સ્પોટ લાઈટ - મહેશ્વરી
હું જૂની રંગભૂમિ સાથે જોડાઈ ત્યારે કામ કરવાની પદ્ધતિ અલગ હતી. હું તો ખાડાની રંગભૂમિમાંથી આવી હતી અને વ્યવસ્થિત આયોજન, પદ્ધતિસરની તાલીમનો મહાવરો મને ઓછો હતો. જોકે, નાટક કંપનીમાં જોડાયા પછી મને એક વાતનો ખ્યાલ આવ્યો કે અહીં તંત્ર વ્યવસ્થિત છે, પણ અમુક નાટકો તો હું આગાઉ ભજવી ચૂકી હતી એ ફરીથી, વધુ પોલિશ થઈ ભજવાતા હતા. ક્યારેક એવું પણ લાગતું કે ખાડાના નાટકની દુનિયા વધુ સક્ષમ અને સારી હતી. જોકે, નવી શૈલીમાં શીખવા પણ ઘણું મળતું હતું અને એ બાબત મારા સહિત અનેક કલાકારના વિકાસમાં મહત્ત્વની સાબિત થઈ હતી.
થિયેટરમાં મારી એન્ટ્રી થઈ ત્યારે `સમ્રાટ ચંદ્રગુપ્ત' નાટક ભજવવાની તૈયારી ચાલુ હતી. એ સમયમાં રાષ્ટ્રભાવના ધરાવતા નાટકો લોકપ્રિય થતા હતા. આ નાટકને પણ ઘણો આવકાર મળ્યો હતો. જોકે, કેટલાક લોકોની દલીલ હતી કે નાટકમાં ચંદ્રગુપ્તની સાથોસાથ તેમના ગુરુ ચાણક્યને પણ ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું હોવાથી નાટકનો નાયક ચંદ્રગુપ્ત કે ચાણક્ય એ સવાલ ચર્ચાઈ રહ્યો હતો. જોકે, અનેક લોકોનો મત એવો પડ્યો હતો કે કાર્યક્ષેત્ર છોડીને તપસ્યા માટે જતા રહેલા ચાણક્ય નહીં, ચંદ્રગુપ્ત જ નાટકના નાયક હતા. રાષ્ટ્રભાવના પ્રજ્વલિત કરવામાં પણ આ નાટકે મોટો અને મહત્ત્વનો ભાગ ભજવ્યો એ હકીકત છે.
`સમ્રાટ ચંદ્રગુપ્ત'ના રિહર્સલમાં મારા સહિત અનેક નવા કલાકારોએ હાજરી આપવી ફરજીયાત હતું. અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે `નાટકમાં તમે પાત્ર ન ભજવતા હો તો પણ તાલીમ દરમિયાન હાજર રહેવાનું. શોના દિવસે પણ આવવાનું અને ફર્સ્ટ બેલ થાય એટલે નીકળી જવાનું. કંપનીનો આ શિરસ્તો છે.' નાટ્ય કંપનીના આ નિયમને અનુસર્યા વિના છૂટકો જ નહોતો.
સાચું કહું છું કે એ સમયે આ વાત મને વિચિત્ર લાગી હતી. મારો કોઈ રોલ નથી એવા નાટકના રિહર્સલ જોવાથી શું ફાયદો થાય એ મારી સમજ બહાર હતું. જોકે, આદેશના પાલન અનુસાર હું સમયસર રિહર્સલ વખતે પહોંચી જતી. એક દિવસ `સમ્રાટ ચંદ્રગુપ્ત'ની અભિનેત્રી અચાનક બીમાર પડતા એ નાટકમાં કામ નહીં કરી શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ. અચાનક મને કહેવામાં આવ્યું કે `મહેશ્વરી, તારે આ રોલ કરવાનો છે.' નાટક ઓપન થવાને પાંચ જ દિવસની વાર હતી. હું થોડી મૂંઝાઈ, પણ હિંમત કરી રિહર્સલ કરવા લાગી. જોકે, બહુ વાંધો ન આવ્યો. મને પોતાને સુધ્ધાં નવાઈ લાગી કે પાંચ દિવસમાં હું તૈયાર થઈ ગઈ અને સફળાતપૂર્વક શો કરી શકી. શો પત્યા પછી મને ખ્યાલ આવ્યો કે નાટકના રિહર્સલમાં નિયમિત હાજરી આપતી હતી એટલે અનેક સંવાદ મને મોઢે થઈ ગયા હતા અને અમુક મુવમેન્ટનો પણ અંદાજ હતો. એના કારણે મને ભૂમિકા આત્મસાત કરવામાં ઘણી આસાની રહી હતી. આકરો લાગેલો કંપનીનો નિયમ મારા માટે લાભદાયી સાબિત થયો હતો.
રંગભૂમિના વિકાસમાં લેખકનું મહત્ત્વ કેટલું વિશાળ હોય છે એ મેં અનેક વખત અનુભવ્યું છે. નાટ્ય લેખક એની આસપાસની દુનિયામાં, સમાજમાં અથવા અંગત વર્તુળમાં બનતી ઘટનાઓથી પ્રેરાઈને ઘણીવાર નાટક લખાતું હોય છે. ભારત બ્રિટિશ શાસન હેઠળ ગુલામીમાં હતું એ સમયની વાત છે. વીસમી સદીના પ્રારંભમાં,1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફર્યા હતા. ભારતવાસીઓને સ્વાતંત્ર્ય માટે પ્રેરણા આપી હતી. એ પ્રેરણાનું આચમન લઈ એક સર્જકે દેશભક્તિના રંગે રંગાયેલું નાટક `સ્વામીભક્ત સામંત' લખ્યું.
અલબત્ત, નાટક લખાઈ જાય એટલે વાત પતી નથી જતી. એ નાટક મંચસ્થ પણ થવું જોઈએ. શ્રી વિજય નૌતમ નાટક સમાજ કંપનીએ આ નાટક ભજવવાની તૈયારી દેખાડી હતી. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ખ્યાતનામ દિગ્દર્શક, સંગીતકાર તથા અભિનેતા તેમ જ રાષ્ટ્રપતિચંદ્રક વિજેતા કાસમભાઈ મીર એક સમયે આ નાટક કંપનીમાં હતા. કંપનીએ નાટક ભજવ્યું અને કરાચીમાં આ નાટકે જનતામાં દેશપ્રેમનો જુવાળ ઊભો કર્યો. લોકોને એવો પોરસ ચડ્યો કે એના જુસ્સાપૂર્ણ સંવાદો જાહેરમાં બોલવા લાગ્યા. `સ્વામીભક્ત સામંત' નાટકની લોકપ્રિયતા અને એમાં રહેલી દેશદાઝની ભાવના જનતાને એ હદે પ્રભાવિત કરી ગઈ કે કરાચીના સિટી મેજિસ્ટે્રટે લેખકની ધરપકડ કરવા વોરંટ બહાર પાડ્યું. અટકાયતથી બચવા લેખકશ્રી વેશપલટો કરી, સિંધી પોશાક પહેરી કરાચી છોડી વડોદરા આવી પહોંચ્યા.
કોણ હતા આ લેખક? બીજું કોઈ નહીં, પણ વીરરસના નાટ્યકારનું બિદ મેળવનારા ગૌરીશંકર `વૈરાટી'.
બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા ગૌરીશંકર `વૈરાટી'નો પરિવાર આર્થિક ગરીબીમાં જીવતો હતો. જોકે, બાળક વિદ્યાજ્ઞાન મેળવશે તો ભવિષ્યમાં પરિવારની પરિસ્થિતિ સુધરશે એવું સમજી શકેલા પિતાશ્રીએ બાળક ગૌરીશંકરને ભણવા માટે શાળામાં મૂક્યો હતો. બાળક ભણવામાં હોશિયાર હતો. એક દિવસ અચાનક વિદ્વાન સાધુનો સંપર્ક થયો અને પરિણામે જ્ઞાન મેળવવાની ઝંખના વધવા લાગી. જોકે, યુવાન ગૌરીશંકરનો માતૃભાષાનો મહાવરો છૂટી ગયો અને બોલચાલમાં હિન્દીનો ઉપયોગ વધવા લાગ્યો. પિતાશ્રીના ધ્યાનમાં આ વાત આવી અને તેમણે પુત્રને પાસે બેસાડી ચેતવ્યો-
`જ્ઞાન પ્રાપ્તિ માટે તું અન્ય ભાષા શીખે, સમજે અને બોલચાલમાં પણ એનો ઉપયોગ કરે એ બરાબર છે, પણ આપણી માતૃભાષા ગુજરાતી ભૂલી જાય એ બરાબર નથી.' પુત્રને આ વાત ગરમ ગરમ શીરાની માફક ગળે ઉતરી ગઈ. ગુજરાતી પુસ્તકો મેળવ્યા અને નિયમિત વાંચનથી ફરી ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું.
લેખનકાર્ય નિયમિત શરૂ કર્યા પછી હિન્દી - ગુજરાતી સાથે બંગાળી ભાષા પણ શીખી લીધી. એક બંગાળી નાટકનું ગુજરાતીમાં `ગંગાશાપ' નામથી ભાષાંતર કર્યું. અન્ય અનુવાદ પણ કર્યા અને કલમ તાકતવર બની ગયા પછી પહેલું સ્વતંત્ર નાટક `કનક કેસરી' લખ્યું અને શ્રી વિજય નૌતમ નાટક સમાજ નાટક સંસ્થાના પરિચયમાં આવ્યા. કંપનીએ બીજા નાટકની માગણી કરી અને `સ્વામીભક્ત સામંત' અવતર્યું. દક્ષ સેનાપતિ અને મુઘલો સામે બહાદુરી બતાવનારા વીર દુર્ગાદાસના જીવન પર આલેખાયેલું હતું. એમાં કવિશ્રીએ દેશની સ્વતંત્રતા અને બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્તિની વાતને વણી લીધી હતી.
આ નાટક કરાચીના પ્રેક્ષકોએ માથે લીધું અને નાટકથી લોકો વિદ્રોહી બનશે એ ભયથી મેજિસ્ટે્રટે ગૌરીશંકરની ધરપકડનું વોરંટ કાઢ્યું. જોકે, જાણ થઈ જતા કવિ સિંધી પોશાક પહેરી છટકી ગયા અને વડોદરા પહોંચી ગયા. એ વખતે મૌલાના અબુલ કલામ આઝાદ કરાચીમાં વકીલાત કરતા હતાં. એમની મદદથી વૈરાટી નિર્દોષ છૂટી ગયા અને વડોદરામાં કાયમી વસવાટ કર્યો. આ કેસથી તેમની લોકપ્રિયતા ખાસ્સી વધી ગઈ.
નાટ્ય લેખકે અધ્ધર થયેલી કંપની ફરી સધ્ધર બનાવી
જૂની રંગભૂમિના નાટકોની ભજવણી અને એમાં રહેલી કથાવસ્તુનો ફલક વિશાળ રહેતો. નાટ્ય લેખકને એ સમયમાં અનેરા માનપાન મળતા હતા. અલબત્ત લેખકોનું યોગદાન પણ એવું માતબર હતું કે તેઓ સાચા અર્થમાં એના હકદાર રહેતા. ભાંગવાડી થિયેટરના દિવસો દરમિયાન એવા કેટલાક નાટકો વિશે સાંભળેલી વાતોથી અચંબો થતો અને સાથે સાથે રંગભૂમિના વિકાસમાં કયા પરિબળોએ ભાગ ભજવ્યો એનો પણ ખ્યાલ આવ્યો હતો.એક સમયે સધ્ધર ગણાતી `આર્યનૈતિક નાટક મંડળી'ની સ્થિતિ સમય જતા નબળી પડવા લાગી હતી. કંપનીના માલિક નકુભાઇ શેઠએ રઘુનાથ ભાઈ પાસે `સૂર્યકુમારી' નાટક લખાવ્યું, પણ એ નાટક જામ્યું નહીં. દર્શકોને કશુંક ખૂટતું હોય એવું લાગતું હતું. અલબત્ત, શું ખૂટે છે એનો જવાબ કોઈ પાસે નહોતો. શેઠ ચકોર હતા અને આ મામલે અન્ય લેખકોની સલાહ લેવાનું તેમણે ઉચિત સમજ્યું. મૂળચંદ મામા, વિઠ્ઠલદાસ ભોજક તેમ જ કંપનીના અગ્રણી કલાકારો અને કસબીઓ સાથે નાટ્યક્ષેત્રના અનુભવી લેખક મૂળશંકર ભાઈની સલાહ લેવાનું નક્કી કર્યું. લેખકશ્રી કોઈ માર્ગ કાઢી આપશે અથવા કોઈ રસ્તો સૂઝાડશે એવી હૈયે આશા જ નહીં પણ ખાતરી હતી. કવિશ્રીને કહ્યું કે `સૂર્યકુમારી' નાટક મઠારી એને એવું બનાવી આપો કે પ્રેક્ષકોને પસંદ પડે એવી વિનંતી કરવામાં આવી. લેખકશ્રી સહમત થયા અને થોડો સમય માગ્યો. વિચારોને વેગ મળ્યો અને તેમણે `સૂર્યકુમારી' નાટકની કાયાપલટ કરી નાખી. એટલું જ નહીં, `છત્રસાલ' નાટક પણ ફરીથી લખી આપ્યું. બંને નાટક પ્રેક્ષકોને પસંદ પડ્યા અને ડામાડોળ થઈ ગયેલી નાટક કંપની સધ્ધર બની ગઈ. રઘુનાથ ભાઈએ આ વાતનું સમર્થન કરતા જણાવ્યું હતું કે `નકુભાઈ શેઠે અગિયાર લેખકની ટીમ પાસે `છત્રસાલ' લખાવ્યું. નાટકમાં લખાણમાં મારું, મણિલાલ `પાગલ' અને મૂળશંકર ભાઈનું યોગદાન છે.