Thu Jan 01 2026

Logo

White Logo

બ્રાન્ડિંગ જગત: : 2025નું સિંહાવલોકન...

4 days ago
Author: Mumbai Samachar Team
Video

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે - સમીર જોશી

ત્રણ દિવસ પછી નવા વર્ષ 2026ની શરૂઆત થશે. ડિજિટલની વધતી જતી લોકપ્રિયતા અને જરૂરતના કારણે નવા બદલાવ લગભગ પ્રતિદિન જોવા મળે છે. વ્યાપકપણે માર્કેટિગ અને બ્રાન્ડની દૃષ્ટિએ 2025 દરમિયાન શું શીખ્યા અથવા જાણ્યું તેની વાત કરીયે જેના થકી આવનારા વર્ષમાં શું કરવું તે જાણી શકાય.

માઇક્રો ઈનફ્લુએન્સર તથા માઇક્રો ડ્રામા :

 સૌથી સ્પષ્ટ પરિવર્તનોમાંનો એક માઇક્રો ઈનફ્લુએન્સર અને માઇક્રો ડ્રામાનો ઉદય હતો. બ્રાન્ડ્સ વધુને વધુ નાના (માઇક્રો), વિશ્વસનીય અવાજો પર આધાર રાખતી હતી, જે ચોક્કસ વિસ્તારના સમુદાયો સાથે પ્રમાણિકતા સાથે સંવાદ સાધી શકે. આ સાથે માઇક્રો ડ્રામાનો પણ સમાવેશ થયો. ધ્યાન ખેંચનારા પ્રેક્ષકો માટે રચાયેલ ટૂંકા, એપિસોડિક ક્નટેન્ટ ફોર્મેટ. મોટેભાગે બ્રાન્ડના આઈડિયા અનુસાર કોમ્યુનિકેશન બને. ઘણીવાર મોટી આઈડિયાના નાના એડિટેડ કટડાઉન વર્ઝન જોવા મળે,પણ આ માઇક્રો ડ્રામા મોટી આઈડિયાના એડિટેડ સંસ્કરણો નહોતાં. તે પોતાનામાં જ એક આઈડિયા હતી. તેને બ્રાન્ડ ફિલ્મ કહેવાય કે નહિ તે પ્રશ્ન છે, પણ આજના સંદર્ભમાં લોકોને જે રીતે મનોરંજન જોઈએ છે તે મુજબ બ્રાન્ડે તે પીરસ્યું.

આનાથી ક્નટેન્ટ બનાવવાની વિચારસરણીમાં ઊલટફેર થયો. અગાઉ બ્રાન્ડ્સ લાંબી ફિલ્મો બનાવતી હતી અને તેને ટૂંકા ફોર્મેટમાં સંપાદિત કરતી હતી. 2025માં એ વિચાર પલટાઈ ગયો. છ સેક્નડ કે દસ સેક્નડની ફિલ્મથી શરૂઆત થવા લાગી. જો આઈડિયા કામ કરી જાય, તો તેના આધારે મોટી બ્રાન્ડ ફિલ્મ બની શકે.

ફીચર ફિલ્મોના પ્રમોશન પણ આ મોડેલને અનુસરવા લાગ્યા. ફિલ્મોનું માર્કેટિગ અનેક ટૂંકી રીલ્સ દ્વારા કરવામાં આવતું હતું જે ધીમે ધીમે દર્શકોને થિયેટરોમાં ખેંચી લાવે છે.

બ્રાન્ડ વિદ્ધ પર્ફોર્મન્સ માર્કેટિગ:

ઓનલાઇન વેચાણના આવ્યા બાદ બધાનું ફોકસ માલ વેચવા તરફ હતું. અચાનક બ્રાન્ડ બિલ્ડિંગ તરફ લોકોની નજર ઓછી થવા લાગી અને આનાં પરિણામ પણ લોકોએ જોયા.

લાંબા સમયથી ચાલતી આ ચર્ચા બ્રાન્ડ વિદ્ધ પર્ફોર્મન્સ માર્કેટિગને દિશા મળી. ઇન્ડસ્ટ્રીને સમજાયું કે આ વિરોધી પરિબળો નથી. બ્રાન્ડ વિના પર્ફોર્મન્સને એક મર્યાદા આવવા લાગી. અને પર્ફોર્મન્સ વિના બ્રાન્ડમાં વેચાણની અકાઉન્ટેબિલિટીનો પ્રશ્ન ઊભો થાય. સૌથી અસરકારક માર્કેટર્સે તેમને બે અલગ-અલગ દિશાઓ કે આદેશ નહીં પણ એક સિસ્ટમ તરીકે ગણ્યા. લીગસી બ્રાન્ડ્સે આ સંતુલન સારી રીતે દર્શાવ્યું, સાબિત કર્યું કે સતત વૃદ્ધિ માટે ટૂંકા ગાળાની કાર્યક્ષમતા અને લાંબા ગાળાના વિચાર બંનેની જરૂર છે.

ક્વિક કોમર્સ: 

મીડિયા પ્લેટફોર્મ તરીકે ક્વિક કોમર્સના ઉદયથી એક મોટું માળખાકીય પરિવર્તન આવ્યું. બ્રાન્ડ તેનું મીડિયા બજેટ આના પર વધુ ખર્ચવા લાગ્યું. આ પ્લેટફોર્મ પર ફક્ત કેટલા લોકો સુધી પહોંચ્યાની વાત નથી પણ સીધા વેચાણની વાત છે અને તેથી આ પ્લેટફોર્મનું મૂલ્ય વધ્યું. ક્વિક કોમર્સ પ્લેટફોર્મની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ તરીકે શરૂઆત થઇ હતી તે આજે બ્રાન્ડને ના ફક્ત વિઝિબિલિટી આપે છે, પણ કસ્ટમરને ઇન્ફ્લુયેન્સ કરી માલ ખરીદવા પ્રેરે છે.

B2B માર્કેટિગ: 

B2B માર્કેટિગમાં પણ બદલાવ આવ્યા. અત્યાર સુધી જે સંબંધો-આધારિત વેપાર કરતુ હતું તે પોતાના બ્રાન્ડની વિઝિબિલિટી, બ્રાન્ડની વાર્તા અને સુસંગતતાને અપનાવ્યુ. B2B બ્રાન્ડ્સે ધ્યાન આકર્ષવા માટે સ્પર્ધા કરવાનું શરૂ કર્યું, જેથી લોકોના માનસપટ પર એ રહે અને વેચાણની પ્રક્રિયા ઝડપી બને.

ડિસ્ટ્રીબ્યુશન: 

 વિતરણના મોરચે, ઓમ્નિચેનલ (અલગ અલગ વેચાણના કેન્દ્રો જેમ કે ઓનલાઇન,  ઓફલાઈન, ક્વિક કોમર્સ વગેરે.) નો અભિગમ જરૂરી છે. ડિજિટલ ફર્સ્ટ બ્રાન્ડસ પણ આજની તારીખે ફિઝિકલ સ્ટોર તરફ વળી રહ્યા છે અને પરંપરાગત બ્રાન્ડ્સ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ જોવા મળે છે. આમ વેપારમાં વૃદ્ધિ હવે ઑફલાઇનનો વિશ્વાસ અને ઑનલાઇનની સુવિધાના આધારે જોવા મળશે.

બ્રાન્ડ બિલ્ડિંગ:

 વ્યાપક સ્તરે, ભારતમાં પણ બ્રાન્ડિગમાં પરિવર્તન આવ્યું છે. દેશ હવે ફક્ત ઉત્પાદક કે નિકાસકાર બનીને રહ્યો નથી. એવી સમજણ વધી રહી છે કે બજારો ફક્ત ક્ષમતા દ્વારા નહીં, પરંતુ વાર્તાઓ નરેટિવ દ્વારા બનાવવામાં આવે છે. કોમોડિટીઝથી લઈને બ્રાન્ડ્સ સુધીના ભારતીય વ્યવસાયોએ વૈશ્વિક સુસંગતતા ધરાવતી બ્રાન્ડ્સ બનાવવાની મહત્તા અને જરૂરિયાતને સ્વીકારી છે.

મધ્યમ વર્ગીય ગ્રાહક: 

એક ભ્રામક કલ્પના છે કે ભારતીય મધ્યમ વર્ગ અદૃશ્ય થઇ રહ્યું છે. તે અદૃશ્ય નથી થઇ રહ્યું પણ તે વિકસિત થયું છે. મધ્યમ વર્ગ હવે માત્ર આવકના આધારે નથી ઓળખાતો પણ તે એક માનસિકતા કેમ છે તે જાણવું જરૂરી છે. આજે જયારે લોકોની આકાંક્ષાઓ વધી રહી છે ત્યારે તેમ સમજી અને મધ્યમ વર્ગને બાજુ પર રાખવો તે સમજદારી નથી, કારણ કે  આ ખોટી સમજણના આધારે આપણે આ બહોળા  વર્ગને અન્યાય કરી બેસીશું. અને આની અસર વેપાર પર પણ દેખાશે. આકાંક્ષાઓ વધી છે પણ અપેક્ષાઓ હજુ પણ મધ્યમ વર્ગીય છે.

જો 2025 એ માર્કેટિગ અને બ્રાન્ડિંગ ઉદ્યોગને કંઈ શીખવ્યું હોય, તો તે આ હતું: એક જ ચીજનો પીછો કરવાથી વેપારમાં વૃદ્ધિ આવતી નથી. તે સંતુલન, ધ્યાન અને મૂળભૂત વાતો તરફ પાછા ફરવાથી આવે છે. 
આ તે વર્ષ હતું જ્યારે માર્કેટર્સે સિલ્વર બુલેટ્સ અર્થાત કોઈ એક પ્રોડક્ટ કે સર્વિસ જેના સહારે ઉત્પાદક કઈ રીતે બાજી મારી જશે તે શોધવાનું બંધ થયું અને ખરેખર કામ કરતી સિસ્ટમ્સ બનાવવાનું શરૂ કર્યું.