નવી દિલ્હી : સંચાર સાથી એપ મુદ્દે વધી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. કેન્દ્ર સરકારે ફોન પર એપનું પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત કર્યું નથી. ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય એ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને પ્રી-ઇન્સ્ટોલેશનને મરજિયાત ગણાવી છે.
સંચાર સાથી એપ ઇન્સ્ટોલ કરવી મરજિયાત
ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે એ પોસ્ટમાં જણાવ્યું છે કે, "બધા નાગરિકોને સાયબર સુરક્ષા લાભો પૂરા પાડવા માટે, સરકારે બધા સ્માર્ટફોન પર સંચાર સાથી એપનું પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત કર્યું હતું. આ એપ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનો એકમાત્ર હેતુ નાગરિકોને સાયબર ગુનેગારોથી બચાવવાનો છે. સંચાર સાથીની વધતી જતી લોકપ્રિયતાને જોતાં સરકારે મોબાઇલ ઉત્પાદકો માટે તેને મરજિયાત કરવાનો નિર્ણય લીધો છે.
સ્માર્ટફોન ઉત્પાદક એપલે પાલન કરવાનો ઇનકાર કર્યો હતો
કેન્દ્ર સરકારના આ પગલાને એપલના નિર્ણય સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. 28 નવેમ્બરના રોજ સરકારનો આદેશ મળ્યા પછી, સ્માર્ટફોન ઉત્પાદક એપલે તેનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે આ પગલું આઇફોન વપરાશકર્તાઓના વ્યક્તિગત ડેટાને જોખમમાં મૂકી શકે છે. એપલે જણાવ્યું હતું કે તે સરકાર સમક્ષ પોતાના પ્રશ્નો રજુ કરશે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષને આડે હાથે લીધા
આ દરમિયાન સંચાર સાથી એપ મુદ્દે લોકસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષના આક્ષેપનો જવાબ આપ્યો હતો . તેમણે કહ્યું કે આ એપનો ઉપયોગ જાસૂસી માટે થઈ શકતો નથી. જોકે કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, આ અંગે જવાબ આપતા સિંધિયાએ જણાવ્યું હતું આ અંગે એક વેબસાઈટ શરુ કરી છે. તેમજ અત્યાર સુધી લોકોની ફરિયાદના આધારે 1.50 કરોડ ફ્રોડ મોબાઈલ કનેકશન બંધ કરવામાં આવ્યા છે. તેમજ વિપક્ષ આને ખોટો મુદ્દો બનાવીને ચગાવી રહી છે. આ સામાન્ય એપની જેમ ઇન્સ્ટોલ અને અનઇન્સ્ટોલ કરી શકાય છે.