટકાવવી લગભગ અશક્ય બની જશે, જે 2030ના દાયકામાં પણ ભારતીય સેનાની તાકાત જાળવી રાખશે.

ઓપરેશન સિંદૂરમાં ચોકસાઈ સાબિત કરી હતી
ભારતીય વાયુસેનાએ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાન સામે સુખોઈ-30 MKI ફાઈટર જેટથી બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ કરીને તેની ચોકસાઈ સાબિત કરી દીધી છે. તે સમયે પાકિસ્તાનને ચીન પાસેથી મળેલી એર ડિફેન્સ સિસ્ટમ બ્રહ્મોસ સામે નિષ્ફળ સાબિત થઈ હતી. રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ જોવા મળ્યું છે કે બ્રહ્મોસની પૂર્વજ ગણાતી રશિયન 'P-800 ઓનિક્સ' મિસાઈલને અમેરિકા કે યુરોપની અદ્યતન સિસ્ટમો રોકી શકી નથી. આ સાબિત કરે છે કે ઓછી ઊંચાઈએ ઉડતી અતિ ઝડપી ક્રૂઝ મિસાઈલ હજુ પણ વિશ્વ માટે એક મોટો પડકાર છે.