Thu Jan 01 2026

Logo

White Logo

"કોંગ્રેસ ખતમ નથી થઈ, અમારી કરોડરજ્જુ હજુ પણ સીધી છે": સ્થાપના દિવસે ખડગેનો હુંકાર : ભાજપ ભાગલા પાડે છે, અમે જોડીએ છીએ; ધર્મના નામે મત માંગવા એ અમારો સંસ્કાર નથી: કોંગ્રેસ

4 days ago
Author: Devayat Khatana
Video

નવી દિલ્હી: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 140મા સ્થાપના દિવસ નિમિત્તે દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખડગેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "જે લોકો એમ કહે છે કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, તેમને મારે કહેવું છે કે અમે ભલે સત્તામાં ન હોઈએ, પણ અમારી કરોડરજ્જુ હજુ પણ સીધી છે. અમે ક્યારેય બંધારણ, બિનસાંપ્રદાયિકતા કે જનતાના અધિકારો સાથે સમજૂતી કરી નથી અને કરીશું પણ નહીં." તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ એક વિચારધારા છે જે ક્યારેય મરતી નથી.

લોકશાહી અને બંધારણની કોંગ્રેસ જ રક્ષક
કોંગ્રેસના ભવ્ય ઇતિહાસને યાદ કરતા ખડગેએ કહ્યું કે 28 ડિસેમ્બર, 1885ના રોજ મુંબઈમાં સ્થપાયેલી આ પાર્ટીએ 62 વર્ષ સુધી જેલવાસ અને સંઘર્ષ વેઠીને દેશને આઝાદી અપાવી છે. તેમણે મહાત્મા ગાંધી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના બલિદાનને યાદ કરતા કહ્યું કે કોંગ્રેસે હંમેશા એકતા અને અખંડિતતા માટે કામ કર્યું છે. આજે જ્યારે લોકશાહી અને બંધારણ જોખમમાં છે, ત્યારે કોંગ્રેસ જ તેની રક્ષક બનીને ઉભી રહેશે.

ઇતિહાસ પર લેક્ચર આપનારાઓના પૂર્વજો.......
કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા ખડગેએ આક્ષેપ કર્યો કે છેલ્લા 11 વર્ષમાં સંસ્થાઓને નબળી પાડવામાં આવી છે. તેમણે કહ્યું, "ભાજપ ભાગલા પાડે છે, જ્યારે અમે જોડીએ છીએ. ભાજપ પાસે આજે સત્તા છે પણ સત્ય નથી, તેથી જ તેઓ વસ્તી ગણતરી કરતા ડરે છે અને હકીકતો છુપાવે છે." ખડગેએ વધુમાં જણાવ્યું કે ઇતિહાસ પર લેક્ચર આપનારાઓના પૂર્વજો આઝાદીની લડાઈ વખતે ઇતિહાસ છોડીને ભાગી ગયા હતા, જ્યારે કોંગ્રેસે દેશના આત્મા માટે લડાઈ લડી છે.

બહુમતી ન હોય તો પણ અંતે સત્યનો વિજય 
UPA સરકારની સિદ્ધિઓ ગણાવતા તેમણે RTI, RTE, ફૂડ સિક્યુરિટી અને મનરેગા (MGNREGA) જેવા કાયદાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે આક્ષેપ કર્યો કે વર્તમાન સરકાર આ કાયદાઓને નબળા પાડીને મૂડીવાદી મિત્રોને ફાયદો કરાવી રહી છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી માનતા હતા કે ભલે બહુમતી ન હોય પણ સત્યનો હંમેશા વિજય થાય છે. આજે સત્ય અને જનતાનો ટેકો બંને કોંગ્રેસ સાથે છે, જે રામલીલા મેદાનમાં ઉમટેલી ભીડ સાબિત કરે છે.

આ લડાઈ દેશના આત્મા-બંધારણને બચાવવાની 
ખડગેએ જણાવ્યું હતું કે આ લડાઈ માત્ર સત્તા માટે નથી, પરંતુ દેશના આત્મા અને બંધારણને બચાવવા માટે છે. તેમણે પ્રશ્ન કર્યો કે જો કોંગ્રેસ લડશે નહીં, તો દેશના ગરીબો, ખેડૂતો અને સામાન્ય જનતાના હકોનું રક્ષણ કોણ કરશે? આ પ્રસંગે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા અને પાર્ટીની વિચારધારાને ઘરે-ઘરે પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.